National Herald Case: 1938માં શરૂ થયેલું નેશનલ હેરાલ્ડ 2008માં બંધ, જાણો સોનિયા-રાહુલ પર શું છે આરોપ
Trending Photos
National Herald Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાલ ઈડી ઓફિસમાં પૂછપરછ ચાલુ છે. ઈડીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પૂછપરછ નેશનલ હેરાલ્ડ કેસ મામલે છે. હવે આખરે આ નેશનલ હેરાલ્ડ કેસ શું છે તે વિશે જાણીએ.
નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત 1938માં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કરી હતી. અખબાર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું તથા નહેરુ ઉપરાંત 5000 અન્ય સ્વતંત્રતા સેનાનીઓ તેના શેરહોલ્ડર્સ હતા. આ કંપની બે અન્ય દૈનિક અખબારોને પણ પ્રકાશિત કરતી હતી- જે ઉર્દુમાં કોમી અવાજ અને હિન્દીમાં નવજીવન હતા. કંપની કોઈ એકના નામ પર નહતી.
આઝાદીની લડત દરમિયાન નેશનલ હેરાલ્ડ સ્વતંત્રતા સેનાનીઓના અવાજને સ્થાન આપનારું પ્રમુખ મુખપત્ર બની ગયું. આ અખબારનો હેતું કોંગ્રેસમાં ઉદારવાદી જૂથના વિચારો અને ચિંતાઓ તથા સંઘર્ષને મંચ આપવાનો હતો. નહેરુ આ અખબારમાં સંપાદકીય લખતા હતા અને બ્રિટિશ સરકારની નીતિઓની કડક સમીક્ષા, આલોચના કરતા. અંગ્રેજી સત્તાને અખબાર આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું હતું. આખરે 1942માં અંગ્રેજોએ આ અખબાર પર પ્રતિબંધ મૂક્યો. જેના કારણે તે બંધ થઈ ગયું પરંતુ ત્રણ વર્ષ બાદ 1945માં અખબાર ફરી શરૂ થયું. 1947માં જ્યારે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે નહેરુએ પ્રધાનમંત્રી તરીકે પોતાની ભૂમિકા સંભાળ્યા બાદ અખબારના બોર્ડના અધ્યક્ષની ભૂમિકામાંથી રાજીનામું આપી દીધુ. પરંતુ અખબારનું પ્રકાશન ચાલુ રહ્યું અને અનેક જાણીતા પત્રકારો તેના સંપાદક બન્યા. અખબાર કોંગ્રેસ પાર્ટી અખબારની વિચારધારાને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવતું રહ્યું.
આ બધા વચ્ચે 1962-63માં 0.3365 એકર જમીન દિલ્હી-મથુરા રોડ પર 5-એ બહાદુર શાહ ઝફર માર્ગ પર AJL ને ફાળવવામાં આવી. 10 જાન્યુઆરી 1967ના રોજ પ્રેસ ચલાવવા માટે ભવન નિર્માણ કરવા જમીન અને વિકાસ કાર્યાલય (એલએન્ડડીઓ) દ્વારા AJL ના પક્ષમાં સ્થાયી લીઝ ડીડ બનાવવામાં આવી. જેમાં કહેવાયું કે બિલ્ડિંગનો કોઈ અન્ય ઉપયોગ નહીં થાય. વર્ષ 2008માં કોંગ્રેસના નેતૃત્વમાં જ્યારે યુપીએ સત્તામાં હતી ત્યારે અખબારનું પ્રકાશન ફરીથી એકવાર બંધ થયું. કારણ નાણાકીય ખોટ ગણાવવામાં આવી અને અખબાર સંચાલનનો ખર્ચો ઉઠાવી શકવા સમર્થ નથી તેમ કહેવાયું. 2010માં આ કંપનીના 1057 શેર હોલ્ડર્સ હતા. 2011માં ખોટમાં ગયેલી કંપનીના હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડને ટ્રાન્સફર કરાયા.
યંગ ઈન્ડિયા લિમિટેડ (YIL) એક કંપની છ જેની શરૂઆત 2010માં થઈ. રાહુલ ગાંધી તે વખતે કોંગ્રેસ મહાસચિવ હતા. તેઓ કંપનીના ડાઈરેક્ટર પણ બન્યા હતા. આ કંપનીની સ્થાપના 5 લાખ રૂપિયાથી થઈ હતી. આ કંપનીના 38 ટકા શેર રાહુલ ગાંધી પાસે, 38 ટકા શેર માતા સોનિયા ગાંધી પાસે હતા. બાકીના 24 ટકા શેર કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિઝ, પત્રકાર સુમન દુબે અને કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પાસે હતા. કોંગ્રેસનું કહેવું છે કે આ અલાભકારી કંપની છે અને તેના શેરધારકો તથા ડાઈરેક્ટર્સને કોઈ લાભાંશ અપાયો નથી.
સુબ્રમણ્યમ સ્વામીના આ છે આરોપ
વર્ષ 2012માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નીચલી કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી. તેમણે આરોપ લગાવ્યો કે યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના અધિગ્રહણમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરાયો. તેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ સામેલ હતા. સ્વામીનો આરોપ હતો કે YIL એ નેશનલ હેરાલ્ડની સંપત્તિ પર ખોટી રીતે કબજો જમાવ્યો.
