Video: Covid-19 પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? ડોક્ટર શું કહે છે ખાસ જાણો
કોરોના પોઝિટિવ આવ્યા બાદ દર્દી અને તેના પરિજનો ખુબ તણાવમાં આવી જાય છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉતાવળા થવા લાગે છે. આ માહિતી તમારે ખાસ જાણવી જરૂરી છે કે દર્દીને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કારણે સ્થિતિ સતત ગંભીર બની રહી છે અને સતત વધી રહેલા દર્દીઓના કારણે હોસ્પિટલમાં બેડની પણ ભારે અછત જોવા મળી રહી છે. ડોક્ટર RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવનારા દર્દીઓને જરૂર ન હોય તો હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપી રહ્યા છે કારણ કે મોટાભાગના દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ રહ્યા છે.
ક્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે?
આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાઈરેક્ટર ડો.સીએસ પ્રમેશના સૂચનો પર આધારિત કેટલાક સૂચનો આપ્યા છે. વીડિયોમાં સારા પોષણ ઉપરાંત, તરળ પદાર્થ લેવા, યોગ પ્રાણાયામ કરવા, કોવિડ પોઝિટિવ દર્દીને પોતાનો તાવ અને ઓક્સિજન લેવલ ટ્રેક કરવાની સલાહ આપવામાં આવી છે.
Watch this video to know when one should seek admission in a hospital when found COVID-19 positive. #IndiaFightsCorona @MoHFW_INDIA @PMOIndia @PIB_India @MIB_India @drharshvardhan @cspramesh
— MyGovIndia (@mygovindia) April 21, 2021
કેટલું હોવું જોઈએ બોડીમાં ઓક્સિજન લેવલ?
વીડિયો સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારા બોડીમાં ઓક્સિજન લેવલ 94 કરતા વધુ હોય તો તમારે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી. આ ઉપરાંત ઓક્સિજન લેવલની સટીક તપાસ માટે દર્દીઓ પોતાના રૂમમાં છ મિનિટ સુધી વોક કર્યા બાદ ટેસ્ટનું સૂચન આપવામાં આવ્યું છે. છ મિનિટ સુધી ચાલ્યા બાદ પહેલાના અને પછીના ઓક્સિજન લેવલમાં 4 ટકા કે વધુ ઉતાર ચઢાવ હોય તો હોસ્પિટલનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વીડિયોમાં કહેવાયું છે કે આ સાથે જ તમે બેડ પર પેટના ભાગે સૂઈ જાઓ. એટલે કે પેટ નીચે અને પીઠ ઉપર. જેનાથી ઓક્સિજનના લેવલમાં સુધારો થશે.
કોરોના દર્દીએ કઈ કઈ દવા લેવી જોઈએ?
વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે જો દર્દીનું ઓક્સિજન લેવલ બરાબર હોય અને તાવ સિવાય અન્ય કોઈ સમસ્યા ન હોય તો આવા દર્દીને ફક્ત પેરાસિટામોલ લેવાની અને ખુશ રહેવાની જરૂર છે. આ ઉપરાંત તેણે હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઈ જરૂર નથી.
એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કોરોનાએ દેશની સ્થિતિ બેહાલ કરી નાખી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,59,30,965 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,34,54,880 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 22,91,428 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2104 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,84,657 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ 13,23,30,644 લોકોને અત્યાર સુધી કોરોનાની રસી આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે