મહારાષ્ટ્રમાં વરસાદે કેર વર્તાવ્યો, ત્રંબકેશ્વર મંદિરમાં પાણી ઘૂસ્યા, મુંબઈમાં અલર્ટ 

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે.

મહારાષ્ટ્રમાં વરસાદે કેર વર્તાવ્યો, ત્રંબકેશ્વર મંદિરમાં પાણી ઘૂસ્યા, મુંબઈમાં અલર્ટ 

નવી દિલ્હી: મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ગોદાવરી નદી ઉફાન પર છે. નાસિકમાં તેનો પ્રવાહ વેગીલો બન્યો છે. ત્રંબકેશ્વર મંદિરની અંદર સુધી પાણી આવી ગયું છે. મુંબઈમાં પણ રવિવારે સવારથી વરસાદ ચાલુ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે. વરસાદના કારણે રેલવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. 

થાણેની આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદના પગલે લોકોની પરેશાનીઓ જોતા થાણે પોલીસ તરફથી હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યાં છે. 

થાણે કંટ્રોલ રૂમ 022 25443636/ 25442828 
ભિવંડી કંટ્રોલ રૂમ 02522 253700 / 254100 
કલ્યાણ કંટ્રોલ રૂમ 0251 2313427/2315446 
ઉલ્લાસનગર કંટ્રોલ રૂમ 0251 2705151/2700101

(સાંતાક્રુઝ અંડરપાસમાં પાણી ભરાયા)

મળતી માહિતી મુજબ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારના અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. સાયન અને કુર્લા વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનો સવારે 7.20થી બંધ છે. મહારાષ્ટ્રના સાંગલીમાં પણ ભારે વરસાદ છે. વિસ્તારની કૃષ્ણા, મોરણા, વારણા, યેરલા તમામ નદીઓમાં પૂર આવ્યાં છે. સતારાના કોએના ડેમથી 19 હજાર ક્યુસેક અને સાંગલીના વારણા ડેમમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. સાંગલીની મગરમચ્છ કોલોની, સૂર્યવંશી પ્લોટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. 

મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નાસિકના ત્રંબકેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 350 મિમી વરસાદ પડ્યો છે. ત્રંબકેશ્વર મંદિરની અંદર પાણી ઘૂસી ગયુ છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. મંદિરમાં દર્શન માટે રોજ હજારો લોકો આવે છે. નિફાડ વિસ્તારના સાયખેડા ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રની અંદર પાણી ઘૂસી ગયા છે. 

હવામાન ખાતા તરફથી આજે મુંબઈ અને તેના પરા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મુંબઈમાં આજે 2.23 વાગે હાઈ ટાઈડ આવવાની આગાહી કરાઈ છે. સમુદ્રમાં 4.83 મીટર સુધી મોજા ઉછળશે. સરકારી મશીનરી હાઈ એલર્ટ પર છે. 

જુઓ LIVE TV

અંધેરી સબવે, મલાડ સબવે, વિલેપાર્લે વિસ્તારમાં પાણી ભરાયા છે. સાયન વિસ્તારમાં પણ  પાણી ભરાવવાના શરૂ થઈ ગયા છે. મુંબઈ સહિત પરાવિસ્તારોમાં રાતથી અટકી અટકીને વરસાદ ચાલુ છે. થાણેના બદલાપુર વિસ્તારમાં રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સેન્ટ્રલ લાઈન પર અંબરનાથથી આગળ ટ્રેનો અટકાવવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news