જેના પર ખુબ બબાલ થઈ રહી છે તે કલમ 35A, 370 વિશે જાણો, આ ખાસ અધિકારો મળે છે J&Kને
કલમ 35એ દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકારને ત્યાંની વિધાનસભામાં સ્થાયી નાગરિકોની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર મળેલો છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તેઓ આઝાદી સમયે અન્ય જગ્યાએથી આવેલા નાગરિકો અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની સગવડો આપે અથવા ન આપે.
Trending Photos
સુપ્રીમ કોર્ટમાં બહુ જલદી બંધારણની કલમ 35એ પર સુનાવણી હાથ ધરાનાર છે. જેને લઈને જમ્મુ અને કાશ્મીરમાં વાતાવરણ ખુબ તણાવભર્યું જોવા મળી રહ્યું છે. સુરક્ષાદળોનો મોટો કાફલો ખડકી દેવાયો છે. સમગ્ર શ્રીનગરમાં કલમ 144 લાગુ છે. અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ છે. ભાગલાવાદી નેતાઓ પર સકંજો કસાયો છે જેમણે રવિવારે બંધનું એલાન પણ આપેલું હતું.. કલમ 35એ એ કલમ 370ની પેટાકલમ છે.
કલમ 35એ હેઠળ જમ્મુ અને કાશ્મીરના રહીશોને ખાસ અધિકાર મળેલા છે. ભારતના તમામ રાજ્યોમાં લાગુ થતા કાયદા આ રાજ્યમાં લાગુ થતા નથી. દાખલા તરીકે 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ સદર એ રિયાસત અને મુખ્યમંત્રીની જગ્યાએ વડાપ્રધાન હતાં. ભાગલાવાદી નેતાઓ નથી ઈચ્છતા કે આ કલમ હટાવવામાં આવે. રાજ્યમાં તંગ સ્થિતિને ધ્યાનમાં લેતા 14 વર્ષ બાદ બીએસએફની તહેનાતી થઈ છે. આવો જાણીએ આખરે શું છે આ કલમ 35એ અને શાં માટે આટલી બબાલ મચી છે.
બંધારણમાં નથી ઉલ્લેખ
તમને જાણીને આશ્ચર્ય થશે કે બંધારણના પુસ્તકોમાં ક્યાંય જોવા ન મળનારી આ કલમ 35એ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાને એ અધિકાર આપે છે કે તે સ્થાયી નાગરિકની વ્યાખ્યા નક્કી કરી શકે. હકીકતમાં બંધારણની કલમ 35એને 14મી મે 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જગ્યા મળી હતી. બંધારણ સભાથી લઈને કોઈ પણ કાર્યવાહીમાં ક્યારેય કલમ 35એનો બંધારણનો ભાગ બનવાના સંદર્ભમાં કોઈ બંધારણ સંશોધન કે બિલ લાવવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. કલમ 35એને લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ 370 હેઠળ પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કર્યો હતો.
શું છે આ કલમ 35એ
કલમ 35એ દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકારને ત્યાંની વિધાનસભામાં સ્થાયી નાગરિકોની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર મળેલો છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તેઓ આઝાદી સમયે અન્ય જગ્યાએથી આવેલા નાગરિકો અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની સગવડો આપે અથવા ન આપે.
ક્યારે લાગુ થઈ હતી આ કલમ
14મી મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવી કલમ 35એ ઉમેરાઈ.
જમીન ખરીદી શકો નહીં
બહુ ઓછા લોકોને ખબર છે કે કલમ 35એ, કલમ 370નો જ ભાગ છે. આ કલમના કારણે કોઈ પણ અન્ય રાજ્યના નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં ન તો સંપત્તિ ખરીદી શકે છે અને ન તો ત્યાના સ્થાયી નાગરિક બનીને રહી શકે છે.
જમ્મુ અને કાશ્મીરનું બંધારણ
1656માં જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી નાગરિકની વ્યાખ્યા આપવામાં આવી છે. આ બંધારણ મુજબ જે વ્યક્તિ 14 મે 1954 સમયથી રાજ્યના નાગરિક રહ્યાં હોય અથવા તો તેની પહેલાના 10 વર્ષો સુધી રાજ્યમાં રહ્યાં હોય. આ સાથે જ તેમણે ત્યાં સંપત્તિ મેળવી હોય તે જમ્મુ અને કાશ્મીરના સ્થાયી નાગરિક કહેવાય.
છોકરીઓના અધિકાર
કલમ 35એ મુજબ જો જમ્મુ અને કાશ્મીરની કોઈ યુવતી રાજ્ય બહારના યુવક સાથે લગ્ન કરે તો તેના તમામ અધિકારો ખતમ થઈ જાય છે. આ સાથે જ તેના બાળકોના અધિકાર પણ સમાપ્ત થઈ જાય છે.
