શુક્રવારે વોલમાર્ટ-ફ્લીપકાર્ટ ડિલ, FDI, ઈ-ફાર્મસીના વિરોધમાં 'ભારત બંધ'

દેશના 7 કરોડથી વધુ નાના વેપારીઓ શુક્રવારે ભારત બંધમાં ભાગ લેશે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા અપાયું છે એલાન 

શુક્રવારે વોલમાર્ટ-ફ્લીપકાર્ટ ડિલ, FDI,  ઈ-ફાર્મસીના વિરોધમાં 'ભારત બંધ'

નવી દિલ્હીઃ વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા શુક્રવારે 'ભારત બંધ'નું એલાન આપવામાં આવ્યું છે. વોલમાર્ટ દ્વારા ભારતની ફ્લીપકાર્ટને ખરીદી લેવી અને રિટેલ સેક્ટરમાં કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સીધા વિદેશી મૂડી રોકાણની મંજૂરીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "દેશના તમામ વ્યાપારી મથકો શુક્રવારે બંધ પાળશે અને કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવશે નહીં. દેશનાં લગભગ 7 કરોડ જેટલા નાના વેપારીઓ આ બંધમાં જોડાય એવી શક્યતા છે."

સંસ્થાએ જણાવ્યું કે, દિલ્હીના વેપારીઓ પણ તેમની હોલસેલ અને છૂટક દુકાનો બંધ રાખીને બંધ પાળશે. CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખાંડેવાલે જણાવ્યું કે, રિટેલ ક્ષેત્રમાં એફડીઆઈ અને વોલમાર્ટ-ફ્લીપકાર્ડ સોદાના વિરોધમાં સંસ્થા દ્વારા જંતર-મંતર ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીની સાથે-સાથે દેશભરના દરેક શહેરમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રીમંડળે છૂટક બજારમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ (FDI)ને મંજુરી આપી હતી અને સાથે જ રોકાણ માટેનાં નિયમો પણ હળવા કરાયા હતા. 

દિલ્હીમાં જે પ્રકારે સિલીંગની કાર્યવાહી કરવામાં આવે છે તેનાથી પણ દિલ્હીના વેપારીઓ નારાજ છે. આથી તેઓ સિલીંગ બધ કરવાની પણ માગણી કરી રહ્યા છે. 

આ ઉપરાંત ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) દ્વારા પણ સરકાર દ્વારા ઈ-ફાર્મસીને આપવામાં આવેલી મંજુરીનો વિરોધ કરાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ઈ-ફાર્મસીના કારણે તેમનો વ્યવસાય પડી ભાંગશે અને સાથે જ ખોટી દવાઓના વેચાણનું પણ જોખમ રહેલું છે. સંસ્થાએ જણાવ્યું કે, શુક્રવારે દવાની દુકાનો પણ ભારત બંધના એલાનમાં જોડાઈને તેમની સામે ઉભા થયેલા જોખમનો વિરોધ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news