મમતા અને ડોક્ટરોનો વિવાદ વધ્યોઃ સમગ્ર દેશના જુનિયર ડોક્ટર આજે હડતાળ પર

પશ્ચિમ બંગાળમાં આજે લગભગ 10 હજાર ડોક્ટર હડતાળ પર ઉતરવાના છે અને તેમના સમર્થનમાં મહારાષ્ટ્રના રેસિડન્ટ ડોક્ટર પણ સાંજે 5.00 કલાકે સાંકેતિક હડતાળ પર ઉતરવાના છે 
 

મમતા અને ડોક્ટરોનો વિવાદ વધ્યોઃ સમગ્ર દેશના જુનિયર ડોક્ટર આજે હડતાળ પર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ડોક્ટરો વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે દેશમાં આગળ વધ્યો છે. દિલ્હીના મોટાભાગના ખાનગી અને સરકારી ડોક્ટરોએ આજે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન કરી રહેલા પોતાના સાથીદારોના સમર્થનમાં હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સ પણ આજે હડતાળ પર ઉતરવાના છે. 

પશ્ચિમ બંગાળમાં આજે લગભગ 10 હજાર ડોક્ટર હડતાળ પર છે. મહારાષ્ટ્રના રેસિડન્ટ ડોક્ટર્સ પણ સાંજે 5.00 કલાકે સાંકેતિક હડતાળ પર રહેશે. આ ઉપરાંત દેશના મોટાભાગના શહેરોમાં પણ ડોક્ટરો પશ્ચિમ બંગાળના ડોક્ટરોના સમર્થનમાં હડતાળ પર ઉતરવાના છે. 

ડોક્ટરોની હડતાળની ગુંજ દિલ્હી સુધી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને ગુરૂવારે દર્દીઓ અને તેમના સગાઓને સંયમ રાખવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સમક્ષ તેઓ ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવશે. 

રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક ખાનગી અને સરકારી હોસ્પિટલોના ડોક્ટરોએ શુક્રવારે કામનો બહિષ્કારની જાહેરાત કરી છે. જેનાથી સેવાઓ પ્રભાવિત થવાની આશંકા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એઈમ્સના રેસિડન્ટ ડોક્ટરોએ પણ ગુરુવારે સાંકેતિક પ્રદર્શન કરીને પોતાના માથા પર કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું. 

પશ્ચિમ બંગાળમાં હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોએ બપોરે 2.00 કલાક સુધી કામ પર પાછા ફરવાનો મુખ્યમંત્રી મમતા બેનરજીનો આદેશ માન્યો ન હતો અને જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા સંબંધિત માગણી પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ હડતાળ પર રહેશે. મુખ્યમંત્રીએ પ્રદર્શનકારીઓને ધમકાવતા જણાવ્યું કે, વિરોધ પક્ષ ભાજપ અને માર્ક્સવાદી પાર્ટીએ તેમને ભડકાવ્યા છે અને સમગ્ર ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. 

ડોક્ટરોની હડતાળના કારણે પશ્ચિમ બંગાળમાં અનેક સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં ત્રીજા દિવસે પણ તાત્કાલિક સારવાર, ઓપીડી સેવાઓ, પેથોલોજિકલ એકમો બંધ રહ્યા હતા. સાથે જ ખાનગી હોસ્પિટલોએ પણ તેમના સમર્થનમાં તબીબી સેવાઓ બંધ રાખી હતી. ડોક્ટરો કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી ભીડ દ્વારા પોતાના સાથી કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરી રહ્યા છે. 

ભારતીય તબીબી સંઘ(IMA) એ ઘટનાના વિરુદ્ધ તથા હડતાળિયા ડોક્ટરો પ્રત્યે સમર્થન દેખાડવા માટે શુક્રવારે 'અખિલ ભારતીય વિરોધ દિવસ' જાહેર કર્યો છે. આ દરમિયાન એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સાયબલ મુખરજી તથા તબીબી અધીક્ષક અને નાયબ પ્રિન્સિપલ પ્રો. સૌરભ ચટ્ટોપાધ્યાયે સંસ્થાના સંકટનો ઉકેલ દૂર કરવામાં નિષ્ફળ રહવાના કારણે રાજીનામું આપી દીધું છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news