કેમ હટાવવાની માગણી ઉઠી
આ કલમ હટાવવામાં માટે એવી દલીલ કરવામાં આવી રહી છે કે તેને સંસદ દ્વારા લાગુ કરવામાં આવી નથી. બીજી દલીલ એવી છે કે દેશના વિભાજન સમયે મોટી સંખ્યામાં પાકિસ્તાનથી શરણાર્થીઓ ભારતમાં આવ્યાં. તેમાં લાખોની સંખ્યામાં શરણાર્થીઓ જમ્મુ કાશ્મીરમાં પણ રહે છે. રાજ્ય સરકારે કલમ 35એ દ્વારા આ તમામ ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરના સ્થાયી રહીશ પ્રમાણપત્રથી વંચિત કરી નાખ્યા છે. આ વંચિતોમાં 80 ટકા લોકો પછાત અને દલિત હિન્દુ સમુદાયના છે. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં વિવાહ કરીને વસનારી મહિલાઓ અને અન્ય ભારતીય નાગરિકો સાથે પણ જમ્મુ અને કાશ્મીર સરકાર કલમ 35ની આડમાં ભેદભાવ કરે છે.
લોકો પહોચ્યાં સુપ્રીમમાં
સુપ્રીમ કોર્ટમાં લોકોએ અરજી દાખલ કરી છે કે કલમ 35એના કારણે બંધારણે તેમને આપેલા મૂળભૂત અધિકારો જમ્મુ કાશ્મીર રાજ્યમાં છીનવાઈ ગયા છે. રાષ્ટ્રપતિનો આદેશ લાગુ કરીને આ કલમને તત્કાળ રદ કરવાની અરજીકર્તાઓએ માગણી કરી છે.
જાણો કલમ 370 વિશે
ભારતીય બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ સ્વાયત્તા અપાઈ છે. આઝાદી સમયે જમ્મુ અને કાશ્મીર રજવાડાના રાજા હરિ સિંહ જ્યારે રાજ્યનો વિલય ભારતમાં કરી રહ્યાં હતાં ત્યારે તે સમયે તેમણે ઈન્સ્ટ્રુમમેન્ટ ઓફ એન્ક્સેશન નામના દસ્તાવેજ પર સહી કરી હતી. કલમ 370 તેના હેઠળ જ આવે છે. તેની જોગવાઈઓ શેખ અબ્દુલ્લાએ તૈયાર કરી હતી. તે સમયે હરિ સિંહ અને તત્કાલિન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શેખ અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન બનાવ્યાં હતાં. કલમ 370ને અસ્થાયી રીતે ભારતીય બંધારણમાં સામેલ કરાઈ.
શું છે ખાસ વાત
રાજ્યને ખાસ દરજ્જો આપવાનો હેતુ એ હતો કે કાશ્મીરીઓની અલગ ઓળખ જાળવી શકાય. જે હેઠળ ફક્ત રક્ષા, વિદેશ નીતિ, ફાઈનાન્સ અને સંચાર જેવા મામલાઓમાં જ ભારત સરકાર હસ્તક્ષેપ કરી શકે. રાજ્યની નાગરિકતા, પ્રોપર્ટીની ઓનરશિપ અને અન્ય તમામ મૌલિક અધિકારો રાજ્યના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. આ મામલાઓમાં કોઈ પણ કાયદો બનાવતા પહેલા ભારતીય સંસદે રાજ્યની મંજૂરી લેવી જરૂરી છે. અલગ પ્રોપર્ટી ઓનરશીપ હોવાના કારણે કોઈ પણ અન્ય રાજ્યના ભારતીય નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં જમીન કે પ્રોપર્ટી ખરીદી શકે નહીં.
કેન્દ્ર સરકારના સીમિત અધિકાર
દેશમાં ભલે નાગરિકતાના એકસમાન નિયમ છે પરંતુ કલમ 370ના કારણે જમ્મુ અને કાશ્મીર મામલે બેવડી નાગરિકતા કામ કરે છે. એક દેશની નાગરિકતા અને એક રાજ્યની નાગરિકતા. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો આમ તો ભારતના નાગરિકો ગણાય છે પરંતુ ભારતના અન્ય નાગરિકો જમ્મુ અને કાશ્મીરના નાગરિક ગણાતા નથી. કલમ 370ના કારણે તેમનો અલગ ઝંડો અને પ્રતિક ચિન્હ પણ છે. આ ઉપરાંત કલમ 352 હેઠળ જે નેશનલ ઈમરજન્સી અને કલમ 360 હેઠળ ફાઈનાન્સ ઈમરજન્સીની વાતો બંધારણમાં કહેવાઈ છે તેને પણ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરી શકાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે