કેવા પરિવારો સામૂહિક આત્મહત્યાના વિચાર કરે છે? મનમાં આત્મહત્યાના વિચાર આવે તો સૌથી પહેલા કરો આ કામ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :જવાબ માંગે છે જીંદગી કે મને અકાળે કેમ બુજાવો છો? આપણે માત્ર શરીરની અને સમાજની જરૂરિયાતને મહત્વ આપ્યું પણ મનની જરૂરિયાતને વંચિત રાખી પરિણામ સામે આવ્યું કે માણસ વગર મોતે મોતને નોતરવા બેઠો. દર વર્ષે 10 સપ્ટેમ્બરને સુસાઇડ પ્રિવેન્શન ડે (World Suicide Prevention Day) તરીકે ઉજવવામાં આવે છે. આવામાં આત્મહત્યા (Suicide) ના વિચાર આવે તો શું કરવુ જોઈએ તે વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના ડો. યોગેશ જોગાસણે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવે ત્યારે આવી રીતે પોતાની જાતને મદદ કરવી જોઈએ.
1. કોઈ સાથે વાત કરો
કોઈ સાથે પોતાની લાગણીઓને શેર કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. અને તેના પર જેટલું વધુ જોર આપવામાં આવે એટલું વધારે ફાયદાકારક છે. કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માટે તેને પ્રેમ, સ્નેહ, હૂંફ અને સાથ- સહકારની જરૂર હોય છે. જો તમે દુઃખી હોય અને આત્મહત્યાના વિચાર આવે ત્યારે પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં રાખવાની જીદ છોડી અન્યની મદદ લેવી. જેમ કે પોતાના મિત્ર, પરિવારજન, નજીકના સગાઓની મદદ લેવી ઉચિત છે. છત્તા વધુ પડતા વિચાર આવે ત્યારે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી આવશ્યક છે. આત્મહત્યાના વિચાર ધરાવનાર વ્યક્તિ મનોસ્થિતિ સમજવામાં અસમર્થ હોય છે.
2. એકલા બિલકુલ ન રહો
આજના સમયમાં મોટાભાગના યુવાનો શહેરમાં પરિવારથી દૂર એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે આત્મઘાતી વિચારો આવે તો થોડા સમય માટે કોઈને સાથે રહેવા બોલાવી લો. અનુકૂળ હોય તો કોઈ મિત્રને પોતાની સાથે રાખો અથવા તો માતાપિતાની પાસે જતા રહો. આ બંનેમાંથી એકપણ સંભવ નથી તો કોઈ પાલતું પ્રાણીને ઘરે કાઈ આવો કોઈની હાજરી તમને ઘણા ખોટા કામ કરવાથી રોકી શકે છે.
3. થેરાપી અને ઉપચાર લો
જો તમને અનુભવ થાય કે, મનમાં એવા વિચાર આવે છે તો કોગ્નિટિવ બિહેવીયર થેરાપી લો. અને મોટાભાગે થેરાપીસ્ટ આ પ્રકારની થેરાપી આપતા હોય છે અને દવા પણ આપતા હોય છે. અને દવા લેવાનું બિલકુલ ન છોડો. સારું મહેસૂસ થતું હોય છત્તા દવા લેવાનું ચાલુ જ રાખો.
4. ખતરાના સંકેટનું ધ્યાન રાખો
મનોવૈજ્ઞાનિક તમને જણાવશે કે તમારા વર્તન માટે શું સારું અને અને શુ ખતરનાક છે. માટે એ ખતરાના ચિહ્નનું ધ્યાન રાખો. તમારા પરિવાર અને મિત્રોને તે ખતરરૂપ ચિહ્નથી વાફેક કરો. જેથી તે તમારી વ્યથિત મનોસ્થિતિ દરમિયાન પર નજર રાખી શકે. મહત્વપૂર્ણ બાબત કે થેરાપી લેવાનું ચાલુ રાખવું ક્યારેય એકપણ સેશનને છોડવું નહિ. અને જ્યાં સુધી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી. થેરાપી ચાલુ રાખો.
5. ખતરારૂપ દરેક ચીજવસ્તુને ઘરમાંથી દૂર કરો જેથી અચાનક કોઈ ખોટું પગલું ન ઉઠવાય જાય. માટે ઘરમાંથી તે દરેક વસ્તુ કે જે ખતરારૂપ હોય જેમ કે, ચાકુ, બ્લેડ, બંદૂક, ખતરનાક દવાઓ વગેરેને ઘરમાં ન રાખો. કાઉન્સેલિંગ સેન્ટર અથવા નેશનલ સ્યુસાઇડ પ્રિવેંશન લાઇફલાઈનના ફોન નંબર પોતાના ફોનમાં સેવ કરીને રાખો. જ્યારે જરૂર લાગે ત્યારે તેનો ઝડપથી ઉપયોગ કરો.
જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?
- સૌપ્રથમ તો આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
- વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ દૂર કરવામાં પુરતો રસ છે.
- આપઘાતના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બીમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.
- વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.તે કઇ રીતે આત્મહત્યાનો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
- જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
- તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે, પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
જેને આત્મહત્યાના વિચાર આવે છે તેમના માટે અગત્યના ધ્રુવતારક આ રહ્યા
સ્વની શોધ
તમારા સંરક્ષણાત્મક નકાબ હટાવી તમે જેટલા ખુદને વધુ સમજી શકો તેટલો તમારા જીવનનો અર્થ તમને વધુ સમજાશે.
