આ વખતે ભાજપ માટે ગુજરાત અને હિમાચલની ચૂંટણી કેમ છે પ્રતિષ્ઠાનો સવાલ? જાણો શું કહે છે સર્વેના આંકડા

આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પ્રદેશના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  હિમાચલ પ્રદેશથી છે તો પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાંથી આવે છે. હિમાચલમાં જ્યાં બીજેપી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં મળેલી જીતનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે. તો ગુજરાતમાં નબળી થઈ રહેલી પાર્ટીને જીત અપાવીને વધારે મજબૂત કરવા માગે છે. પરંતુ શું આ બધું આટલું સરળ રહેશે?

આ વખતે ભાજપ માટે ગુજરાત અને હિમાચલની ચૂંટણી કેમ છે પ્રતિષ્ઠાનો સવાલ? જાણો શું કહે છે સર્વેના આંકડા

જયેશ જોશી, અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલે 42 વર્ષની થઈ ગઈ. આ વર્ષોમાં તેણે અર્શથી ફર્શ સુધીની સફર કાપી છે. હાલમાં જ પૂરી થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 4માં જીત મેળવીને બીજેપીએ ફરી એકવાર વિરોધીઓને ચિત કરી દીધા. હવે તેની નજર ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર છે. આ વર્ષના અંતમાં બંને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યમાં હાલમાં સરકાર ભાજપની છે. પરંતુ આ વખતની રાહ એટલી સરળ નથી. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે. પરંતુ કેમ?. આવો સમજીએ.

હિમાચલની લડાઈમાં કોણ:
બીજેપી હિમાચલ પ્રદેશમાં કોઈપણ સંજોગોમાં જીત મેળવવા માગશે. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના ખાતામાં 68માંથી 44 બેઠક આવી હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ રાજ્યમાંથી આવે છે. બીજી બાજુ પંજાબમાં પ્રચંડ જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી છેકે તે હિમાચલ અને ગુજરાતમાં પોતાનો દાવો રજૂ કરશે. પાર્ટી કહી ચૂકી છેકે બંને રાજ્યની બધી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારીને દાવેદારી રજૂ કરશે. આપનો દાવો છે કે પંજાબમાં જીત પછી હિમાચલ પ્રદેશના દોઢ લાખથી ત્રણ લાખ લોકો તેમની પાર્ટીની સભ્યતા લઈ ચૂક્યા છે. જ્યારે સભ્યતાની આટલી કોપીઓ ફીલ્ડમાં છે. પૂર્વ ડીજીપી આઈડી ભંડારીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આઈપીએસ જગતરામ આપમાં છે. બંનેની ઈમાનદાર અધિકારીની છબિ રહી છે. એવામાં આ વખતની લડાઈ દિલચશ્પ રહેવાની આશા છે.

હિમાચલનો શું છે રાજકીય ઈતિહાસ:
બીજીબાજુ ચાર રાજ્યોમાં ભવ્ય જીત પછી બીજેપી ઉત્સાહિત છે. હિમાચલ સાથે જોડાયેલા ઉત્તરાખંડમાં પણ સરકાર રિપીટ થઈ છે. પરંતુ હિમાચલમાં છેલ્લાં ચાર દાયકાથી કોઈપણ પાર્ટી સતત બીજીવાર સત્તામાં આવી નથી. રાજ્યમાં 1980 પછી સત્તાની ચાવી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપના હાથમાં રહી છે. 1980માં ઠાકુર રામલાલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની હતી. 1982માં તેમને આંધ્ર પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા અને વીરભદ્ર સિંહે સીએમ પદની જવાબદારી સંભાળી. 1985માં વીરભદ્ર ફરી સત્તામાં આવ્યા. તેના પછી કોઈપણ પાર્ટી બીજીવાર સતત સત્તામાં આવી નથી. દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં જીત પછી બીજેપીને વિશ્વાસ છે કે હિમાચલની માન્યતા પણ તૂટશે. ઉત્તર પ્રદેશમાં પણ 37 વર્ષ પછી બીજીવાર પાર્ટી સત્તામાં આવી છે. તો ઉત્તરાખંડમાં પણ પહેલીવાર સરકાર રિપીટ  થઈ છે.

