Loudspeaker Controversy: આદેશ ઘોળીને પી ગઈ MNS!, સમગ્ર મહારાષ્ટ્રમાં કરશે મહાઆરતી
MNS Maha Aarti: રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ નિર્ણય લીધો છે કે 3 મેના રોજ તેમની પાર્ટીના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં સ્થાનિક મંદિરોમાં મહાઆરતી કરશે.
Trending Photos
MNS Maha Aarti: રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ નિર્ણય લીધો છે કે 3 મેના રોજ તેમની પાર્ટીના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં સ્થાનિક મંદિરોમાં મહાઆરતી કરશે. આ અગાઉ સોમવારે મહારાષ્ટ્ર સરકારે આદેશ બહાર પાડીને કહ્યું હતું કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા માટે મંજૂરી લેવી જરૂરી રહેશે.
એમએનએસની મહાઆરતી કરવાની જાહેરાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા નિતિન સરદેસાઈએ કહ્યું કે MNS ના કાર્યકરો 3જી મેના રોજ અક્ષય તૃતિયાના અવસરે રાજ્યભરના સ્થાનિક મંદિરોમાં મહાઆરતી કરશે. મહાઆરતી લાઉડ સ્પીકરથી કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે સોમવારે કહ્યું હતું કે એક મહત્વપૂર્ણ કદમ હેઠળ મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પોલીસની મંજૂરી અનિવાર્ય કરી છે. તેમણે કહ્યું કે મંજૂરી વગર ધાર્મિક સ્થળો કે ધાર્મિક સમારોહમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં દિશા-નિર્દેશો સાથે પ્રસ્તાવ પર વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
Maharashtra Navnirman Sena workers will perform 'Maha aarti' at their local temples across the state, on May 3, on the occasion of Akshaya Tritiya. The 'aarti' will be performed using loudspeakers: MNS leader Nitin Sardesai
— ANI (@ANI) April 19, 2022
રાજ ઠાકરેએ આપી હતી આ ચેતવણી
નોંધનીય છે કે એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે તરફથી ગત અઠવાડિયે મસ્જિદોમાં લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે થયેલા વિવાદ વચ્ચે મહાવિકાસ આઘાડી સરકારનો નિર્ણય સામે આવ્યો છે. રાજ ઠાકરેએ રાજ્ય સરકારને 3જી મે સુધીનું એક અલ્ટીમેટમ આપ્યું હતું. જેથી કરીને એ સુનિશ્ચિત થઈ શકે કે તમામ મસ્જિદોના લાઉડ સ્પીકરોને 'ચૂપ' કરી દેવામાં આવે કે 'હટાવી' દેવામાં આવે. આમ નહી કરાય તો તેમની પાર્ટીના કાર્યકરો જવાબી કાર્યવાહીમાં મસ્જિદોની બહાર લાઉડ સ્પીકરો પર હનુમાન ચાલીસા વગાડશે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર ડીજીપીની અન્ય જિલ્લાના ટોપના અધિકારીઓ સાથે આજે મહત્વની બેઠક થઈ. મહારાષ્ટ્ર પોલીસ એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે જેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ધાર્મિક વિવાદ સંલગ્ન મામલો નોંધાયેલો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શાંતિ જાળવી રાખવા માટે આ પ્રકારે કાર્યવાહી થશે. આ પ્રિવેન્ટિવ કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે જેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (એ), 295 (એ) હેઠળ મામલો નોંધાયેલો છે. ભડકાઉ નિવેદનબાજી કે ભાષણો આપનારા વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ અપાયા છે. આ બેઠકમાં મીડિયા શું રિપોર્ટ કરી રહી છે તેના ઉપર પણ ચર્ચા કરાઈ છે જેને લઈને દિશા નિર્દેશ જાહેર કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે