છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ કરી ખેડૂતોના દેવામાફી સહિત ત્રણ મોટી જાહેરાત

મુખ્યમંત્રીપદની શપથ લીધાના થોડા કલાકમાં જ ભૂપેશ બધેલે કરી ત્રણ મોટી જાહેરાત, ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.1700થી વધારી રૂ.2500 કર્યા અને ઝિરામ ઘાટીમાં થયેલા હત્યાકાંડની તપાસ માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી 

છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ કરી ખેડૂતોના દેવામાફી સહિત ત્રણ મોટી જાહેરાત

રાયપુરઃ ભૂપેશ બધેલે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ત્રણ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની સાથે જ ડાંગરના ટેકાના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. આ સાથે જ ઝીરામ ઘાટીમાં થયેલા નકસલી હુમલાની તપાસ માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી છે. 

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જણાવ્યું કે, "કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસના અંદર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, પરંતુ અમે આજે જ ખેડૂતોનું દેવું માફ કરી રહ્યા છે. આ ઉપરાંત, ડાંગરની ખરીદીનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.1700થી વધારીને રૂ.2500 કરવામાં આવ્યો છે."

— ANI (@ANI) December 17, 2018

ભૂપેશ બધેલે છત્તીસગઢની કોંગ્રેસ સરકારના એક ત્રીજા મોટા નિર્ણયની પણ જાહેરાત કરી હતી. છત્તીસગઢમાં ઝીરામ ઘાટીમાં થયેલા એક નકસલી હુમલામાં કુલ 29 લોકોનાં મોત થયા હતા, જેમાં ટોચના નેતા નંદ કુમાર પટેલ સહિતના અનેક લોકોનાં મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, "ઈતિહાસમાં રાજકીય નેતાઓનો આટલો મોટો હત્યાકાંડ અગાઉ ક્યારેય પણ સર્જાયો નથી. આથી, તેના ષડયંત્રકારીઓને ખુલ્લા પાડવા જરૂરી છે. આ હુમલાના દોષિતોને શોધી કાઢવા માટે સરકાર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગોશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે."

મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર

ઉલ્લેખનીય છે કે, તેમના પહેલા મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ તુરંત જ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે ખેડૂતોના દેવામાફીની ફાઈલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે જ તેમણે પણ અન્ય 3 મોટી જાહેરાત કરી હતી. જેમાં લગ્નને લાયક યુવતીઓ માટે સરકાર તરફથી રૂ.51,000ની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં રોકાણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન રકમ આપવા અંગેના નિર્ણયની પણ તેમણે જાહેરાત કરી હતી. કમલનાથે જણાવ્યું કે, રાજ્યમાં રોકાણકાર ઉદ્યોગપતિ જ્યારે રાજ્યના 70 ટકા લોકોને રોજગાર આપવાની શરત પુરી કરશે ત્યારે જ સરકાર તેને આર્થિક સહાય કરશે. કમલનાથે રોજગારને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં 'ચાર ગારમેન્ટ' પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. 

— ANI (@ANI) December 17, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news