કોંગ્રેસનું શું થશે:
પાંચ રાજ્યોમાં મળેલા કારમા પરાજયથી કોંગ્રેસ એલર્ટ મોડ પર છે. હિમાચલ પ્રદેશમાં તેને 2017માં 21 બેઠક મળી હતી. સોનિયા ગાંધી પાર્ટીના બીજા નેતાઓ સાથે રાજધાની દિલ્લીમાં સતત બેઠક કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌથી મોટો ખતરો આપનો ઉદય છે. ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપી દીધો છે. કોંગ્રેસ નેતા વિનોદ કુમાર આપમાં જોડાઈ ગયા છે.

જૂથબાજીથી પરેશાન બીજેપી:
હિમાચલમાં બીજેપી જૂથવાદથી પરેશાન છે. એકબાજુ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલનું જૂથ સક્રિય છે. તો બીજી બાજુ જેપી નડ્ડાનું જૂથ પણ સક્રિય છે. આ જૂથવાદનું પરિણામ ભાજપ પેટાચૂંટણીમાં પણ ભોગવી ચૂકી છે. જુબ્બલ કોટખાઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પોતાની જમાનત પણ બચાવી શક્યા ન હતા. તેમને માત્ર 2644 મત મળ્યા હતા.

જાતિગત સમીકરણ શું કહે છે:
હિમાચલમાં અત્યાર સુધી કુલ 6 મુખ્યમંત્રી થયા છે. તેમાં શાંતાકુમાર બ્રાહ્મણ હતા અને બીજા 5 મુખ્યમંત્રી યશવંત સિંહ પરમાર,ઠાકુર રામ લાલ, વીરભદ્ર સિંહ, પ્રેમ કુમાર ધૂમલ અને હવે જયરામ ઠાકુર બધા ક્ષત્રિય છે. ઠાકુર સમાજની વસ્તી રાજ્યમાં 35 ટકા છે. બીજીબાજુ 25 ટકા દલિત અને લગભગ 18 ટકા બ્રાહ્મણ છે. ઓબીસી સમુદાયની ભાગીદારી 14 ટકાની આસપાસ છે. બિન-ઠાકુર ચહેરાને આગળ કરીને આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. રાજ્યની 68 બેઠકમાંથી 17 બેઠક સુરક્ષિત છે. કિન્નૌર, લાહૌલ-સ્પીતિ અને ભરમૌરની બેઠક અનુસૂચિત જનજાતિ માટે સુરક્ષિત છે.

2017નો સર્વે શું કહે છે:
અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સવર્ણ જાતિના 56 ટકા લોકોએ બીજેપીનો સાથ આપ્યો. જ્યારે 35 ટકા લોકો કોંગ્રેસની સાથે ગયા હતા. 10 ટકા બીજા પક્ષની સાથે હતા. જ્યારે રાજપૂત 36 ટકા કોંગ્રેસ અને 10 ટકા અન્ય પક્ષોને પોતાનો મત આપ્યો હતો. ઓબીસી મતદારોમાં પણ બીજેપીની સારી પકડ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ઓબીસીના 48 ટકા મત બીજેપીના ખાતામાં ગયા હતા. દલિત મતની બાબતમાં કોંગ્રેસ અને બીજેપી બરોબરી પર હતા. જ્યારે મુસ્લિમની પહેલી પસંદ કોંગ્રેસ હતી. જેમના 67 ટકા વોટ કોંગ્રેસના પક્ષમાં ગયા હતા.

ગુજરાતમાં જંગી જીત શાહ માટે શાખનો સવાલ:
પાંચ રાજ્યોમાં મળેલી જીત પછી એકબાજુ પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણીના મૂડમાં હતા. તો બીજા જ દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે અને અમદાવાદમાં રોડ શો કરે છે. ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેને ગૃહનગર છે. એવામાં ગુજરાતમાં જીત કે હારને બંને નેતાઓ સાથે જોડીને જોવામાં આવશે. બીજેપી 1995થી ગુજરાતની સત્તામાં છે. કેશુભાઈ પટેલના રાજીનામા પછી ઓક્ટોબર 2001માં મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. મે 2014માં પ્રધાનમંત્રી બનવા સુધી તે 12 વર્ષથી વધારે સમય ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ત્યારથી કહેવામાં આવ્યું કે હવે અહીંયાથી બીજેપીને હલાવી શકાશે નહીં. પરંતુ પીએમ મોદીના દિલ્લીગમન પછી બીજેપી રાજ્યમાં નબળી બનતી ગઈ. તેના સંકેત 2017ની ચૂંટણી પહેલાં જ મળ્યા હતા. મોદના પ્રધાનમંત્રી બન્યા પછી આનંદીબેન પટેલને પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે મોદીના વિશ્વાસુ નેતામાંથી એક હતા. પરંતુ પાટીદાર આંદોલનના કારણે તેમની સ્થિતિ વધારે નબળી બનતી ગઈ.

2017માં કોંગ્રેસ જીતતાં-જીતતાં રહી ગઈ:
2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આનંદીબેન પટેલે જૂન 2016માં રાજીનામું આપી દીધું. પરંતુ સ્વીકાર કરવામાં આવ્યો નહીં. રાજ્યમાં તે જ વર્ષે ઉનામાં દલિતો સામે હિંસા થઈ. તેના પછી ઓગસ્ટમાં તેમણે ફરીથી રાજીનામું આપ્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારબાદ પાર્ટીની કમાન વિજય રૂપાણીને સોંપવામાં આવી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન પહેલાની સરખામણીએ નબળું રહ્યું. તેની પહેલાં પાંચ વખત થયેલી ચૂંટણી - 1995, 1998, 2002, 2007 અને 2012માં પ્રદેશની કુલ 182 સીટોમાંથી બીજેપી 115થી 127ની વચ્ચે હતી. પરંતુ 2017માં તે 99 સીટો પર અટકી ગઈ. તેની પહેલાં 1990માં બીજેપીએ પ્રદેશમાં 100થી ઓછી સીટો જીતી હતી. 2017માં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું અને તેણે 77 સીટો જીતી. બીજેપીને જ્યાં લગભગ 49 ટકા મત મળ્યા તો કોંગ્રેસને લગભગ 41 ટકા મત મળ્યા.

કોંગ્રેસનું કામ બગાડશે આપ:
કોંગ્રેસ રાજ્યમાં 27 વર્ષથી સત્તાવિહોણી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ મજબૂત છે. પરંતુ આમ આદમી પાર્ટી આવ્યા પછી લડાઈ દિલચશ્પ બની ગઈ છે. પંજાબમાં જીત પછી આપની નજર ગુજરાત પર છે. પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદમાં જંગી રોડ શો કરી ચૂક્યા છે. તો પંજાબમાં જીતના સૂત્રધાર રહેલા સંદીપ પાઠકને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી છે.

આમ આદમી પાર્ટી શું કરી રહી છે:
ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લેવાની તૈયારીમાં છે. તેમનો પ્રયાસ છે કે તે ગુજરાતની ચૂંટણીમાં ઓછામાં ઓછી એટલી સીટો જીતવા માગે છે કે જેથી મુખ્ય વિપક્ષનો દરજ્જો મળી જાય. તેના માટે તેણે કોંગ્રેસથી વધારે સીટો લાવવી પડશે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના પટેલ સમુદાય, ખેડૂત સમુદાય, નારાજ વેપારી વર્ગ અને યૂપી-બિહારથી ગુજરાત ગયેલા પ્રવાસીઓનો સંપર્ક કરી રહી છે. પાર્ટીને આશા છે કે આ વર્ગ તેમના માટે મદદગાર સાબિત થઈ શકે છે.

કોંગ્રેસની નૈયા કેવી રીતે પાર થશે:
બીજીબાજુ કોંગ્રેસ રણનીતિકાર પ્રશાંત કિશોરના સહારે ગુજરાતમાં વાપસી કરવાની કવાયતમાં છે. જૂથવાદથી કંટાળેલી પાર્ટી પોતાને ફરી મજબૂત કરવા માગે છે. કોંગ્રેસ પાર્ટી 27 વર્ષથી સત્તાની બહાર છે. 1995માં પાર્ટીનો ગુજરાતમાં કારમો પરાજય થયો હતો. જેના પછી કોંગ્રેસ ક્યારેય સરકાર બનાવી શકી નથી. છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. પરંતુ ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ ગઈ હતી. જોકે હવે પાર્ટી રાજ્યમાં મોટા ફેરફારના સંકેત આપી રહી છે. કોંગ્રેસ પાટીદાર નેતા નરેશ પટેલને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાની રણનીતિ બનાવી ચૂકી છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કંઈક ચમત્કાર થઈ શકે છે. જો આવું થશે તો પણ કોંગ્રેસ માટે પણ બધું સરળ નહીં રહે. કેમ કે નરેશ પટેલ રાજનીતિમાં નવા છે. તેમણે હજુ સુધી ક્યારેય કોઈ ચૂંટણી લડી નથી. પંજાબમાં કેપ્ટનને હટાવીને ચન્ની અને સિદ્ધૂ પર દાવ લગાવીને કોંગ્રેસ મોટું નુકસાન સહન કરી ચૂકી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news