કોંગ્રેસ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે: સુધીર ચૌધરી

કોંગ્રેસે પોતાના નેતા પાસે સવાલનો જવાબ માંગવાની જગ્યાએ કોંગ્રેસ આ ગંભીર મુદ્દાને અવગણીને ઉલટું ઝી ન્યૂઝ પર 'ફેક વીડિયો' ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં વીડિયોની ખરાઇ મામલે ફેક્ટ રજૂ કરતાં કોંગ્રેસની બોલતી બંધ થઇ હતી

કોંગ્રેસ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે: સુધીર ચૌધરી

રાજસ્થાન ચૂંટણીના પ્રચાર દરમિયાન નવજોત સિંઘ સિદ્ધુ દ્વારા અલવરમાં સંબોધવામાં આવેલી એક રેલીમાં કેટલાક લોકો પાકિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. ઝી ન્યૂઝ દ્વારા આ વીડિયોને વારંવાર ચલાવીને લોકોના ધ્યાનમાં લાવવામાં આવતા કોંગ્રેસની સ્થિતિ હાલ કફોડી બની ગઈ છે. જો કે પોતાના નેતા પાસે સવાલનો જવાબ માંગવાની જગ્યાએ કોંગ્રેસ આ ગંભીર મુદ્દાને અવગણીને ઉલટું વીડિયોની પ્રમાણિકતા પર સવાલ ઉઠાવતા ઝી ન્યૂઝ પર 'ફેક વીડિયો' ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં વીડિયોની ખરાઇ મામલે ફેક્ટ રજૂ કરતાં કોંગ્રેસની બોલતી બંધ થઇ હતી. અમારા સહયોગી અખબાર DNAએ આ સમગ્ર મામલે ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાત કરી જેના અંશો અહીં પ્રસ્તુત છે.

સવાલ- કોંગ્રેસ કહે છે કે ઝી ન્યૂઝે ફેક વીડિયો બતાવ્યો, 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના કોઈ નારા લાગ્યા નહતાં. શું આ આરોપ સાચો છે?
જવાબ- વીડિયો ફેક હોવાના આરોપને હું સમૂળગો વખોડું છું. આ વીડિયો 100 ટકા ઓથેન્ટિક છે. આ સાચું સાબિત કરવા માટે અમારી પાસે બીજી એટલિસ્ટ સાત ફીડ છે જે તે સમયે લાઈવ રેકોર્ડ થયું હતું. દરેક ફીડમાં તે સમયે જે નારા લાગ્યા હતાં તે જ રેકોર્ડ થયા છે. આ હવે એક ફેશન બની ગઈ છે કે જો કોંગ્રેસનો કોઈ નેતા રંગે હાથે પકડાય તો પાર્ટી વીડિયોને ફેક ગણાવીને તેમના સમર્થનમાં આવી જાય છે. આ બીજુ કઈ નહીં પરંતુ કોંગ્રેસની પરિસ્થિતિમાંથી બહાર આવવાની એક રીત છે. ઝી ન્યૂઝ વીડિયોની ખરાઈ અંગે એકદમ મક્કમ છે. 

સવાલ: સિદ્ધુએ ધમકી આપી છે અને દાવો કર્યો છે કે 'નાની યાદ અપાવી દઈશું' તમે તે અંગે શું કહેશો?
જવાબ: નવજોત સિંહ સિદ્ધુએ જે ભાષાપ્રયોગ કર્યો છે તેનો હું કડકાઈથી વિરોધ કરું છું. કોંગ્રેસ હંમેશા એવા દાવા કરે છે કે પાર્ટી સ્વતંત્રતાની અભિવ્યક્તિ અને લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. દેશની તે સૌથી જૂની પાર્ટી છે પરંતુ જ્યારે તેમનો કોઈ દિગ્ગજ નેતા આવી વાંધાજનક ભાષાનો ઉપયોગ કરે તો આ એક સ્પષ્ટરીતે મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે. જે કોંગ્રેસ અને તેમના નેતાઓનું ઘમંડ દર્શાવે છે અને આ તેમની પરાકાષ્ઠા છે. 

સવાલ: એડિટર્સ ગિલ્ટ ઓફ ઈન્ડિયાએ પણ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. હવે આ મામલે આગળ શું?
જવાબ: ઝી ન્યૂઝ હંમેશા દેશની લોકતાંત્રિક સિસ્ટમ પર વિશ્વાસ ધરાવે છે. અમને લિગલ સિસ્ટમમાં વિશ્વાસ છે અને ન્યાય માટે ન્યાયની મર્યાદાની અંદર રહીને પગલાં લઈશું. અમે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિએશન્સ અને એડિટર્સ ગિલ્ટ ઓફ ઈન્ડિયાને લેખિતમાં ફરિયાદ મોકલી છે. અમે દેશના ચૂંટણી પંચને પણ ફરિયાદ મોકલી છે. જો જરૂર પડશે તો અમે કોર્ટમાં પણ જઈશું. આથી અમે કોંગ્રેસે જે પેંતરો ઘડ્યો છે તેની સામે અમારો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે પરંતુ લોકતાંત્રિક ઢબે. આ ખરેખર દુ:ખદ છે કે એડિટર્સ ગિલ્ટે આ બાબત ધ્યાનમાં લીધી નથી. પરંતુ મને આશા છે કે મીડિયાનો એક બહોળો વર્ગ અમારા કેમ્પેઈનને સપોર્ટ કરશે. હું એ પણ માનું છું કે આ માત્ર અમારી લડાઈ નથી, તેને આખા મીડિયા જગતની લડાઈ તરીકે જોવી જોઈએ. 

સવાલ: શું આ બધુ સિદ્ધુ પોતાની રીતે કરે છે કે પછી તેમને પાર્ટીનું કોઈ પીઠબળ છે?
જવાબ: કોંગ્રેસ જેવી મોટી પાર્ટી હોય, ત્યારે સિદ્ધુ જેવો નેતા કશું એકલેહાથે ન કરી શકે. તમે જોયું હશે કે તેઓ જ્યારે પાકિસ્તાન ગયા હતાં, ત્યારે તેમના પોતાના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પણ નહતાં ઈચ્છતા કે તેઓ ત્યાં જાય. જ્યારે પાકિસ્તાનથી તેઓ પાછા ફર્યા, સિદ્ધુએ સ્પષ્ટતા કરવાની શરૂ કરી દીધી કે તેમના કેપ્ટન અમરિન્દર નથી પરંતુ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધી જો કે સહમત ન થયા, પરંતુ આ બધા પાછળ કોંગ્રેસના ટોચના નેતૃત્વની મંજૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news