લોકસભામાં LJP ના નેતા બન્યા Pashupati Paras, પાર્ટી પર હવે કાકાનો 'કબજો'

બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીની કમાન તેમના પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં છે પરંતુ હવે પાર્ટીમાં મોટી ફૂટ પડી છે.

લોકસભામાં LJP ના નેતા બન્યા Pashupati Paras, પાર્ટી પર હવે કાકાનો 'કબજો'

નવી દિલ્હી: બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીની કમાન તેમના પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં છે પરંતુ હવે પાર્ટીમાં મોટી ફૂટ પડી છે. એલજેપીની સ્થિતિ સતત નબળી થઈ રહી છે. પાર્ટી વેરવિખેર થતી જોવા મળી રહી છે. એટલું જ નહીં એલજેપીએ હવે ચિરાગ પાસવાનની જગ્યાએ પશુપતિ પારસને લોકસભામાં પોતાના નેતા પસંદ કરી લીધા છે. 

ચિરાગ પાસવાના સાથે કોઈ વેર નથી
એલજેપીમાં ફૂટ પર બળવાખોર સાંસદ પશુપતિ પારસે સામે આવીને કહ્યું કે અમારી પાર્ટીના 6માંથી 5 ધારાસભ્યો પાર્ટીને બચાવવા માંગે છે. મે પાર્ટી તોડી નથી. તેમણે કહ્યું કે ચિરાગ પાસવાન મારો ભત્રીજો છે અને પાર્ટીનો અધ્યક્ષ છે. મારે તેમની સાથે કોઈ વેર નથી. જેડીયુમાં જવાની અટકળો પર પારસે કહ્યું કે તે ખોટુ છે. તેમણે કહ્યું કે એલજેપી મારી પાર્ટી છે અને બિહારમાં અમારું સંગઠન ખુબ મજબૂત છે. તેમણે કહ્યું કે અમે કેન્દ્રમાં એનડીએ સાથે છીએ અને આ ગઠબંધન આગળ પણ ચાલુ રહેશે. 

સાંસદોએ સ્પીકરને લખ્યો પત્ર
આ અગાઉ હાજીપુરના સાંસદ પશુપતિ પારસે જેડીયુ નેતા લલન સિંહ અને આરસીપી સિંહ સાથે મુલાકાત કરી હતી. એલજેપીના તમામ 5 સાંસદોએ પશુપતિ પારસને પોતાના નેતા માની લીધા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને તમામ પાંચ સાંસદોએ રવિવારે તેની સૂચના પણ આપી હતી. 

મળતી માહિતી મુજબ એલજેપીના સાંસદોએ ચિરાગ વિરુદ્ધ બળવો પોકાર્યો છે. જેનું એક મોટું કારણ એનડીએથી અલગ થઈને બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. બિહાર ચૂંટણીમાં પાર્ટીની દુર્દર્શા થઈ હતી અને એકલા ચૂંટણી લડવાના મોહમાં ચિરાગ પાસવાનની પાર્ટીએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો હતો. 

પાર્ટીના અનેક મોટા નેતા ચિરાગના કામથી ખુશ નથી અને તેમના નિર્ણયો સાથે પણ સહમત જોવા મળતા નથી. જે નેતાઓએ ચિરાગ વિરુદ્ધ બળવો પોકાર્યો છે તેમા પશુપતિ પારસ ઉપરાંત પ્રિન્સ રાજ, મહેબૂદ અલી કેસર, વીણા દેવી અને ચંદન સિંહના નામ આવ્યા છે.

એલજેપીમાં ફૂટ પાછળ જેડીયુ?
ચિરાગના ખુબ નીકટના સૂત્રોએ જણાવ્યું કે આ બળવા પાછળ જેડીયુ જવાબદાર છે તેમણે કહ્યું કે પાર્ટી લાંબા સમયથી એલજેપી અધ્યક્ષને અલગ થલગ કરવાની કોશિશ કરતી હતી કારણ કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતિશકુમાર વિરુદ્ધ જવાના ચિરાગના નિર્ણયથી સત્તાધારી પાર્ટીને ખુબ નુકસાન પહોંચ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે નારાજ એલજેપી સાંસદોનું જૂથ ભવિષ્યમાં જેડીયુનું સમર્થન પણ કરી શકે છે. 

કોંગ્રેસ નેતા પ્રેમ ચંદ્ર મિશ્રાએ પણ એલજેપીમાં પડેલી ફૂટ માટે બિહારમાં સત્તાધારી જેડીયુને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે જેડીયુ રાજનીતિક ભ્રષ્ટાચાર કરી રહી છે. જ્યારથી જેડીયુ બની ત્યારથી લઈને અત્યાર સુધી નીતિશકુમાર બીજા પક્ષોને તોડી રહ્યા છે. આ યોગ્ય પરંપરા નથી. તેમણે કહ્યું કે નીતિશકુમારે યાદ રાખવું જોઈએ કે ક્યારેક તેઓ પણ વિપક્ષમાં રેહશે અને આ  તેમની સાથે પણ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news