પુણે કોસમોસ બેન્ક કેસઃ બેન્કનું સર્વર હેક કરીને એટીએમ કાર્ડના ક્લોન બનાવ્યા, પછી 28 દેશમાંથી ઉપાડ્યા 94 કરોડ

પુણે પોલિસે તપાસ કર્યા બાદ કર્યો મોટો ખુલાસો, હેકરોએ કોસમોસ બેન્કનું સર્વર હેક કર્યા બાદ એટીએમ કાર્ડનાં ક્લોન બનાવી લીધા હતા

પુણે કોસમોસ બેન્ક કેસઃ બેન્કનું સર્વર હેક કરીને એટીએમ કાર્ડના ક્લોન બનાવ્યા, પછી 28 દેશમાંથી ઉપાડ્યા 94 કરોડ

પુણેઃ પુણેમાં કોસમોસ બેન્કનું સર્વર હેક કર્યા બાદ બનાવાયેલા ક્લોન એટીએમ કાર્ડની મદદથી 28 દેશમાંથી 94 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. પોલિસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે. થોડા દિવસ અગાઉ થયેલી આ ઘટનામાં પોલીસ તપાસ ચલાવી રહી હતી. જેમાં હોંગકોંગમાંથી બેન્કનું સર્વર હેક કરાયું હોવાની જાણ થઈ હતી. પોલિસે જણાવ્યું કે, અમેરિકા, રશિયા, બ્રિટન અને સંયુક્ત અરબ અમિરાત જેવા દેશોમાંથી ક્લોન એટીએમ વડે પૈસા ઉપાડવામાં આવ્યા હતા. 

11 ઓગસ્ટના રોજ સર્વર હેક કરાયું હતું 
11 અને 13 ઓગસ્ટ, 2018ના રોજ અજાણ્યા હેકરોએ એટીએમ સ્વિચ સર્વરને લક્ષ્ય બનાવીને વિઝા અને રૂપે એટીએમ કાર્ડની વિગતો ચોરી હતી. હેકરોએ ઈન્ટરબેન્ક સ્વિફ્ટ પ્રણાલી પર પણ હુમલો કર્યો અને ત્યાર બાદ 15 હજારથી વધુ ટ્રાન્ઝેક્શન કરીને 94 કરોડ ઉપાડી લીધા હતા. 

ક્લોન કાર્ડની મદદથી ઉપાડ્યા રૂપિયા
પોલિસ કમિશનર (સાયબર અને આર્થિક ગુના શાખા) જ્યોતિપ્રિય સિંહે જણાવ્યું કે, બ્રિટન, અમેરિકા, રશિયા, સંયુક્ત આરબ અમીરાત અને કેનેડા એ 18 દેશમાં સામેલ છે, જ્યાં ક્લોન્ડ કાર્ડની મદદથી 94 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. સાયબર સેલ આ દેશોની વિવિધ એજન્સીઓ સાથે સંપર્કમાં છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ગરબડને અટકાવી શકાય. તેમણે જણાવ્યું કે, હેકર્સે કોઈ રીતે બેન્કની પ્રણાલીની રેકી કરી હશે. 

કેવી રીતે ઉપાડ્યા પૈસા 
પ્રથમ ટ્રાન્ઝેક્શન કેનેડામાં રવિવારે (12 ઓગસ્ટ)ના રોજ થયું હતું. જેમાં 15 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું હતું. દેશમાં 2.5 કરોડ ઉપાડવામાં આવ્યા. આરોપીએ બેન્કમાં પર્પલ સ્વિચ તૈયાર કરી હતી, જેની મદદથી તમામ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી કમ્પ્યૂટર સિસ્ટમ પાસે માગવામાં આવતી હતી, જેને હેકરે પર્પલ સ્વિચ દ્વારા મંજૂરી આપી અને પછી ટ્રાન્ઝેક્શન પૂરા કર્યા હતા. 

કોસમોસ બેન્કનું સર્વર બંધ 
હેકિંગની આ ઘટના બાદ કોસમોસ બેન્કે પોતાનાં તમામ સર્વર, એટીએમ, ઓનલાઈન, મોબાઈલ બેન્કિંગના ટ્રાન્ઝેક્શન બંધ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, હેકિંગની આ ઘટનામાં માત્ર 2 કલાક અને 13 મિનિટમાં 76 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું હતું. જેમાં 13.5 કરોડ રૂપિયા હોંકકોંગની બેન્કમાં ટ્રાન્સફર કરાયા હતા. હેકરોએ લગભગ 400-450 ખાતાઓમાંથી પૈસા ઉપાડ્યા હતા, જેના માટે તેમણે વિઝા ઈન્ટરનેશનલ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમણે કુલ 28 દેશમાંથી પૈસા ઉપાડ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news