તવાંગ માટે અરૂણાચલ પર દાવો છોડવા તૈયાર હતું ચીન, આથી અટકી ગઈ ભારત સાથેની ડીલ

ચીન અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું રહે છે. આથી તેને દક્ષિણી તિબ્બત પણ કહે છે. અહીંયા તેની સૌથી વધારે નજર તવાંગ પર છે, જે ઘણું મહત્વનું છે.
 

તવાંગ માટે અરૂણાચલ પર દાવો છોડવા તૈયાર હતું ચીન, આથી અટકી ગઈ ભારત સાથેની ડીલ

નવી દિલ્લી: ભારતનો ચીનની સાથે સરહદ વિવાદ ઘણો જૂનો છે. પૂર્વી લદાખની સાથે સાથે અરૂણાચલ પ્રદેશમાં પણ ચીનની સાથે બોર્ડર પર તણાવ  ચાલુ છે. ચીન અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું રહે છે. આથી તેને દક્ષિણી તિબ્બત પણ કહે છે. અહીંયા તેની સૌથી વધારે નજર તવાંગ પર છે, જે ઘણું મહત્વનું છે. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે અને લાંબા સમયથી ભારત અને ચીન વચ્ચેના તણાવનું કારણ રહ્યું છે. ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના રિટાયર કર્નલ ઝોઉ બોએ કહ્યું કે વાત માત્ર તવાંગ સેક્ટરની જ નથી. તેમણે કહ્યું કે આખું અરૂણાચલ પ્રદેશ, જેને અમે દક્ષિણી તિબ્બત કહીએ છીએ. તેના પર ભારતે ગેરકાયદેસર કબજો કરી લીધો. આ એવું છે જેના પર કોઈ વાતચીત કરી શકાય નહીં.

સરહદ વિવાદ વર્ષો જૂનો છે:
આમ તો અનેક વિસ્તાર છે જેના પર બંને દેશની વચ્ચે વિવાદ ચાલતો રહે છે. જેમાં તવાંગ તે જગ્યા છે, જે ચીનના દાવાની યાદીમાં નંબર એક પર છે. 1990ના દાયકાના મધ્યમાં મિલિટરી એક્સપર્ટના રૂપમાં ભારત-ચીન સીમા વાર્તામાં ભાગ લેનારા ઝોઉએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તવાંગ ચીન માટે બહુ જરૂરી છે. તિબ્બતના આધ્યાત્મિક નેતા અને છઠ્ઠા દલાઈ લામા ત્યાં જન્મ્યા હતા. આ સાબિત કરવા માટે તે ચીની વિસ્તાર છે તમારે બીજા શું પૂરાવા જોઈએ?

ચીન તવાંગ પર કેમ કબજો કરવા માગે છે:
ભારત 1914ની મેકમોહન લાઇનના આધારે પોતાની સરહદ પર દાવો કરે છે. ચીન આ લાઇનને સ્વીકારવાનો ઇનકાર કરે છે. તવાંગ ચીન માટે પણ મહત્વનું છે કારણ કે તે ચીનને અરુણાચલ પ્રદેશ તેમજ ભારતના ઉત્તર પૂર્વમાં એન્ટ્રી પોઈન્ટ આપે છે.  કેટલાક નિષ્ણાતો માને છે કે તિબેટ પર પોતાની સત્તા મજબૂત કરવા માટે ચીન તવાંગ જેવા બૌદ્ધ પવિત્ર સ્થળો પર કબજો મેળવવા માંગે છે. હાલના દલાઈ લામા જ્યારે 1959માં ભારત આવ્યા ત્યારે તેઓ પહાડોને પાર કરીને સૌથી પહેલા તવાંગ પહોંચ્યા હતા

ચીનની નાપાક ચાલ સફળ ન થઈ શકી:
શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના સિનિયર ફેલો લિયુ જોંગ્યી કહે છે કે 2006માં ચીને વાતચીત દરમિયાન ભારતને જે સોદો કર્યો હતો તેના કેન્દ્રમાં તવાંગ હતું. તેમણે કહ્યું કે તવાંગને ફરીથી મેળવવાના આધાર પર ચીન દક્ષિણ તિબેટ (અરુણાચલ પ્રદેશ)ના મોટાભાગના હિસ્સા પર પોતાનો દાવો છોડવા માટે તૈયાર છે. બદલામાં ભારતે અક્સાઈ ચીન પર ચીનના નિયંત્રણને માન્યતા આપવાની હતી. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ માટે સહમતિ ન સધાઈ. કારણ કે ભારત પૂર્વમાં ખાસ કરીને તવાંગ પરના પોતાના હિતોને છોડવા તૈયાર નથી અને અક્સાઈ ચીન પર છૂટ આપવા માટે પણ તૈયાર નથી. જો કે તે સમયે ભારતના વિદેશ સચિવ શ્યામ સરને કહ્યું હતું કે તેમને આવો કોઈ પ્રસ્તાવ યાદ નથી.

સરહદ પર તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે સતત વાતચીત કરે છે અને તે વાત પર ભાર મૂકે છે કે સરહદ પર શાંતિ જળવાઈ રહે. જો કે છેલ્લાં કેટલાક સમયથી તેમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીની સૈનિકોએ તવાંગમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ પછી બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ભગાડી દીધા હતા. આ પછી ભારતે પણ અહીં તૈયારી વધારી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news