Heatwave: ગરમીના કારણે થઈ શકે છે હીટ એક્ઝોશન, જાણો તેના લક્ષણ અને બચાવના ઘરેલુ ઉપાય
Heatwave: હીટ એક્ઝોશન ત્યારે થાય છે જ્યારે આપણું શરીર વધારે ગરમી એબ્ઝોર્બ કરી લે અને તેને બહાર કાઢી શકે નહીં. આ સમયે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ લોકોને સાવચેત રહેવા કહે છે. ખાસ તો સતત વધતા તાપમાનમાં હીટ એક્ઝોશન એટલે કે ગરમીના કારણે લાગતા થાકનો શિકાર થતા દર્દીઓની સંખ્યા 20 ટકા વધી છે.
Trending Photos
Heatwave: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ચુક્યો છે. હીટવેવને ધ્યાનમાં રાખી સરકારે એલર્ટ પણ જાહેર કર્યું છે. તડકો, ગરમી અને હીટવેવના કારણે લોકોનું ઘરમાંથી નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આ ગરમ વાતાવરણમાં લૂ લાગી જવાનું જોખમ પણ વધારે રહે છે. આ સાથે જ હીટ એક્ઝોશનનું જોખમ પણ વધી જાય છે. હીટ એક્ઝોશન પણ લૂનું જ ગંભીર સ્વરુપ છે.
હીટ એક્ઝોશન એટલે શું ?
હીટ એક્ઝોશન ત્યારે થાય છે જ્યારે આપણું શરીર વધારે ગરમી એબ્ઝોર્બ કરી લે અને તેને બહાર કાઢી શકે નહીં. જેમકે પરસેવો થવો એ પ્રાકૃતિક રીત છે જેના માધ્યમથી શરીરની ગરમી બહાર નીકળી જાય છે. પરંતુ વધારે ગરમી અને પરસેવાના કારણે શરીરમાં પાણી અને જરુરી મિનરલ્સ ઘટી જાય છે. તેના કારણે હીટ એક્ઝોશન થઈ શકે છે.
આ સમયે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ લોકોને સાવચેત રહેવા કહે છે. ખાસ તો સતત વધતા તાપમાન, ગરમીમાં હીટ એક્ઝોશન એટલે કે ગરમીના કારણે લાગતા થાકનો શિકાર થતા દર્દીઓની સંખ્યા 20 ટકા વધી છે. હીટ એક્ઝોશનના કારણે દર્દીઓને સ્નાયૂમાં દુખાવો, પેટમાં દુખાવો, નબળાઈ, ઉલટી, ઝાડા વગેરેની ફરિયાદો રહે છે.
હીટ એક્ઝોશનના લક્ષણો
હીટ એક્ઝોશનના કારણે દર્દીને શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમકે અચાનક નબળાઈ લાગવી, બેભાન થઈ જવું, માથામાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, સતત સ્નાયૂમાં ખેંચાણ અથવા દુખાવો જેવી ફરિયાદો જોવા મળે છે.
હીટ એક્ઝોશનના કારણો
હીટ એક્ઝોશન થવાનું મુખ્ય કારણ વધતું તાપમાન છે. આ સિવાય જે લોકોનું વજન વધારે હોય, કોઈ ગંભીર બીમારી હોય, વધારે એક્સરસાઈઝ કરતા હોય કે પછી પાણી ઓછું પીતા હોય તેમને આ સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.
હીટ એક્ઝોશનથી બચવા શું કરવું ?
- હીટ એક્ઝોશનથી બચવું હોય તો દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવું.
- તડકામાં બહાર જવાનું ટાળો. જો જવું પડે તો માથા પર ટોપી પહેરો અથવા છત્રી સાથે રાખો.
- તડકામાંથી આવીને પહેલા શરીરને નોર્મલ તાપમાન પર આવવા દો પછી જ પાણી પીવું. ત્યારબાદ 20 થી 30 મિનિટ પછી સ્નાન કરી લેવું જેથી શરીર ઠંડુ થઈ જાય.
- નાના બાળકો અને વૃદ્ધોને બહાર તડકામાં નીકળવા ન દેવા. તેમને હીટસ્ટ્રોક થવાનું જોખમ વધારે હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે