પ્રિયંકાની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, ભાજપે કહ્યું- 'રાહુલ ગાંધી નિષ્ફળ, કોંગ્રેસે સ્વીકાર્યું'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને યુપીમાં પાર્ટી મહાસચિવ બનાવવા પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના આ નિર્ણયને પરિવારવાદ સાથે જોડ્યો

પ્રિયંકાની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, ભાજપે કહ્યું- 'રાહુલ ગાંધી નિષ્ફળ, કોંગ્રેસે સ્વીકાર્યું'

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને યુપીમાં પાર્ટી મહાસચિવ બનાવવા પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના આ નિર્ણયને પરિવારવાદ સાથે જોડ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ સ્વિકૃતિ છે કે રાહુલ ગાંધી નેતૃત્વ પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા છે. સંબિત પાત્રાએ કહ્યું કે પ્રસ્તાવિત મહાગઠબંધનમાં વિભિન્ન પક્ષોએ ફગાવ્યાં બાદ કોંગ્રેસ અધ્યક્ષે 'કૌટુંબિક ગઠબંધન'ને અપનાવ્યું છે. 

તેમણે કહ્યું કે કોંગ્રેસે વાસ્તવમાં જાહેરમાં જાહેરાત કરી દીધી છે કે રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે. મહાગઠબંધનના પક્ષો દ્વારા ફગાવવામાં આવવાના કારણે થયું અને આવામાં તેમણે કૌટુંબિક ગઠબંધનની પસંદગી કરી. વિપક્ષી પાર્ટી પર કટાક્ષ કરતા  કહ્યું કે સ્વભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીએ પરિવારના જ કોઈ વ્યક્તિને તાજ સોંપવાનો હતો. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીને નામદાર અને કામદાર વચ્ચેની લડાઈ બતાવી ચૂક્યા છે. 

સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસમાં આગામી નેતા કોણ હશે તે પહેલેથી જ નક્કી હોય છે. તેમણે આ સંદર્ભમાં પંડિત જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના ઉદાહરણ આપ્યાં. પાત્રાએ કહ્યું કે તમામ નિયુક્તિઓ એક પરિવારથી જ હોય છે. કોંગ્રેસ અને ભાજપમાં આ જ અંતર છે. તેમણે કહ્યું કે તેઓ પરિવારને જ પાર્ટી સમજે છે જ્યારે ભાજપ પાર્ટીને પરિવાર સમજે છે. 

તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ નિર્ણયથી સાર્વજનિક રીતે રાહુલ ગાંધીની નિષ્ફળતાને સ્વીકારી લેવાઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ગાંધીને આધાર બનાવીને આગળ લાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે યુપીમાં એસપી-બીએસપી ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં આવી નથી. અનેક રાજ્યોમાં પણ હજુ સહમતિ બની નથી. 

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશના પાર્ટી મહાસચિવ નિયુક્ત કર્યા છે. કહેવાય છે કે તેઓ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કાર્યભાર સંભાળશે. 

આ બાજુ ભાજપના યુપી ઈન્ચાર્જ જેપી નડ્ડાએ પણ કહ્યું કે પ્રિયંકા ગાંધી ઔપચારિક રીતે કોંગ્રેસના મહાસચિવ બન્યાં છે. પરંતુ દરેક જણ જાણે છે કે તેમની પારંપરિક કંપની કઈ રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી આ  પહેલી અધિકૃત જાહેરાત છે કે રાહુલ ફેલ ગયા છે. તેમણે (રાહુલે) જણાવવું જોઈએ કે પરિવારવાદી સોચ પર તેમનો શું દ્રષ્ટિકોણ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news