ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી-1999: વાજપેયી ત્રીજી વખત બન્યા વડાપ્રધાન
કારગીલ યુદ્ધ સમાપ્ત થયાના થોડા દિવસ પછી જ દેશમાં લોકસભા ચૂંટણી આવી હતી, આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળું NDA ગઠબંધન વધુ મજબૂત બનીને બહાર આવ્યું, જ્યારે કોંગ્રેસને સોનિયા ગાંધીના વિદેશી મૂળના આરોપોના કારણે વધુ ફાયદો થઈ શક્યો નહીં અને પાર્ટીને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ 1998માં ચૂંટાયા બાદ માત્ર 13 મહિના સત્તાસૂત્રો સંભાળ્યા પછી અટલ બિહારી વાજપેયીને તેમના ગઠબંધનમાં રહેલા AIADMK દ્વારા ટેકો પાછો ખેંચી લેવાતાં ફરીથી બહુમત સાબિત કરવાની સ્થિતી પેદા થઈ હતી. લોકસભામાં બહુમત માટેના મતદાનમાં વાજપેયી સરકારને ગૃહમાં બહુમતિ માટે જરૂરી 270માંથી 269 વોટ મળ્યા અને માત્ર 1 વોટ માટે સરકાર પડી ગઈ. એ સમયે સોનિયા ગાંધીના નેતૃત્વમાં રહેલું ગઠબંધન સરકાર રચવા માટે જરૂરી બહુમતિ પ્રાપ્ત કરી શકે એમ ન હતું એટલે રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે સંસદ ભંગ કરી દીધી અને દેશમાં નવી ચૂંટણીની જાહેરાત કરી. અટલ બિહારી વાજપેયીને કામચલાઉ વડાપ્રધાન પદે રહેવા દેવામાં આવ્યા.
કારગીલ યુદ્ધ પછીની ચૂંટણી
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયેલી શસસ્ત્ર અથડામણ પછી બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. 1974ના યુદ્ધ પછી બંને દેશ વચ્ચે આ પ્રથમ મોટું યુદ્ધ હતું. લગભગ બે મહિના અને 3 અઠવાડિયા સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતે 'ઓપરેશન વિજય' સાથે વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં ભારતના જવાનો અને નાગરિકો મળીને કુલ 500થી વધુનાં મોત થયા હતા.
ચૂંટણી લડનારા મુખ્ય પક્ષો અને ગઠબંધન
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)
- ભારતીય જનતા પાર્ટી
- જનતા દલ(યુ)
- શિવ સેના
- દ્રવિડ મુનેન્દ્ર કઝગમ
- બીજુ જનતા દલ
- નેશનાલિસ્ટ તૃણમુલ કોંગ્રેસ
- પટ્ટાલી મક્કલ કાચી
- ઈન્ડિયન નેશનલ લોક દલ
- મુરુમાલરચી દ્રવિડ મુનેત્ર કઝગમ
- જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરનસ
- શિરોમણી અકાલી દલ
- રાષ્ટ્રીય લોક દલ
- લોક શક્તી
- આસામ ગણ પરિષદ
- તેલુગુ દેશમ પાર્ટી
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1998, વાજપેયી બન્યા 13 મહિનાના વડાપ્રધાન
કોંગ્રેસ અને સાથી પક્ષો
- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
- ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેદ્ર કઝગમ
- રાષ્ટ્રીય જનતા દલ
- યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ
- મુસલીમ લીગ કેરલા સ્ટેટ કમિટી
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1996ની ચૂંટણી પછી બદલાયા ત્રણ વડાપ્રધાન
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
સમાજવાદી પાર્ટી
બહુજન સમાજ પાર્ટી
અન્ય પક્ષો
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, રિવોલ્યશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડિયા ફોરવોર્ડ બ્લેક, જનતા દલ(એસ), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા લિબરેશન, ભારીપા બહુજન મહાસંઘ, ઓલ ઈન્ડિયા મજલીસે ઈત્તેહાદુલ મુસલેમિન, શિરોમની અકાલીદ દલ(એસ), સમાજવાદી જનતા પાર્ટી, પીઝન્ટ્સ એન્ડ વર્ક્સ પાર્ટી ઓફ ઈન્ડિયા, હિમાચલ વિકાસ કોંગ્રેસ, મણીપુર સ્ટેટ કોંગ્રેસ પાર્ટી, સિક્કિમ ડેમોક્રેટીક ફ્રન્ટ
ચૂંટણીના મુખ્ય મુદ્દા
- સોનિયાના વિદેશી મુળનો મુદ્દો કોંગ્રેસના જ નેતા શરદ પવાર દ્વારા ઉઠાવાયો હતો. વિરોધ પક્ષોએ પણ ચૂંટણીમાં 'વિદેશી' ગાંધીની સામે 'સ્વદેશી' વાજપેયી તરીકે અભિયાન ચલાવ્યું હતું.
- ભાજપ દ્વારા કારગીય યુદ્ધ દરમિયાન વાજપેયીએ ભજવેલી ભૂમિકાનો પણ ભરપૂર પ્રચાર કરાયો હતો.
- આર્થિક ઉદારીકરણ અને સુધારાના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત થયું હતું. ફુગાવો ઓછો થયો હતો અને ઔદ્યોગિક વિકાસ દર ઊંચો ગયો હતો. ભાજપે આ તમામ મુદ્દાઓને પોતાની સફળતા ગણાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
- 1991, 1996 અને 1998ની ચૂંટણીમાં ભાજપને મળી રહેલું સમર્થન વધતું ગયું હતું.
- આ ઉપરાંત અન્ય સ્થાનિક મુદ્દાઓ પણ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બન્યા હતા.
- ભાજપે રાજ્યના સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરીને અનેક રાજ્યોમાં પોતાની હાજરી વધારી દીધી હતી.
- તેની સામે કોંગ્રેસ પક્ષ આંતરિક વિખવાદને કારણે નબળો પડતો ગયો હતો.
5 તબક્કામાં યોજાઈ ચૂંટણી
1999ની લોકસભા ચૂંટણી 5 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન 5 તબક્કામાં યોજાઈ હતી. પૂર્વ કિનારા રાજ્યોની 146 સીટ પર 5 સપ્ટેમ્બરના રોજ, મધ્ય અને દક્ષિણની 123 સીટ પર 11 સપ્ટેમ્બરના રોજ, ઉત્તર અને ઉત્તર-મધ્યની 76 સીટ પર 18 સપ્ટેમ્બરના રોજ, ઉત્તર-પશ્ચિમ રાજ્યોની 74 સીટ પર 25 સપ્ટેમ્બરના રોજ અને પશ્ચિમના રાજ્યોની 121 સીટ પર 3 ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું હતું. દેશભરમાં 8 લાખ મતદાન મથક ઊભા કરાયા હતા અને 6 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાઈ હતી.
ચૂંટણી પરિણામ
1999ની ચૂંટણીનું પરિણામ ભાજપની તરફેણમાં જ આવ્યું અને NDA ગઠબંધને 298 બેઠકો પર વિજય મેળવ્યો. જેમાં ભાજપની 182 સીટ હતી. કોંગ્રેસનું ગઠબંધન 136 સીટ જીતવામાં સફળ રહ્યું, જેમાં કોંગ્રેસે 114 સીટ પર વિજય મેળવ્યો હતો. તેના સાથી પક્ષો વધુ સીટ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ડાબેરીઓએ 43 સીટ પર વિજય મેળવ્યો હતો અને અન્ય રાજ્યના પક્ષો તથા અપક્ષોએ કુલ 67 સીટ જીતી હતી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની ભારતમાં પડતીની શરૂઆત થઈ અને તેણે માત્ર 4 સીટ પર વિજય મેળવ્યો. આ સાથે જ તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ ગુમાવવો પડ્યો હતો.
ભાજપે 339 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા અને 182 સીટ પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસે 453 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા અને તેના માત્ર 114 ઉમેદવાર જ ચૂંટણી જીતી શક્યા હતા. કુલ 4648 ઉમેદવારોએ આ ચૂંટણી લડી હતી.
કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન
આઝાદી પછીને છેલ્લા 50 વર્ષમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું. સોનિયા ગાંધીએ આ પરાજયનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે, આગામી દિવસોમાં પાર્ટી ફરી મજબૂત થઈને બહાર આવશે.
દેશમાં ચોથી વખત ગઠબંધન સરકાર
ભારતમાં અગાઉ ગઠબંધન સરકારના પ્રયોગો સફળ રહ્યા ન હતા. કોંગ્રેસના વિરોધમાં અગાઉ બનેલા ગઠબંધન 1997, 1989 અને 1996માં નિષ્ફળ રહ્યા હતા. તેઓ એક કે બે વર્ષ કરતાં વધુ સમય સુધી સત્તા ટકાવી શક્યા નહીં અને દેશમાં ફરીથી ચૂંટણી આવી હતી. આ પ્રથમ વખત ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDAને પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો હતો. ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ વિજય અંગે જણાવ્યું હતું કે, "મને આ શા છે કે આ સરકાર સ્થિર રહેશે અને પાંચ વર્ષ પૂરા કરશે. વાજપેયીજી તેમના અનુભવના આધારે સાથી પક્ષોને સારી રીતે સાચવી લેશે."
ભારતને મળી સ્થિર સરકાર
1999ની ચૂંટણીએ ભારત દેશને પણ એક સ્થિર સરકાર આપી હતી. કેમ કે, 1996 પછી દેશમાં એક પણ સ્થિર સરકાર બની શકી ન હતી. 1996ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો અને વાજપેયીને સરકાર રચવા આમંત્રણ મળ્યું. વાજપેયીએ વડાપ્રધાન પદે શપથ લીધા, પરંતુ 13 દિવસ પછી તેઓ બહુમત સાબિત કરવાની સ્થિતિમાં ન રહેતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી યુનાઈટેડ ફ્રન્ટે કોંગ્રેસના ટેકામાં સરકાર બનાવી. અનેક પક્ષોનો મેળાવડો હોવાને કારણે પહેલા દેવેગૌડા વડાપ્રધાન બન્યા, પછી આઈ.કે. ગુજરાત અને ત્યાર પછી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા. જોકે, બે વર્ષમાં જ આ ગઠબંધન પડી ભાંગ્યું અને 1998માં ફરી ચૂંટણી આવી. 1998માં ભાજપને બહુમતી મળી અને તેણે ફરી ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું. આ ગઠબંધન પણ લાંબુ ચાલ્યું નહીં અને 13 મહિનામાં જ અટલ બિહારી વાયપેયીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. 1999ની ચૂંટણીમાં ભાજપના NDA ગઠબંધનને પૂર્ણ બહુમત મળતાં દેશને એક સ્થિર સરકાર મળવાની સંભાવના પ્રબળ બની ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે