Corona: વૈજ્ઞાનિકોની ચેતવણી, જો કોરોના રસીકરણમાં તેજી નહીં લવાય તો 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર
કોરોના વાયરસ (Corona Virus) સામે જંગ લડી રહેલા ભારતમાં મહામારીની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોએ એક મહત્વની ચેતવણી ઉચ્ચારી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) સામે જંગ લડી રહેલા ભારતમાં મહામારીની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોએ એક મહત્વની ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે જો દેશમાં કોરોના રસીકરણની પ્રક્રિયાને તેજ ન કરાઈ તો 6થી 8 મહિનાની અંદર જ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. વૈજ્ઞાનિકોએ લોકોને કોરોના રોકથામને લઈને જણાવવામાં આવેલા નિયમોના પાલન ઉપર પણ ભાર મૂક્યો છે.
વાયરસ અંગે અનુમાન કરવા માટે ગણિતનો ઉપયોગ કરનારા ફોર્મ્યુલા મોડલ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગરે બુધવારે કહ્યું કે જો દેશમાં રસીકરણ અભિયાનમાં તેજી લાવવામાં નહીં આવે અને કોવિડ-19ને પહોંચી વળવા માટે જરૂરી નિયમોનું પાલન ન કરાયું તો આગામી 6 થી 8 મહિનામાં કોવિડની ત્રીજી લહેર આવવાની આશંકા છે. વિદ્યાસાગરે આ સાથે જ કહ્યું કે સૂત્ર મોડલમાં કોઈ ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત નથી કરાઈ અને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે 'જો એન્ટીબોડી ખતમ થઈ જાયતો પ્રતિકાર ક્ષમતા ઓછી થવાની આશંકા છે. આવામાં રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-19ને ફેલાતો રોકવા માટે મદદગાર નિયમોનું પાલન થવું જોઈએ. જો આમ નહીં થાય તો છ થી આઠ મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા છે.'
અનેક એક્સપર્ટ્સ આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના (Corona) ની ત્રીજી લહેર આવવાનું નક્કી છે. જેમાં દેશના ટોપ વાયરોલોજિસ્ટ ડો.વી રવિ પણ સામેલ છે. રવિ પણ કહી ચૂક્યા છે કે ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવે તેવી વધુ આશંકા છે. ડો. રવિનું કહેવું છે કે પહેલેથી અનેક એશિયાઈ દેશ કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યા છે. અનેક પશ્ચિમી દેશોમાં ચોથી વેવ પણ આવી ચૂકી છે. આવામાં ભારત તેનાથી બાકાત રહેશે તે માની લેવું યોગ્ય નથી.
આ ઉપરાંત જાણીતા કાર્ડિયાક સર્જન અને નારાયણ હેલ્થના ચેરમેન અને સંસ્થાપક ડો.દેવી શેટ્ટીએ પોતાના એક લેખમાં લખ્યું છે કે કોરોના વાયરસ વધુને વધુ લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. આ માટે તે સ્વરૂપ બદલી રહ્યો છે. પહેલી વેવ દરમિયાન તેણે વૃદ્ધોને પ્રભાવિત કર્યા. બીજી લહેરમાં યુવાઓને પોતાના શિકાર બનાવ્યા. જ્યારે ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થાય તેવી આશંકા છે.
અહેવાલ સાભાર-ભાષા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે