VVIP હેલિકોપ્ટર કૌભાંડઃ વચેટિયાના વકીલે કોંગ્રેસ નેતા સાથે મુલાકાત અંગે કરી સ્પષ્ટતા
સમાચાર એજન્સી ANIના વીડિયોમાં મિશેલના વકીલ અલ્જો કે. જોસેફ કોંગ્રેસના મહાસચીવ દીપક બાવરિયા સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલના વકીલ બુધવારે સુનાવણી પુરી થયા બાદ કોંગ્રેસના વડા મથકમાં જોવા મળ્યા હતા. વીડિયો બહાર આવ્યા બાદ મિશેલના વકીલ અલ્જો કે. જોસેફે આ અંગે સ્પષ્ટતા કરી છે. જોસેફે જણાવ્યું કે, મારો વ્યવસાય અને કોંગ્રેસ પક્ષ સાથેનો સંબંધ બંને અલગ-અલગ બાબતો છે.
મિશેલના વકીલ અલ્જો કે. જોસેફે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મારા એક મિત્ર છે જેના દુબઈમાં કેટલાક કનેક્શન છે. તેના દ્વારા જ ઈટાલીના વકીલે મને આ કેસ લડવા માટે વિનંતી કરી હતી. આથી હું આ કેસ લડી રહ્યો છું અને મિશેલને મદદ કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, સમાચાર એજન્સી ANIના વીડિયોમાં મિશેલના વકીલ અલ્જો કે. જોસેફ કોંગ્રેસના મહાસચીવ દીપક બાવરિયા સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે.
જોસેફે વધુમાં જણાવ્યું કે, હું સક્રિય રીતે વકીલાત કરી રહ્યો છું અને આ મારો વ્યવસાય છે. મિશેલના કેસમાં પણ હું મારા વ્યવસાયની ફરજના ભાગ રૂપે રજૂ થયો હતો. જો કોઈ મને મારા ક્લાયન્ટ માટે હાજર રહેવાનું કહેશે તો એક વકીલ તરીકે હું મારી ફરજનું પાલન કરીશ. તેમણે જણાવ્યું કે, આ બાબતને કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી.
એક અન્ય સવાલના જવાબમાં જોસેફે જણાવ્યું કે, તેમની પાસે ઈન્ડિયન યુથ કોંગ્રેસ લીગલ વિંગમાં પ્રભારી પદની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલના વકીલ બુધવારે કોર્ટમાં સુનાવણી પુરી બાદ કોંગ્રેસના મુખ્યાલયમાં જોવા મળ્યા હતા. સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં મિશેલના વકીલ એલ્જો જોસેફ કોંગ્રેસના મહાસચિવ દીપક બાવરિયા સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે.
#WATCH: Lawyer of #ChristianMichel, Aljo K Joseph meets Congress General Secretary Deepak Babaria at Congress Headquarters, Delhi. pic.twitter.com/qgCmzTg9ul
— ANI (@ANI) December 5, 2018
યુપીએ શાસનકાળ દરમિયાન રૂ. 3600 કરોડની કિંમતના 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ (57)ને મંગળવારે મોડી રાત્રે દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલને બુધવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો જ્યાં તેને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન CBIના વકીલે દલીલ કરી હતી કે, "આ કેસમાં હજુ તપાસ ચાલુ છે. અમે આ કેસમાં તેમની કસ્ટડી માગીએ છીએ, કેમ કે દુબઈ આધારિત બે એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાયા હતા."
સામે પક્ષે મિશેલ દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. CBIની વિશેષ અદાલતે તેની અરજીને આગામી સુનાવણી પર પડતી રાખીને 5 દિવસી CBI કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જોકે, સીબીઆઈની અદાલતે તેના વકીલને સવારે એક કલાક અને સાંજે એક કલાક મુલાકાત કરવા માટે મંજૂરી આપી છે.
સીબીઆઈના સૂત્રો અનુસાર પુછપરછ દરમિયાન મિશેલે ગભરામણની ફરિયાદ કરી હતી. આથી તેને તાત્કાલિક દવાઓ આપવામાં આી હતી.
કોણ છે ક્રિશ્ચન મિશેલ
સીબીઆઈના અનુસાર મિશેલ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સનો 'ઐતિહાસિક સલાહકાર' છે, જેને હેલિકોપ્ટર, સૈનિક થાણાઓ અને પાઈલટોની ટેક્નીકલ સંચાલનની માહિતી હતી. મિશેલ 1980ના દાયકાથી જ કંપની સાથે કામ કરતો હતો. આ અગાઉ તેના પિતા પણ ભારતીય ક્ષેત્રની કંપનીના સલાહકાર રહી ચૂક્યા છે.
એજન્સીએ જણાવ્યું કે, કથિત રીતે તે વારંવાર ભારત આવતો રહેતો હતો અને ભારતીય વાયુસેના તથા સંરક્ષણ મંત્રાલયમાં નિવૃત્ત તથા વર્તમાન અધિકારીઓ સહિત વિવિધ સ્તરનાં સૂત્રોના એક મોટા નેટવર્ક દ્વારા સંરક્ષણ ક્ષેત્રની ખરીદીમાં વચેટિયાની ભૂમિકા ભજવતો હતો.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ગોટાળામાં અગસ્તા વેસ્ટલેન્ડને કોન્ટ્રાક્ટ અપાવામાં અને ભારતીય અધિકારીઓને ગેરકાયદે રીતે કમિશન કે લાંચ ચૂકવવામાં વચેટિયા તરીકેની મિશેલની ભૂમિકા 2012માં બહાર આવી હતી.
નવી દિલ્હીના પટિયાલા હાઉસમાં સીબીઆઈની બાબતોનાં નિષ્ણાત ન્યાયાધિશે 24 ડિસેમ્બર, 2015ની તારીખે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું હતું. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો અને તપાસમાં ભાગ લેવાથી ભાગતો ફરતો હતો. તેની સામે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. સીબીઆઈના અનુસાર આ વોરન્ટના આધારે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. ત્યાર બાદ તેને ફેબ્રુઆરી, 2017માં દુબઈ એરપોર્ટ પર પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારથી તે દુબઈ સરકાર પાસે હતો.
મિશેલ દુબઈમાં તેની ધરપકડ બાદ જેલમાં હતો અને તેને યુએઈમાં કાયદાકિય અને ન્યાયિક કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી કસ્ટડિમાં મોકલી દેવાયો હતો. દુબઈની કોર્ટ ઓફ કેસેશને મિશેલના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી બે વાંધા અરજીઓને ફગાવી દીધી હતી અને ભારતના અધિકારીઓ સાથે તેના પ્રત્યાર્પણ અંગેની સંભાવના પર નીચલી અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે