2019માં બદલાઈ જશે તમારી જીવનશૈલી, 5Gથી માંડીને ફોલ્ડેબલ સ્માર્ટફોન આવશે બજારમાં
નવું કેલેન્ડર વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આગામી વર્ષમાં ટેક્નોલોજીના ક્ષેત્રે અનેક ક્રાંતિકારી પરિવર્તન પણ આવવાના છે, જે તમારી જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દેશે
Trending Photos
નવી દિલ્હીઃ નવું કેલેન્ડર વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આગામી વર્ષમાં ટેક્નોલોજીના ક્ષેત્રે અનેક ક્રાંતિકારી પરિવર્તન પણ આવવાના છે, જે તમારી જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દેશે. 2019ના વર્ષમાં 5G સેવાઓ શરૂ થઈ જશે તો ઈસરો 4 નવા સેટેલાઈટ લોન્ચ કરવાનું છે, જેના કારણે મોબાઈલમાં 100 GBPSની સ્પીડ મળતી થઈ જશે.
વર્ષ 2019ના જૂન મહિના સુધીમાં અમેરિકામાં સંદેશાવ્યવહાર માટેની 5G (Fifth Generation) સેવા શરૂ થઈ જવાની સંભાવના છે. તેની સાથે જ દ.કોરિયા, જાપાન અને ચીન પણ 5G શરૂ કરવાની પુરતી તૈયારી કરી ચૂક્યા છે. આ તમામ દેશોમાં આ પ્રોજેક્ટ પર અત્યંત ઝડપથી કામ ચાલી રહ્યું છે. જોકે, ભારતમાં તમારે 5G માટે 2022 સુધી રાહ જોવી પડશે. 5G સેવા એટલી ઝડપી હશે કે તમે બફરિંગ શબ્દ જ ભુલી જશો.
સંદેશાવ્યવહારમાં અત્યારે તમે જે નેટવર્ક ગાયબ થઈ જવાની કે કોલ ડ્રોપ જેવી સમસ્યાની ફરિયાદો કરો છો એ બધું જ જોવા નહીં મળે. આ કારણે જ, 5G સેવા શરૂ થાય એ પહેલાં જ મોબાઈલ કંપનીઓએ પણ તૈયારી શરૂ કરી દીધી છે અને 2019માં જે નવા સ્માર્ટ ફોન લોન્ચ થવાના છે એ તમામમાં તમને 5G સુવિધા મળશે.
ફોલ્ડેબલ સ્માર્ટ ફોન
વર્ષ 2019માં ટેક્નોલોજીની દુનિયામાં અત્યંત ઝડપથી પરિવર્તન જોવા મળશે. આ વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ બજારમાં આવી જવાની સંભાવના છે. એટલ કે એક એવો સ્માર્ટફોન જેને તમે રૂમાલની જેમ વાળીને તમારા ખિસ્સામાં અનુકૂળ જગ્યાએ મુકી શકશો. સેમસંગ તેની એક ઝલક દેખાડી ચૂક્યું છે અને માઈક્રોસોફ્ટ પણ આ અંગે તૈયારી કરી રહ્યું છે. આ ફોનની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે તમે તેનો જરૂર પડે ત્યારે ટેબલેટની જેમ પણ અને મોટી સ્ક્રીન તરીકે પણ ઉપયોગ કરી શકશો.
ઈસરો પણ ઈન્ટરનેટ ક્ષેત્રે લાવશે ક્રાંતિ
દુનિયામાં જે ઝડપે ઈન્ટરનેટ ક્ષેત્રે કામ ચાલી રહ્યું છે તેને જોતાં આપણી સંસ્થા ઈસરો પણ શા માટે પાછળ રહી જાય. ઈસરો 2019માં ચાર સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ભારતમાં ઈન્ટરનેટની દુનિયામાં નવી ક્રાંતિ આવશે. એટલે કે તમને મોબાઈલ પર 100 GBPSની સ્પીડ મળી જશે.
આ દિશામાં ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોર એલન મસ્ક પણ કામ કરી રહ્યો છે. તેમની કંપની સ્પેસ એક્સ આવો એક સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે, જેનાથી આફ્રીકા સહિત દુનિયાના એવા દેશોમાં ઈન્ટરનેટ પહોંચી જશે જ્યાં અત્યારે આ સુવિધા ઓછી છે અથવા તો નથી.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
અત્યારે દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર જોરશોરથી કામ ચાલી રહ્યું છે. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી તેની ચર્ચા છે, પરંતુ હવે તેને રિયલ લાઈફમાં પણ અમલમાં મુકવામાં આવી રહ્યું છે. જોકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવવાથી લોકો માટે રોજગારની તકો સમાપ્ત થઈ જશે. જોકે, એક રિપોર્ટ એવું કહે છે કે, 2020 સુધીમાં ઓટોમેશન (એટલે કે ઓટોમેટિક કામ કરતા મશીન)ને કારણે 2.3 કરોડ કરતાં વધુ નવી રોજગારની તકો સર્જાશે.
ઉલ્લેખનીય છે કે, ચીનની જાણીતી ઓનલાઈન શોપિંગ કંપની અલીબાબાએ તાજેતરમાં જ ચીનના એક શહેરમાં સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરતી એક હોટલ શરૂ કરી દીધી છે. જેમાં તમામ કામ રોબોટની પાસે લેવામાં આવે છે. તમારે માત્ર આદેશ જ આપવાનો રહે છે.
સાઈબર સિક્યોરિટીનું જોખમ પણ વધ્યું
જેમ-જેમ ઈન્ટરનેટનો વ્યાપ વધતો જઈ રહ્યો છે તેમ-તેમ સાઈબર સિક્યોરિટીનું જોખમ પણ વધતું જઈ રહ્યું છે. ચાલુ વર્ષે ફેસબુકનો ડેટા બ્રિચ ચર્ચામાં રહ્યો હતો. ટેક્નોલોજી એક્સપર્ટનું માનવું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેટલું પ્રભાવી બનશે, સાઈબર સિક્યોરિટીનું જોખમ પણ એટલું જ વધી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે