Karnataka: કર્ણાટકના CM કોણ બનશે એ નક્કી કરતા પહેલાં નક્કી કરી લેવાઈ શપથ ગ્રહણની તારીખ!

Karnataka Chief Minister Oath: કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર મંથન વચ્ચે નક્કી કરી લેવાઈ શપથ ગ્રહણની તારીખ. કોણ સીએમ બનશે એના પર હજુ પણ ચર્ચા છે ચાલુ..

Karnataka: કર્ણાટકના CM કોણ બનશે એ નક્કી કરતા પહેલાં નક્કી કરી લેવાઈ શપથ ગ્રહણની તારીખ!

Karnataka Chief Minister Oath: કોંગ્રેસને કર્ણાટકમાં બહુમત મળ્યા બાદ હવે સીએમનો તાજ કોના શિરે પહેરાવવો એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ મુદ્દાને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. એવામાં સીએમ નક્કી કરતા પહેલાં શપથ ગ્રહણની તારીખ નક્કી કરી લેવામાં આવી છે. આગામી 18 મે ના રોજ કર્ણાટકના મુખ્યમંંત્રી સહિત નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

18 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ નક્કી-
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો ત્યારથી જ મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેના રોજ યોજાશે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ મોકલવામાં આવશે. જો કે હાલમાં કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીની ચૂંટણીનો છે. પાર્ટીના નિવેદન અનુસાર, કર્ણાટકમાં આગામી સીએમ કોણ હશે તેનો નિર્ણય સુપરવાઈઝર તમામ ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ જ લેવામાં આવશે.

ટૂંક સમયમાં નક્કી થશે સીએમનું નામઃ
એવી ધારણા છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં સીએમના નામ પર મહોર મારી શકે છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે કહ્યું કે મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમારે રવિવારે કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર લિંગાયત સમુદાયના ધાર્મિક કેન્દ્ર તુમકુર સ્થિત સિદ્ધગંગા મઠની મુલાકાત લીધા બાદ આ નિવેદન આપ્યું હતું.

ડીકે શિવકુમારે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે મારા સિદ્ધારમૈયા સાથે કોઈ વાતને લઈને મતભેદ છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આવી બધી બાબતો ખોટી છે. સિદ્ધારમૈયા અને મારી વચ્ચે કોઈ મતભેદ નથી. મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે અને સિદ્ધારમૈયા જીની પડખે પણ ઉભો રહ્યો છું. મેં હંમેશા સિદ્ધારમૈયાનું સમર્થન કર્યું છે.

મુખ્યમંત્રીની પસંદગી પ્રક્રિયા શરૂ-
કર્ણાટકમાં પાર્ટીએ મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે પાર્ટી દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે. તેઓ ધારાસભ્યો સાથે વાત કરશે અને રિપોર્ટ આપશે. ત્યાર બાદ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આ સાથે તેમણે મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલા વિવાદને પણ નકારી કાઢ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રીને લઈને અટકળો ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news