Weather Forecast : બરફવર્ષામાં નવુ વર્ષ માણવા પહોંચ્યા પ્રવાસી, નૈનિતાલમાં પાર્કિંગ જ નથી મળતું, મનાલીમાં ટ્રાફિક જામ
Coldwave : જમ્મુ કાશ્મીરનું ગુલમર્ગ બન્યું સ્વર્ગ... હિમવર્ષાના કારણે સર્વત્ર જગ્યા પર પથરાઈ બરફની ચાદર... તાપમાનનો પારો શૂન્યથી પણ નીચે જતાં થીજી ગયા નદી-નાળા...
Trending Photos
Incredible India : વર્ષ 2023ના છેલ્લા દિવસે પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. નવા વર્ષ પહેલા ઉત્તર ભારતના ટુરિઝમ સ્પોટ પ્રવાસીઓથી ઉભરાયા છે. હિમાલચ પ્રદેશના તમામ શહેરો, જમ્મુ કાશ્મીર, નૈનિતાલ બધે જ હાલ પ્રવાસીઓથી હાઉસફુલ માહોલ જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં ટ્રાફિક જામ સર્જાયો છે. અનેક કિલોમીટર સુધી ગાડીઓ ટ્રાફિક જામમાં ફસાઈ છે. સોલાંગથી મનાલી આવતા રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ છે. તો વાહનચાલકો સાવ ધીમે ગાડી ચલાવવા મજબૂર બન્યા છે.
નૈનિતાલમાં પાર્કિંગ હાઉસફુલ
નવા વર્ષે પર્યટકોના ભારે ધસારાથી નૈનીતાલ હાઉસફૂલ બન્યું છે. નૈનીતાલ શહેરની પાર્કિંગની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. પર્યટકોને શહેરની સીમા પર જ રોકવામાં આવ્યા છે. હોટેલ બુકિંગ વિના લોકોને નૈનીતાલમાં પ્રવેશ નહીં મળે તેવુ જણાવી દેવામાં આવ્યું છે. હોટેલ પાસે પાર્કિંગ છે કે નહીં તેનો તંત્ર પુરાવો માંગી રહ્યું છે. જો હોટેલમાં પાર્કિંગ નહીં હોય તો ગાડી બોર્ડર પર છોડીને જ નૈનીતાલમાં એન્ટ્રી મળી રહી છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં હોટેલ, રિસોર્ટ, હોમસ્ટે ફૂલ થઈ ગયા છે. હોટેલના ભાડામાં અધધ વધારો થયાની લોકોની ફરિયાદ થઈ રહી છે.
કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા
પૃથ્વીના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરમાં હાલમાં ચિલ્લાઈ કલાનો સમયગાળો ચાલી રહ્યો છે. જેના કારણે અહીંયા ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણે મકાનો, રસ્તાઓ, પહાડો, વૃક્ષો સહિત સર્વત્ર જગ્યાએ સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે. તો ગુલમર્ગમાં તાપમાન એટલું નીચે પહોંચી ગયું છે કે અહીંયા વૃક્ષો, નદી-નાળા, પાણીના નળ બરફમાં ફેરવાઈ ગયા છે. પરિણામે અહીંયાના સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તાપણું કરીને કાતિલ ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ આખો જાન્યુઆરી મહિનો કાશ્મીરમાં ચિલ્લાઈ કલાનનો સમયગાળો રહેવાનો હોવાથી લોકોને કાતિલ ઠંડીમાં ઠૂંઠવાવું પડશે તે નક્કી છે.
ગુલમર્ગમાં કેબલ કાર સવારની આનંદ માણવા પહોંચ્યા પ્રવાસી
જમ્મુ કાશ્મીરમાં હાલમાં કાતિલ ઠંડીની વચ્ચે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. કેમકે અહીંયા શિયાળામાં અનેક જગ્યાઓ જન્નત જેવી બની જાય છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગની વાત તો બિલકુલ અલગ જ છે. કેમ કે અહીંયા ગુલમર્ગમાં ગોંડોલાની સવારી અનેક પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. કેબલ કારની સવારીનો આનંદ માણવા માટે દેશના વિવિધ ભાગમાંથી અહીંયા આવી પહોંચ્યા છે. રાજસી અને ગુલમર્ગની આજુબાજુનો નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ આનંદિત થયા છે. ઉલ્લેખનીય છે કે ગુલમર્ગ જમ્મુ કાશ્મીરની એક ખૂબસૂરત ઘાટી છે. આથી ગુલમર્ગની મંત્રમુગ્ધ કરનારી સુંદરતા સિવાય ગોંડોલા પર એક વિશેષ અને અવિસ્મરણીય સવારીનો આનંદ બિલકુલ અલગ જ છે. ગુલમર્ગમાં કેબલ કારની સવારી તમને યુરોપીય દેશોની યાદ અપાવશે. જેના માટે પ્રવાસીઓ કેબલ કારની સવારી માટે સ્પેશિયલ ગુલમર્ગ આવવાનું પસંદ કરે છે. કાતિલ ઠંડી હોવા છતાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચી રહ્યા છે અને ખુશનુમા વાતાવરણ જોઈને નવી ઉર્જાનો અહેસાસ કરી રહ્યા છે.
હિમાચલમાં શરૂ થયુ આઈસ સ્કેટિંગ
હિમાચલ પ્રદેશના શિમલામાં સ્કેટિગના દીવાનાઓ માટે સારા સમાચાર છે. કેમ કે શિમલામાં આઈસ સ્કેટિંગ રિંગમાં ટ્રાયલ સફળ રહેતાં હવે તેને ટુરિસ્ટ માટે શરૂ કરી દેવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં દેશભરમાંથી આવતાં પ્રવાસીઓ આઈસ સ્કેટિંગની મજા માણી રહ્યા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીની સાથે હવામાન સારું હોવાથી સવારથી સાંજ સુધી આઈસ સ્કેટિંગનો લુત્ફ ઉઠાવી શકાય છે. જો તમે પણ શિમલાના પ્રવાસે આઈસ સ્કેટિંગની મજા માણવી હશે તો તમારે એક સેશનના 300 રૂપિયા ચૂકવવા પડશે. હાલ તો નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિમલામાં ઉમટી પડ્યા છે. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને પણ સારી આવક થશે તેવું માનવામાં આવી રહ્યું છે. કેમ કે ચોમાસાની સિઝનમાં હિમાચલમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે ભારે તારાજી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે