ISનું પકડાયેલું આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાનું હતું, VVIP હતા નિશાન પર : NIA
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના આઈજી આલોક મિત્તલે જણાવ્યું કે, બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે 10 સ્થળોએ દરોડા પાડીને ISનું આતંકી મોડ્યુલ ઝડપી પાડવામાં આવ્યું છે અને 10 શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના આઈજી આલોક મિત્તલે જણાવ્યું કે, બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે 10 સ્થળોએ દરોડા પાડીને ISનું આતંકી મોડ્યુલ ઝડપી પાડવામાં આવ્યું છે અને 10 શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ISનું પકડાયેલું આ આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતું અને VVIP તેમના નિશાન પર હતા.
પત્રકારોને સંબોધતાં NIAના આઈજી આલોક મિત્તલે જણાવ્યું કે, "જે પ્રકારની તેમની તૈયારીઓ હતી તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ નજીકના ભવિષ્યમાં રિમોટ કન્ટ્રોલ વડે વિસ્ફોટો કરવાના હતા અને સાથે જ આત્મઘાતી હુમલાની પણ યોજના હતી. આ ISISથી પ્રેરિત એક મોડ્યુલ છે અને તેઓ વિદેશી એજન્ટના સંપર્કમાં પણ હતા. જોકે, હજુ સુધી તેમની ઓળખ કરવાની બાકી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "રાજકીય નેતાઓ, અન્ય જાણીતી હસ્તીઓ અને સુરક્ષાના મુખ્ય અને ગંભીર કેન્દ્રો તેમના નિશાન પર હતા."
NIA દ્વારા આજે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વધુ વિગતો આપતા આઈજીએ જણાવ્યું કે, "અમે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં 17 ઠેકાણા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમને વિગતો મળી હતી કે ISISનું 'હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામ' નામના આ મોડ્યુલે દેશમાં શ્રેણીબદ્ધ બોમ્બધડાકા કરવાની તૈયારીઓ કરી લીધી હતી."
આલોક મિત્તલે જણાવ્યું કે, "દિલ્હીના સિલામપુર અને ઉત્તરપ્રદેશના અમરોહા, હાપુર, મેરુત અને લખનઉમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી, હથિયારો અને ઘાતક હથિયારો કે જેમાં દેશ બનાવટનું રોકેટ લોન્ચર પણ પકડવામાં આવ્યું છે."
IG NIA: The gang leader of the module is called Mufti Sohail who stays in Delhi and is a native of Amroha in UP where he works at a mosque. pic.twitter.com/bQ9o1NDqYL
— ANI (@ANI) December 26, 2018
રાજધાની દિલ્હીમાં પત્રકારોને સંબોધતા NIAના આઈજીએ જણાવ્યું કે, "એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 16 લોકોને અટકમાં લેવાયા છે અને આ અગાઉ આ સંદર્ભમાં 10 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. અત્યારે વધુ વિગતો માટે તેમની પુછપરછ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્કોડની મદદથી રાજ્યના આમરોહા જિલ્લામાંથી 5 લોકોને અટકમાં લેવાયા છે, જ્યારે અન્ય પાંચની દિલ્હીમાંથી ધરપકડ કરાઈ છે."
આતંકીઓ પાસેથી મળેલી સામગ્રીની વિગતો આપતા આઈજીએ જણાવ્યું કે, "તેમની પાસેથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ ઉપરાંત રૂ.7.50 લાખની રકમ, 100 મોબાઈલ ફોન, 135 સિમ કાર્ડ, લેપટોપ્સ અને મેમેરી કાર્ડ પણ મળી આવ્યા છે. 16 શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ બાદ અમે અત્યારે 10 આરોપીઓની ધરપકડ કરી છે."
તેમણે જણાવ્યું કે, "ઈસ્લામિક સ્ટેટનું આતંકી મોડ્યુલ 'હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામ' ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હીમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ આતંકી મોડ્યુલને લીડ કરનારા વ્યક્તિની મુફ્તિ સોહેલ તરીકે ઓળખ થઈ છે, જે અમરોહાનો છે. તેની પાસેથી એક પિસ્ટલ, વિસ્ફોટક સામગ્રી અને કેટલીક રોકડ રકમ હાથ લાગી છે. આ વ્યક્તિ ઉત્તરપ્રદેશના અમરોહાનો મૂળ નિવસી છે અને દિલ્હમાં એક મસ્જિદમાં કામ કરતો હતો"
તેની પાસેથી મળેલી પ્રાથમિક માહિતીના આધારે જ સિમ્ભોલી, લખનઉ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યારે તેમની પુછપરછ કરવામાં આવી રહી છે અને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેઓ તેમના આકાઓ સાથે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ વડે સંપર્કમાં હતા. તેમની શંકાસ્પદ ગતિવિધી અંગે માહિતી મળ્યા બાદ NIA છેલ્લા ઘણા સમયથી તેમના પર નજર રાખીને બેઠી હતી. આ લોકો સ્થાનિક બજારમાં સોનાના ઘરેણા વેચીને પોતાનું ફંડ એકઠું કરતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે