સાવધાન: શું તમે ભેળસેળયુક્ત વસ્તુ ખાઇ રહ્યા છો? આ રીતે ઘરે જ કરો ચકાસણી

આપણે ત્યાં એક જૂની કહેવત છે કે, અન્ન તેવો ઓડકાર. આપણું સ્વાસ્થ્ય, શારિરીક અને માનસિક શક્તિ આપણે કેવો ખોરાક લઈએ છે તેના પર આધાર રાખે છે. એક સારુ જીવન જીવવા માટે સ્વાસ્થ્ય સારુ હોવું અનિવાર્ય છે. અને તેના માટે ગુણવત્તાયુક્ત ખોરાક લેવો જરૂરી છે. પરંતુ અત્યારનાં જમાનામાં મળતા ખાદ્ય પદાર્થોમાં થોડા ઘણા અંશે ભેળસેળ રહેલી હોય છે. આ ભેળસેળને જો આપણે સમયસર ઓળખી લઈએ તો સ્વાસ્થ્યને થતા નુકસાનમાંથી બચાવી શકાય છે.

સાવધાન: શું તમે ભેળસેળયુક્ત વસ્તુ ખાઇ રહ્યા છો? આ રીતે ઘરે જ કરો ચકાસણી

મોનાલી સોની, અમદાવાદઃ આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ચોખ્ખી મળવી મુશ્કેલ છે. ફળ, શાકભાજી, અનાજ, મસાલામાં ભેળસેળ થતી હોય છે. આવી રોજિંદા વપરાશની ચીજવસ્તુ બનાવટથી માંડીને આપણા ઘરમાં પહોંચે ત્યાં સુધી થોડાઘણા અંશે કંઈકને કંઈક ભેળસેળ થતી હોય છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં અથવા તો તેની બનાવટમાં થતી ભેળસેળને રોકવી આપણાં હાથમાં નથી. પરંતુ જો સમયસર થયેલી ભેળસેળને ઓળખી લઈએ, તો મોટાભાગના નુકસાનમાંથી બચી શકાય તેમ હોય છે. તો અહીં આપના માટે અમે કેટલીક વસ્તુઓના ઉદાહરણ પણ દર્શાવ્યાં છેકે, તેમાં થયેલી ભેળસેળને કઈ રીતે ઓળખી શકાય છે.

દૂધમાં ભેળસેળ
વડીલોનું માનવું છે કે, દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધથી વધુ પૌષ્ટિક ખોરાક બીજુ કશું છે જ નહીં. પરંતુ શું તમે જાણો છો કે, દૂધ એ એક એવુ કુદરતી ખાદ્ય પદાર્થ છે કે જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક હોંશિયાર લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોની ભેળસેળ કરે છે. જેનાથી દૂધમાં ચકાસણી કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ જો થોડી કાળજી રાખવામાં આવે, તો ભેળસેળવાળા દૂધના સેવનથી બચી શકાય છે.

નુકસાન
દરરોજ વપરાશમાં લેવાતા દૂધમાં મુખ્યત્વે બે પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે. કેટલાક ઉત્પાદકો વધુ પૈસા કમાવવાની લાલચે દૂધના ફેટ વધુ બતાવવા ખાંડ, મીઠું જેવા પદાર્થ નાંખે છે. જ્યારે કેટલાક ઉત્પાદકો ઓછા પૈસે સારો નફો કમાવવા માટે થોડા પ્રમાણમાં દૂધ લઈ તેમાં યુરિયા ખાતર, તેલ સાથે પાણી મિશ્રિત કરી દૂધ બનાવે છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. કેટલીક જગ્યાએ દૂધમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ, ડિટર્જન્ટ, કોસ્ટીક સોડા, મેલામાઇન, સ્ટાર્ચ  મિશ્રિત કરે છે. આ પ્રકારનું દૂધ પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે. પેટ અને ચામડીના દર્દો પેદા કરી શકે છે. આ સિવાય દૂધને ઝડપથી બગડતુ અટકાવવા માટે ફોર્મલિન નામનું રસાયણ ઉમેરવામાં આવે છે. 

ઓળખ
દૂધ ચોખ્ખુ છે કે કેમ, તેની સરળ તપાસ કરવા માટે ચિકણી લાકડી કે પત્થરની સપાટી પર દૂધનાં એક-બે ટીપા ટપકાવો. જો દૂધ વહેતાની સાથે જ નીચેની તરફ પડે અને સફેદ ધાર જેવુ બને તો દૂધ શુદ્ધ છે. દૂધમાં ડિટર્જનની ઓળખ કરવા માટે તેને કાચની બોટલમાં ભરીને જોરથી હલાવો. જો દૂધમાં ફીણ વધુ સમય સુધી બનેલા રહે, તો દૂધમાં ભેળસેળ છે. સલી દૂધ સ્વાદમાં સહેજ ગળ્યું હોય છે જ્યારે નકલી દૂધ પાઉડરના કારણે કડવા જેવું લાગે છે. આ સિવાય દૂધને ઓળખવાનો સીધો અને સરળ ઉપાય, હાથમાં દૂધના થોડા ટીપાં લો અને પછી તમારા હાથને એકસાથે ઘસો. જો તમારું દૂધ શુદ્ધ છે તો તમારા હાથ લુબ્રિકેટ થશે.

અનાજમાં ભેળસેળ
અનાજને પોષકતત્વોનો ભંડાર કહેવામાં આવે છે. ઘઉં, ચોખા, બાજરી, દાળ, ગોળમાં શરીરને જરૂરી એવા અલગ-અલગ પોષકતત્વો હોય છે. પરંતુ ઘણીવાર સારો નફો કમાવવાની લાલચે કેટલાક લેભાગુ તત્વો અનાજમાં પણ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે.

નુકસાન
ભેળસેળવાળા ખાદ્યપદાર્થો ભોજનમાં લેવાથી માનવીના આરોગ્ય પર લાંબા ગાળે ગંભીર આડઅસર થાય છે. ભેળસેળવાળા ભોજનથી ખાસ કરીને પેટને લગતા રોગો થાય છે. ઉપરાંત લિવર અને કિડનીને પણ અસર થાય છે. અનાજમાં જે રાસાયણિક ખાતરો વધુ પડતા હોય છે તેનાથી પાચનશક્તિ બગડે છે. જંતુનાશકોનો ઓવરડોઝથી આંતરડાને નુકસાન થાય છે. ક્યારેક તો કેન્સર જેવી બિમારી થવાનો પણ ખતરો રહે છે.

ઓળખ
ઘઉંમાં ભેળસેળ છે કે, નહીં તેની ખાતરી કરવા માટે પાણી ભરેલા કાચનાં ગ્લાસમાં ભૂસાની ભેળસેળ હશે, તો પાણીની સપાટી પર તરવા લાગશે. ચોખાની શુદ્ધતા ચકાસવા માટે તેના પર ભીના ચુનાનાં પાણીનો છંટકાવ કરો. જો ચોખામાં ભેળસેળ હશે, તો તેનો રંગ લાલ થઈ જશે. રાગી પર કુત્રિમ રંગની ઓળખ કરવા માટે એક પાણીમાં અથવા તેલમાં બોળેલુ રૂ લો. રૂને રાગીની ઉપર રાખીને ઘસો. જો રૂમાં રંગ ચોંટે તો સમજજો કે, તે ભેળસેળવાળુ છે. શુદ્ધ મરી પાણીની અંદર બેસી જાય છે. જ્યારે ભેળસેળવાળા પાણીની સપાટી પર તરે છે. આ સિવાય ચુંબકની મદદથી ચાની ભૂકીમાં લોખંડના ભૂકાની તપાસ કરી શકાય. કેસરમાં મકાઈના રેસાની ભેળસેળ કરવામાં આવે છે. શુદ્ધ કેસરનાં તાંતણા સરળતાથી તૂટી નથી શકતા. અને દૂધ કે પાણીમાં પલાળતાં તાંતણામાંથી છેક સુધી રંગ છૂટો પડે છે.

મસાલામાં ભેળસેળ
મસાલાને રસોઈની સોડમ માનવામાં આવે છે. મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. મસાલા વગર 56 પકવાન પણ ફિક્કા લાગે છે. જોકે, સ્વાદના રસિયાઓને કદાચ એ ખબર નહીં હોય કે, મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે. જેના પગલે બારેમાસનો સ્ટોક ભરતી પહેલા ગૃહિણીઓએ એ વાતની ચોકસાઈ કરી લેવી જોઈએ, કે મસાલામાં કોઈ ભેળસેળ તો નથી થઈને? હળદર, મરચામાં અને ધાણાજીરૂમાં થોડી વધુ માત્રામાં કલરની ભેળસેળ કરવામાં આવે છે. આવી ભેળસેળ આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. આ સિવાય કેસર, એલચી, તજ, મરી જવા તેજાના પણ ભેળસેળ થવાથી બાકાત નથી. 

નુકસાન
મરચામાં નરી આંખે પણ ન દેખાય તે રીતે ભેળસેળ કરવામાં આવે છે. અગાઉ મરચામાં લાકડાનો વેર તથા ઓઈલ સોલ્યુશન કલર નાંખી ભેળસેળ કરવામાં આવતી હતી. હવે, ‘કવોલિટી મિશ્રણ’થી ભેળસેળ કરવાની નવી ટ્રીક માર્કેટમાં આવી છે. સારી બ્રાન્ડનાં મરચામાં લોકલ મરચાની ભૂકી મિક્સ કરવામાં આવે છે. હળદરમાં પણ ભેળસેળ થાય છે. હળદરને દળી નાંખ્યા બાદ તેમાં માપસર ચોખાનો લોટ ભેળવી દેવામાં આવે છે. બાદમાં તેમા ફૂડ કલર મિશ્રણ કરી નાખવામાં આવે છે. મસાલામાં કરવામાં આવતી ભેળસેળમાં જીરૂ અને રાઈ કુરિયા પણ બાકાત નથી. જીરૂમાં વરીયાળી તથા તેની સાથે શંખજીરૂની મિલાવટ કરવામા આવે છે. કુરિયામાં હલકી નિમ્ન કક્ષાની હળદરનો ઉપયોગ થાય છે અને ગરમ મસાલામાં સૌથી વધારે રાઈની ભેળસેળ થતી હોય છે.

ઓળખ
હળદરના પાઉડરને હથેળીમાં લઇ તેમા એકાદ ટીપુ પાણી નાંખી આંગળીથી મસળી બાદમાં હાથ સાબુથી ધોઇ નાખવો. હાથ ધોવા છતાં પીળાશ રહી ગઇ હોય તો ભેળસેળ રહિત અથવા તો ઓછા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું માની શકાય. જ્યારે મરચાની ભૂક્કી એક ચપટી ભરી મોંમા મુક્તાની સાથે જ વધુ પડતી તીખાશ લાગે તો સમજી લેવુ કે તેમાં ડીંટિયાનો ભૂક્કો દળીને મિક્સ કરવામાં આવે, તો મરચામાં ભેળસેળ થયેલી હોય છે. આ સિવાય પાણી ભરેલા ગ્લાસમાં મરચાની ભૂક્કી નાંખવામાં આવે અને ઉપરના ભાગે પાણી લાલ થઈ જાય તો સમજી જજો કે, મરચામાં કલરની ભેળસેળ થયેલી છે. હીંગની શુદ્ધતા જાણવા માટે અંગાળી પર લઈને સ્મેલ કરવી. શુદ્ધ હિંગની સ્મેલ વધુ આવે છે. ભેળસેળ વિનાના કાળામરી પાણી ભરેલા કાચના ગ્લાસમાં તરવા લાગશે. ભેળસેળ વગરનાં તજ સ્વાદમાં તીખા લાગે છે. જ્યારે ભેળસેળવાળામાં સહેજ મીઠાશ આવે છે. શુદ્ધ કેસરને પાણીમાં નાંખતાની સાથે જ ઓગળીને રંગીન અથવા તો સુગંધિત પાણીમાં ફેરવાઈ જાય છે.

મધમાં ભેળસેળ
મધ કુદરતે આપેલી અણમોલ ભેટ છે. બોડીને ફીટ રાખવુ હોય કે બાળકને ગળથૂથી આપવી હોય સૌથી પહેલા મધ જ યાદ આવે. શુદ્ધ મધ ચરબી અને કોલેસ્ટેરોલ મુક્ત હોય છે. મધ મિનરલ્સ, એન્ઝાઈમ્સ જેવા પોષકતત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મધનાં આવા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે મધ શુદ્ધ એટલે કે સો ટચના સોના જેવુ ચોખ્ખુ હોય. શુદ્ધ મધની કિંમત બજારમાં થોડી વધુ હોય છે, જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો મધમાં થોડી ભેળસેળ કરીને સસ્તામાં ચોખ્ખુ મધ આપવાના દાવા કરતા હોય છે.

નુકસાન
બજારમાં મળતાં મધમાં તમને ગોળ, ખાંડની ચાસણી અથવા ખાંડનું પાણી ભેળવેલ જોવા મળશે. આવુ ભેળસેળયુક્ત મધ ડાયાબિટિસનાં દર્દીઓ માટે નુકસાનકારક હોય છે. આ સિવાય નકલી મધમાં ગ્લૂકોઝથી પણ વધારે ફ્રક્ટોઝ હોય છે. જેને બોડી સરળતાથી એબ્સોર્બ ન કરી શકવાથી ડાયેરિયાની સંભાવના રહે છે.

ઓળખ
શુદ્ધ મધ ઠંડીના દિવસોમાં જામી જાય છે, અને ગરમીના દિવસોમાં ઓગળવા લાગે છે. આ સિવાય એક વાટકી પાણીમાં મધના ટીપા નાંખો. જો પાણીમાં મધ ટકી રહે તો, તે અસલી છે. અને જો મધ પ્રસરી જાય તો, સમજી જજો કે, મધ નકલી છે. આ સિવાય તમે રૂની દિવેટ બનાવીને તેને મધમાં ડૂબાડીને સળગાવો. જો દિવેટ સળગતી રહે, તો મધ અણીશુદ્ધ છે. એક કોટન અથવા સુતરાઉ કપડા પર મધના ટીપા મૂકો. ચોખ્ખુ મધ કપડા પર ચોંટતુ નથી. કાગળ પર શુદ્ધ મધનાં ડાઘ નથી પડતા. 

સફરજનમાં ભેળસેળ
સફરજન માટે કહેવામાં આવે છે કે, જો તમે એક સફરજન દરરોજ ખાઓ, તો તમારે ક્યારેય ડૉક્ટર પાસે નહીં જવુ પડે. ફળોના રાજા કહેવાતા સફરજનમાં મોટાપ્રમાણમાં ભેળસેળ થાય છે. સફરજનને લાંબા સમય સુધી સારા રાખવા માટે તેના પર વેક્સ એટલે કે મીણની પોલીશ કરવામાં આવે છે. જેથી તે દેખાવમાં આકર્ષક અને ચમકદાર લાગે. આ મીણનું પડ એટલી ચાલાકીથી લગાડવામાં આવે છે કે તે નરી આંખે જોઈ નથી શકાતું.

નુકસાન
સફરજ પર લાગેલી મીણ એકવાર પાણીથી ઘોવાથી સાફ નથી કરી શકાતી. તેના પર લગાવેલી મીણની પોલીશનાં કારણે સફરજનનાં ઈન્ટર્નલ ઓર્ગન્સ જમા થઈ જાય છે, જે સફરજનનાં પોષકતત્વોની અસરને ઓછા કરી દે છે. હકીકતમાં સફરજન પર લગાવાતું વેક્સનું લેયર ગેરકાયદેસર નથી. કેટલાક ફુડ ગ્રેડ વેક્સને FSSAIએ માન્યતા આપેલી હોય છે. અને તેને શરીર માટે નુકસાનકારક માનવામાં નથી આવતા. પરંતુ તેનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવુ જરૂરી છે. જો પ્રમાણમાં વધારો કરવામાં આવે તો, નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

ઓળખ
સફરજન પરથી વેક્સ નીકાળવાની સરળ રીત તેની છાલને ચપ્પાની મદદથી ધીમે ધીમે કોતરીને વેક્સ દૂર કરી શકાય છે. બીજી રીત પ્રમાણે પાણીમાં લીંબુ ઉમેરીને તે પાણીથી સફરજનને બરાબર ઘસીને મીણનું પડ સાફ કરવામાં આવે છે. આ સિવાય ગરમ પાણીમાં વિનેગર ઉમેરીને પણ સફરજનપરથી મીણ દૂર કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news