પસંદગી
તમારા જીવનની પરિસ્થિતિઓમાં તમે જેટલા વધુ વિકલ્પો જોઈ શકશો, તેટલો વધુ જીવનનો અર્થ તમને સ્પષ્ટ થશે/સમજાશે.
અનન્યતા
તમારા જીવનનો સાચો અર્થ એવી પરિસ્થિતિઓમાંથી તમને મળશે, જ્યાં તમારી જગ્યા સહેલાઈથી કોઈ લઈ શકતું નથી.
જવાબદારી
જ્યાં તમારી પાસે વિકલ્પો છે અને પસંદગીની સ્વતંત્રતા છે ત્યાં તમે જવાબદારીપૂર્વક પસંદગી કરો (જ્યાં સંજોગો અનિવાર્ય, અપરિવર્તનશીલ હોય ત્યાં જવાબદારી ન લેવાની પસંદગી કરો) તો તમારા જીવનનો અર્થ તમે વધુ સારી રીતે શોધી શકશો.
સ્વને ઓળંગવું
જ્યારે તમે તમારા અહમને ઓળંગીને તમારા સ્વની મર્યાદાઓની પેલે પાર જઈ પસંદગી કરો છો ત્યારે તમને જીવનનો અર્થ મળે છે. અને છતાં આ સહેલું નથી. વિક્ટર ફ્રેન્કલની સલાહ આ રહી તમારું જીવન શું માગે છે તે ધ્યાનથી સાંભળો, અંતરાત્માનો અવાજ સાંભળો, વિચારો ધીરજ રાખો, જવાબદારી લેતા રહો, એક દિવસ જીવનનો અર્થ તમને જરૂર સમજાશે.
સામુહિક આત્મહત્યા પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ
- અનિચ્છનીય માનસિક તણાવ
સ્વસ્થ દબાણ એટલે જેમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા પ્રેરાય છે. પરંતુ અસ્વસ્થ દબાણમાં વ્યક્તિ સમાજથી દૂર ભાગે છે. અહી વ્યક્તિ સામે સમાજ અથવા જૂથ એવી પરિસ્થિતિઓ બનાવે છે. જે વ્યક્તિનું સામૂહિક જીવન ઉથલાવી નાખે છે અને વ્યક્તિ વિચારવાનું શરૂ કરે છે કે તેની પાસે આખા વિશ્વમાં કોઈ નથી અથવા સમાજ વ્યક્તિને પોતાને અથવા તેના પરિવારજનો ને હેરાન પરેશાન કરશે. જો તેની પોતાની અલગ ઓળખ ન હોય તો તે વ્યક્તિ સમાજની ઇચ્છા પ્રમાણે વર્તન કરે છે. તે વ્યક્તિ પર સમાજનું અનિચ્છનીય દબાણ આવે છે. તે અનિચ્છનીય દબાણને કારણે જ વ્યક્તિ સામુહિક આત્મહત્યા કરે છે.
એક વ્યક્તિ જેનો પોતાનો પરિવાર છે. તેની પત્ની, બાળકો, માતાપિતા પરિવારમાં છે, જે તેને પ્રેમ કરે છે. આખો દિવસ કામ કર્યા પછી, તે ઘર તરફ દોડે છે. કારણ કે તેની પત્ની તેની દેખરેખ રાખે છે, બાળકો તેને પ્રેમ કરે છે, માતાપિતા તેને સ્નેહ આપે છે. આ પરિસ્થિતિ તેના જીવનને આનંદપ્રદ બનાવે છે. આવી સ્થિતિમાં કોઈ આત્મહત્યા કરશે નહીં. પરંતુ જો તેને તેના પરિવારના સભ્યો તરફથી પ્રેમ, સ્નેહ, બલિદાન વગેરે ન મળે, તો તે નાખુશ થઈ જાય છે. તે આખી દુનિયામાં પોતાને એકલા માને છે. તે એકલતા, હતાશા, નાખુશ અને અસંતોષની લાગણીથી પીડાય છે અને આત્મહત્યા કરે છે. સાથે એક ચિંતા જો પોતાનું મૃત્યુ થશે તો પરિવારજનો કેમ જીવશે અથવા કોઈ તેને હેરાન કરશે તો શું થશે? એ કારણે તે સામુહિક આત્મહત્યા કરવા દોરાય છે.
- વ્યસ્ત જીવનશૈલી
આજની જીવનશૈલી તનાવપૂર્ણ બની ગઈ છે. લોકો પાસે અતિશય કામ હોય છે અને તે યોગ્ય આરામ કરી શકતા નથી. આવા પરિવારોની સંખ્યા ખૂબ મોટી છે, જ્યાં શાંતિ નથી. ઘરનું વાતાવરણ ખરાબ છે. આ સ્થિતિ વ્યક્તિને ત્રાસદાયક પરિસ્થિતિમાં આત્મઘાતી વિચારધારા વિકસાવવામાં મદદ કરે છે. સાથે તેને એવી પણ માનસિકતા બંધાય છે કે હું જ શા માટે મૃત્યુ વ્હાલું કરું? મારા પરિવારને જ મારા માટે સમય નથી જેની લીધે હું હેરાન થાવ છું જે સામુહિક આત્મહત્યા કરવા દોરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે