ચૂંટણી પહેલા મોદી સરકાર માટે સારા સમાચાર, વિકાસ દર 7.2% રહેવાનું અનુમાન
સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્રની બાબતે ચીનને પછાડ્યા બાદ વર્ષ 2018-19માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.2 ટકા રેહવાનો અંદાજ વ્યક્ત કરાયો છે
Trending Photos
નવી દિલ્હીઃ સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રની બાબતે ચીનને પછાડ્યા બાદ વર્ષ 2018-19માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. અર્થતંત્રમાં તેજી અંગેનું આ અનુમાન કેન્દ્રીય આંકડાકીય બ્યૂરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. વર્ષ 2017-18માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહ્યો હતો.
વર્ષ 2018માં ભારતીય અર્થતંત્ર સમગ્ર દુનિયાના આર્થતંત્રમાં ચાલી રહેલી ચડતી-પડતીની વચ્ચે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું હતું. ભારતે ચીનને પણ પાછળ પાડી દીધું હતું. જોકે, વર્ષ દરમિયાન ખનીજ તેલના ભાવમાં આવેલી તેજી અને વૈશ્વિક સ્તરે શરૂ થયેલી વ્યાપાર યુદ્ધની આશંકાને કારણે ભારતીય અર્થતંત્ર થોડું ડામાડોળ થયું હતું.
પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 8.2 ટકા રહ્યો
ભારતીય અર્થતંત્રની તેજીનો અંદાજ સરેરાશ ઘરેલુ ઉત્પાદન (GDP)ના વૃદ્ધિ દરના આંકડાથી લગાવવામાં આવે છે. વર્ષ 2018-19ના 30 જૂનના રોજ સમાપ્ત થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPનો વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો હતો. વર્ષના પ્રથમ ત્રણ મહિના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આ દર 7.7 ટકા રહ્યો હતો.
જોકે, 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર ઘટીને 7.1 ટકા પર આવી ગયો હતો. ફિચ રેટિંગે ભારતીય અર્થતંત્રના ચાલુ નાણાકિય વર્ષમાં વૃદ્ધિ દરનું અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરી દેવાયું છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ જણાવ્યું હતું કે, સરકાર 2019માં વૃદ્ધિ દરમાં તેજી લાવવા માટે સુધારાને તેજી આપશે. કુમારે જણાવ્યું કે, દેશમાં રોકાણ ઝડપ પકડી રહ્યું છે અને 2019ના કેલેન્ડર વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.8 ટકા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે