અંબાલાલ પટેલની ડરામણી આગાહી : 22 જાન્યુઆરીથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે
IMD Weather Alert : ૨૨ જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે. 23 અને 24 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તો પર્વતો ઉપર 22 થી 24 દરમિયાન ભારે હિમવર્ષા થશે. આવામાં હવામાન વિભાગે બે દિવસ બાદ ઠંડીની આગાહી કરી છે. તો ગુજરાતીઓ માટે પણ ચિંતાજનક સમાચાર છે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. 27થી 30 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. તો સાથે જ ઠંડીનો પણ ચમકારો વધવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આજે અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી અને ગાંધીનગર 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે, જેથી હાલ ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની છે.
અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.
દેશના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે
સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ. તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે. રર જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે અને ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એક કે બે જગ્યાએ બરફના કરા પણ પડી શકે છે. આગામી બે દિવસ દરમિયાન ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદની શક્યતા છે. પૂર્વી અને ઉત્તર-પૂર્વીય ભારતનું હવામાન સ્વચ્છ રહેશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં હવામાન સૂકું રહેશે.
Trending Photos