Constitution Day : વિશ્વનું એકમાત્ર હસ્તલિખિત બંધારણ, જાણો વિશેષતાઓ...

બંધારણ દિવસ (Constitution Day) મનાવવાનો હેતુ દેશના લોકોમાં બંધારણના મહત્વનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. વર્ષ 2015માં સૌ પ્રથમ વખત બંધારણ દિવસ મનાવાયો હતો. 
 

Constitution Day : વિશ્વનું એકમાત્ર હસ્તલિખિત બંધારણ, જાણો વિશેષતાઓ...

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ મનાવાય છે. વર્ષ 1949માં 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણના મુસદ્દાનો સ્વીકાર કરાયો હતો. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ તૈયાર કર્યું હતું. બારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950થી દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણે જ આપણે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવીએ છીએ. 

ભારતમાં બંધારણ દિવસ મનાવાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. ડો. ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કરવા અને સમાજમાં ભારતીય બંધારણના મહત્વના પ્રચાર-પ્રસાર કરવાના હેતુ સાથે બંધારણ દિવસ મનાવાય છે. 

કેવી રીતે રચાયું ભારતનું બંધારણ?
આઝાદી મળતા પહેલા જ સ્વતંત્રતા સેનાનીઓ વચ્ચે બંધારણ નિર્માણની ચર્ચા થવા લાગી હતી. દેશને આઝાદી મળ્યા પછી એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મળી હતી. એ દિવસે 207 સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા હતા. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, પરંતુ દેશના ભાગલા પડ્યા પછી કેટલાક રજવાડા દ્વારા બંધારણ સભામાં ભાગ ન લેવાના કારણે સભ્યોની સંખ્યા ઘડીને 299 થઈ ગઈ હતી. 

29 ઓગસ્ટ, 1947ના રોજ બંધારણ સભાએ 'ભારતીય બંધારણ'નો મુસદ્દો તૈયાર કરવા માડે ડો. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરી હતી. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરી, 1950ના રોજ 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કરીને બંધારણને સ્વીકાર્યું હતું. ત્યાર પછી 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. 

બંધારણ સભાના મુખ્ય સભ્યો 
બંધારણ સભાના સભ્યોની પસંદગી ભારતના રાજ્યોની સભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાઈ હતી. જવાહરલાલ નેહરુ, ડો. ભીમરાવ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે બંધારણ સભાના મુખ્ય સભ્યો હતા. 

વિશ્વનું એકમાત્ર હસ્તલિખિત બંધારણ 
ભારતનું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્વારા તૈયાર કરાયું નથી, પરંતુ તેને હાથ વડે લખવામાં આવ્યું છે. ભારતનું બંધારણ વિશ્વનું એકમાત્ર બંધારણ છે જે હસ્તલિખિત છે. બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી. રાયજાદાનો પૈતૃક વ્યવસાય કેલિગ્રાફી હતો. તેમણે અત્યંત સુંદર કેલિગ્રાફી દ્વારા ઈટાલિક અક્ષરોમાં બંધારણ લખ્યું હતું. તેનાં દરેક પાના પર રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનના કારિગરો દ્વારા વિવિધ ડિઝાઈન કરવામાં આવી હતી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news