સ્વામીનો આરોપ છે કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના ફંડનો ઉપયોગ કરીને AJL નું અધિગ્રહણ કર્યું. સ્વામીના આરોપોનું માનીએ તો તેનો હેતુ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો કરવાની કોશિશ હતી. અત્રે જણાવવાનું કે જ્યારે 2008માં નેશનલ હેરાલ્ડ બંધ થઈ રહ્યું હતું ત્યારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર કોંગ્રેસનું 90 કરોડનું દેવું હતું. આ લોન અખબારનું સંચાલન ફરીથી કરવા માટે અપાઈ હતી. પરંતુ અખબારનું સંચાલન શક્ય બન્યું નહીં અને AJL આ કરજ કોંગ્રેસને ચૂકવી શક્યું નહીં.
ત્યારબાદ કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011ના રોજ કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 90 કરોડ રૂપિયાની દેવાદારીને પોતાના માથે લઈ લીધી હતી. જેનો અર્થ એ થયો કે પાર્ટીએ તેને 90 કરોડ રૂપિયાની લોન આપી હતી. સ્વામીનો આરોપ છે કે યંગ ઈન્ડિયા લિમિટેડે 90 કરોડ રૂપિયાની વસૂલીના અધિકારને પ્રાપ્ત કરવા માટે માત્ર 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. જે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર કોંગ્રેસનું બાકી લેણું હતું. 2010માં યંગ ઈન્ડિયાએ આ 50 લાખના બદલે કરજ માફ કર્યું અને AJL પર યંગ ઈન્ડિયાનું નિયંત્રણ થયું.
સ્વામીએ આરોપ લગાવ્યો કે આ સાથે જ યંગ ઈન્ડિયાએ AJL ની દિલ્હી-એનસીઆર, લખનઉ, મુંબઈ, અને અન્ય શહેરોમાં રહેલી સંપત્તિ પર કબજો કરી લીધો. તેમણે આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે છળ કપટનો ઉપયોગ કરીને લાખોની સંપત્તિ 'દુર્ભાવનાપૂર્ણ' રીતે 'અધિગ્રહણ' કરી. સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો કે AJL ને ગેરકાયદેસર રીતે લોન અપાઈ કારણ કે તે પાર્ટી ફંડથી લેવાઈ હતી.
કોંગ્રેસની શું છે રજૂઆત
સ્વામીના આરોપો પર કોંગ્રેસે કહ્યું કે આ કેસમાં સ્વામીને સાંભળવાનો કોઈ અધિકાર નથી અને આ કેસ ફક્ત રાજનીતિક દુર્ભાવનાથી ફાઈલ કરાયો છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે હેરાલ્ડનું પ્રકાશન કરનારા એજેએલે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસે તેને બચાવી લીધી. કારણ કે તે પોતાના ઐતિહાસિક વારસામાં વિશ્વાસ કરતી હતી. આ ઉપરાંત કોંગ્રસનું એ પણ કહેવું છે કે AJL હજુ પણ નેશનલ હેરાલ્ડના માલિક,પ્રિન્ટર, અને પ્રકાશક રહેશે અને કોઈ સંપત્તિનું પરિવર્તન કે હસ્તાંતરણ થયું નથી. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે 2016માં નેશનલ હેરાલ્ડનું ડિજિટલ વર્ઝન ફરીથી લોન્ચ કરાયું.
પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડને નિશાન બનાવીન ભાજપ ભારતના સ્વતંત્રતા સેનાનીઓ તથા સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનનો અનાદર અને અપમાન કરી રહી છે.
EDની ચાલી રહી છે તપાસ
2014માં ઈડીએ આ કેસની તપાસ શરૂ કરી. ઈડીએ જાણવા માંગતી હતી કે આ કેસમાં કોઈ પ્રકારે મની લોન્ડરિંગ થયું છે. ઈડીની તપાસ ચાલતી રહી. 26 જૂન 2014ના રોજ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આરોપી તરીકે કોર્ટમાં સમન કર્યું. સપ્ટેમ્બર 2015માં ઈડીએ ફરી કેસની તપાસ શરૂ કરી. 19 ડિસેમ્બર 2015ના રોજ સોનિયા અને રાહુલ આ મામલે પટિયાલા કોર્ટમાં હાજર થયા અને કોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા. 2016માં પણ કેસમાં સુનાવણી ચાલતી રહી. સુપ્રીમ કોર્ટે સોનિયા અને રાહુલ સામે ચાલી રહેલા કેસોની સુનાવણી પર રોક લગાવવાની ના પાડી પરંતુ સોનિયા-રાહુલ સહિત અન્ય નેતાઓ પર આ કેસમાં અંગત રીતે કોર્ટમાં હાજર થવામાંથી છૂટ આપી દીધી.
ઓક્ટોબર 2018માં દિલ્હી હાઈકોર્ટે AJL ને બહાદુરશાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપ્યો. આ આદેશમાં કહેવાયું હતું કે આ બિલ્ડિંગનો ઉપયોગ વ્યવસાયિક હેતુસર થઈ રહ્યો છે તેમાં ન તો પ્રિન્ટિંગ થાય છે કે ન તો પબ્લિશિંગ. જ્યારે આ હેતુ માટે જ 1962માં આ જમીન ફાળવવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2019માં ગાંધી પરિવાર આ નિર્ણય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો. 5 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આ આદેશ પર રોક લગાવી. 1 જૂન 2022ના રોજ ઈડીએ આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હાજર થવાનું ફરમાન મોકલ્યું. કોંગ્રેસે કહ્યું કે આ રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત કાર્યવાહી છે અને તેઓ ઝૂકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે