રાજનીતિના ચાણક્ય હવે ચલાવશે 'સરકાર', કોણ બનશે ભાજપનો 'નાથ'?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ પણ છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. લાભના પદના નિયમ મુજબ હવે જ્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે તો તેમણે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપવું પડશે
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ પણ છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. લાભના પદના નિયમ મુજબ હવે જ્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે તો તેમણે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપવું પડશે. ભારતીય જનતા પાર્ટીને સંસદમાં 300 પાર લઈ જવામાં અમિત શાહનો બહુ મોટો ફાળો છે.
2014ની લોકસભા ચૂંટણીમાં પણ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને તેમની મોદી-શાહની જુગલબંદીએ ભારતીય જનતા પાર્ટીને દેશમાં સર્વોચ્ચ સત્તા સ્થાન સુધી પહોંચાડી હતી. હવે, 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અમિત શાહે પાર્ટીને ફરીથી સત્તાના સ્થાને બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આટલું જ નહીં, અમિત શાહની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીની અનેક રાજ્યોમાં સરકાર બની છે અને અનેક રાજ્યોમાં પાર્ટીનો પ્રવેશ થયો છે. તાજેતરની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના કિલ્લામાં સેંધ મારવામાં પણ અમિત શાહ સફળ રહ્યા છે.
લાભના પદનો નિયમ
અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. આથી, હવે તેઓ એક લોકપ્રતિનિધિ બની ગયા છે. લોકપ્રતિનિધિ માટે લાભના પદનો નિયમ છે, જેના અનુસાર તેઓ એક સાથે કોઈ બે પદ પર રહી શકે નહીં. વળી અમિત શાહ અત્યારે રાજ્યસભામાંથી પણ ચૂટાયેલા છે. આથી, લાભના પદના નિયમ અંતર્ગત અમિત શાહે જો સાંસદ તરીકે ચાલુ રહેવું હોય તો પાર્ટીના અધ્યક્ષ પદ અને રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપવું પડે.
કોણ બની શકે ભાજપનો 'નાથ'?
અમિત શાહ નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ માણસ છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની પકડ મજબૂત કરવામાં અમિત શાહનો ફાળો રહ્યો છે. આથી, હવે જો અમિત શાહ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપે તો નરેન્દ્ર મોદી પોતાના કોઈ વિશ્વાસુ વ્યક્તિને જ પાર્ટીનું અધ્યક્ષ પદ સોંપે તેવી સંભાવના છે. પાર્ટીનું અધ્યક્ષ પદ એક કાંટાળો તાજ હોય છે અને તેમાં અનુભવી વ્યક્તિ હોવો પણ એટલો જ જરૂરી છે. ભાજપના અત્યારે ચાર વ્યક્તિ એવી છે જેને પાર્ટીનું અધ્યક્ષ પદ મળે તેવી સંભાવના છે. આ ચાર વ્યક્તિ છે અરૂણ જેટલી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને પરષોત્તમ રૂપાલા.
અરૂણ જેટલી શા માટે?
અરૂણ જેટલી પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને અમિત શાહ પછી નરેન્દ્ર મોદીના બીજા નંબરના વિશ્વાસુ વ્યક્તિ છે. હાલ, અરૂણ જેટલીની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત રહે છે. તેમણે કિડની પણ ટ્રાન્સફર કરાવી છે અને આ ઉપરાંત તેઓ ડાયાબિટિસથી પણ પીડાય છે. નાદુરસ્ત તબિયતના કારણે જ તેઓ બજેટ પણ રજુ કરી શક્યા ન હતા. આથી, નરેન્દ્ર મોદી અમિત શાહના સ્થાને અરૂણ જેટલીને પાર્ટીના અધ્યક્ષ બનાવી શકે છે.
રાજનાથ સિંહ પણ છે દાવેદાર
વર્તમાન ગૃહ મંત્રી રાજનાથ સિંહને રાજકારણનો બહોળો અનુભવ છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત, 31 ડિસેમ્બર, 2005થી 19 ડિસેમ્બર, 2009 એમ 4 વર્ષ સુધી તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. આ રીતે તેઓ પાર્ટી સંચાલનનો પણ બહોળો અનુભવ ધરાવે છે. વળી, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ પણ છે. આથી, તેમની પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની સંભાવના છે.
સુષમા સ્વરાજ પણ બની શકે
સુષમા સ્વરાજ પણ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ વ્યક્તિ છે. તેમણે વર્તમાન મોદી મંત્રીમંડળમાં વિદેશ મંત્રી તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપી હતી અને વિદેશમાં ભારતની એક નવી છબી બનાવાનું કામ કર્યું હતું. સુષમા સ્વરાજ ટ્વીટર પર પણ અત્યંત સક્રિય રહ્યા હતા અને તેમણે અનેક ભારતીયોની તત્કાલ મદદ કરી હતી. સુષમા સ્વરાજ 13 ઓક્ટબર, 1998થી 3 ડિસેમ્બર, 1998 સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. સુષમા સ્વરાજે તેમની નાદુરસ્ત તબિયતના કારણે આગામી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. જોકે, સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીમાં સક્રિય રહેશે અને પાર્ટી જે કોઈ જવાબદારી આપશે તેને નિભાવશે. આથી, મહિલા સશક્તિકરણ અને દેશમાં મહિલા નેતાઓને આગળ લાવવા માટે નરેન્દ્ર મોદી સુષમા સ્વરાજને પણ પાર્ટીના અધ્યક્ષ બનાવી શકે છે.
પરષોત્તમ રૂપાલાને ગુજરાતી હોવાનો ફાયદો મળી શકે
પરષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ પણ એક પીઢ અને અનુભવી રાજકારણી છે. વળી તેઓ સંગઠનના પણ અનુભવી વ્યક્તિ છે. વર્તમાનમાં નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ તેઓ રાજ્યકક્ષાના મંત્રી હતા. પરષોત્તમ રૂપાલા ગુજરાતના નેતા છે અને નરેન્દ્ર મોદી પાર્ટીનું નેતૃત્વ એક ગુજરાતીના હાથમાં જ રહે તે ધ્યાનમાં રાખીને પરષોત્તમ રૂપાલાને પાર્ટીનું અધ્યક્ષ પદ સોંપી શકે છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે