Health : હવે તમારા આરોગ્યની તમામ ચાવી આવી ગઈ છે તમારા કાંડામાં

લેબોરેટરીમાં વારંવાર રિપોર્ટ કરાવા માટે દોડવાની જરૂર નથી, તમારા શરીરમાં થઈ રહેલી ગરબડ વચ્ચે તમને ચેતવણી આપશે કાંડામાં પહેરેલી સ્માર્ટ વોચ 

Health : હવે તમારા આરોગ્યની તમામ ચાવી આવી ગઈ છે તમારા કાંડામાં

લંડનઃ આજની આધુનિક અને અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિને તેના આરોગ્યની ચિંતા રહે છે. બેઠાડુ જીવનશૈલીને કારણે શરીરમાં જાત-જાતના રોગો જોવા મળે છે. જંકફૂડને કારણે મેદસ્વીતા વધી ગઈ છે. તેનાથી લોકોમાં હૃદયરોગ અને હાઈ-બ્લડપ્રેશર જેવા રોગો તો સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ડાયાબિટીસ પણ સૌથી સામાન્ય બિમારી બની ગઈ છે. આ બધાના કારણે લોકોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા સતત સતાવતી રહે છે. 

જેમ-જેમ ટેક્નોલોજી આગળ વધતી જઈ રહી છે, તેમ-તેમ તે નવા-નવા સમાધાન પણ શોધી રહી છે. હાર્ટરેટ મોનિટર ફિટનેસ પ્રેક્ટિસના સૌથી મહત્વના ડિવાઈસ સાબિત થયા છે. આજે માર્કેટમાં તમારા હૃદયના ધબકારા માપતા અનેક નાના અને હાથમાં સમાઈ જાય એવા ડિવાઈસ ઉપલબ્ધ બન્યા છે. કેટલાક ડિવાઈસ તમારા હૃદયના ધબકારા માપતા હોય છે તો વળી કેટલાક ગેઝેટ તમે કેટલા ડગલા ચાલ્યા છો અને તમે કેટલી કેલરી બર્ન કરી છે તેની પણ ગણતરી કરી આપે છે. 

જેમ-જેમ નવી-નવી ટેક્નોલોજી આવતી જાય છે, તેમ તેમ અનેક કંપનીઓ તેમનાં સાધનોમાં નવા-નવા ફીચર્સ ઉમેરતી જઈ રહી છે. આજની દુનિયામાં આ ડિવાઈસ તમારા કાડાંમાં સતત તમારી સાથે રહેતા તમારા ડોક્ટર જેવા બની ગયા છે.

ઝાઓમી કંપનીએ માર્કેટમાં ફીટનેસ બેન્ટ રજૂ કર્યા છે. આ ડિવાઈસ OLED ડિસ્પેલે (0.78") ધરાવે છે. તેમાં તમારા હૃદયના ધબકારા, ફૂટસ્ટેપ, હવામાનની આગાહી અને બેટરી પર્સન્ટેજ જેવી માહિતી ત્વરિત ધોરણે ઉપલબ્ધ હોય છે. 

એપલ કંપનીએ તાજેતરમાં જ જે સ્માર્ટ વોચ રજૂ કરી છે તેમાં તો વળી અનેક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવેલા છે. એપલ વોચની ચોથી સિરીઝની સ્માર્ટ વોચ અગાઉ કરતાં 35 ટકા મોટો ડિસ્પ્લે સ્ક્રીન ધરાવે છે. શ્રેષ્ઠ ડિસ્પ્લે, મોટી સાઈઝ અને ઝડપી ઓપરેશન્સને કારણે આજની વયોવૃદ્ધ પેઢીને તે વધુ આકર્ષી રહી છે. 

એપલની નવી વોચ સિરીઝમાં કાર્ડિયોગ્રામ કાઢી આપવાનું એક નવું આકર્ષક ફીચર ઉમેરવામાં આવ્યું છે. એટલે કે, હૃદયરોગની બિમારી ધરાવતા લોકોને હવે કાર્ડિયોગ્રામ કઢાવા માટે વારંવાર ડોક્ટરની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. તેમણે કાંડામાં પહેરેલી સ્માર્ટ વોચ જ કાર્ડિયોગ્રામ કાઢી આપશે. જેની મદદથી ડોક્ટર દર્દીની સ્થિતિ અંગે જાણી શકશે. 

આ ઉપરાંત તેમાં એક આશ્ચર્યજનક ફીચર ઉમેરાયું છે તે છે 'FALL DETECTION' (પડી જવાનું) ફીચર છે. જો તમે ચાલતા-ચાલતા, ઊભા થવામાં કે કોઈ કારણસર નીચે પડી ગયા અને તમને એક મિનિટથી વધુ સમય સુધી અચેતન રહો છો તો આ ઘડિયાળ સીધી જ નજીકની હોસ્પિટલને ઈમરજન્સી કોલ આપશે અને સાથે જ તમારું લોકેશન પણ શેર કરશે. એટલે, એમ્બ્યુલન્સ તમને શોધતી સાધા જ તમારા ઘરે આવી પહોંચશે અને તમને તાત્કાલિક સારવાર મળી જશે. 

ટૂંકમાં, ટેક્નોલોજીમાં જે નવા સુધારા-પરિવર્તન આવી રહ્યા છે તે માનવ જીવનને વધુ સરળ બનાવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને માનવી જ્યારે એકલો હોય અને તેની સાથે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે જો તેની પાસે આવી સ્માર્ટ વોચ હોય તો તેમાં રહેલું ઈમરજન્સી ફંક્શન તેમને નવજીવન આપી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news