હાર્ટએટેકના સંકેત આપતો બેલ્ટ, હૃદય પર દબાણ આવે તો તરત જાણ કરે છે

heart rate monitor : ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યાં છે... ત્યારે અમદાવાદના એક જીમ સંચાલકે જીમમાં હાર્ટ મોનીટરીંગ બેલ્ટનો ઉપયોગ શરૂ કર્યો... જે હાર્ટ પર થતા દબાણને માપે છે 
 

હાર્ટએટેકના સંકેત આપતો બેલ્ટ, હૃદય પર દબાણ આવે તો તરત જાણ કરે છે

Heart Attack Death In Gujarat અતુલ તિવારી/અમદાવાદ : હાલ ગુજરાતમાં નવયુવાનોને હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં લોકોમાં ડર ભરાઈ ગયો છે. હૃદય પર દબાણ વધતા લોકો એકાએક ઢળી પડે છે અને મોતને ભેટે છે. આવામાં હવે સતર્ક રહેવાની જરૂર છે. ત્યારે શરીર પર વધારે પડતુ દબાણ આપવુ નહિ. ખાસ કરીને જીમ જેવી એક્ટિવિટી પણ ઘાતક નીવડી શકે છે. આવામાં કોઈપણ પ્રકારના દૈનિક શ્રમ કરતા લોકો માટે મહત્વની ખબર છે. હાર્ટ એટેકના કિસ્સા વધતા અમદાવાદમાં જિમ સંચાલકે હાર્ટ મોનીટરીંગ બેલ્ટનો ઉપયોગ શરૂ કર્યો છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટના ઉપયોગથી હાર્ટ પર થતું દબાણ મેજર કરી શકાય છે. 

જિમમાં કસરત કરતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે, એવા કિસ્સાઓમાં આ બેલ્ટ ઉપયોગી સાબિત થઈ શકતું હોવાનો દાવો આ જીમ સંચાલક દ્વારા કરાયો છે. જીમ સંચાલક મૃણાલ વેદે કહ્યું કે, હાર્ટ પર સ્ટ્રેસ વધતા આ બેલ્ટની મદદથી મળતું પરિણામ સંકેત આપે છે, જેના કારણે આપણને ક્યારે અટકવું, રોકાઈ જવું તેની સમજ પડે છે. બેલ્ટ છાતીના ભાગે પહેરવાથી હાર્ટ રેટ સહિત કસરત કરતા સમયે હાર્ટ પર પડતો સ્ટ્રેસ ટકાવારીમાં જોવા મળે છે. 90 ટકા કરતા વધુ હાર્ટ પર સ્ટ્રેસ પડતા જિમમાં ટ્રેનર જે તે વ્યક્તિને કસરત કરતા અટકાવે છે. 

કેવી રીતે કામ કરે છે આ બેલ્ટ
તેમણે કહ્યું કે, હાર્ટ પર સ્ટ્રેસ પડે એટલે આ બેલ્ટ સંકેત આપે છે, જે ઘણી મદદરૂપ સાબિત થાય છે, કેટલાક કલર કોડના માધ્યમથી હાર્ટ પર સ્ટ્રેસનો અંદાજ પણ આવી જાય છે. 90 ટકા કરતા વધુ સ્ટ્રેસ હાર્ટ પર પડે એટલે રેડ કલરમાં બેલ્ટ રોકાઈ જવા માટે સંકેત આપે છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટના સમગ્ર ડેટા એપ્લિકેશનના માધ્યમથી મોનીટરીંગ કરી શકાય છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સતત હાર્ટ એટેકના અચંબિતત કરે તેવા વધેલા કિસ્સાઓએ લોકોમાં ભય પેદા કર્યો છે. છેલ્લા ઘણા સમયથી અનેક એવા કેસો સામે આવ્યા છે. જેમાં જીમમાં કસરત સમયે, ગરબા રમતા, ક્રિકેટ રમતા અથવા સ્ટેજ પર પરફોર્મન્સ કરતા લોકો અચાનક ઢળી પડે છે અને તેમના મોત નિપજે છે, જેની પાછળ હાર્ટ એટેક મુખ્ય કારણ હોય છે. 

સમજદારીપૂર્ણ અથવા આડેધડ કસરત કરતા લોકો કે જેમને અંદાજો નથી હોતો કે તેમના હાર્ટ પર કેટલો સ્ટ્રેસ પડી રહ્યો છે, એવા કિસ્સામાં આ હાર્ટ મોનીટરીંગ બેલ્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટ વિશે વાત કરતા મૃણાલ વેદ કહે છે કે, 12 હજારની કિંમતનો આ બેલ્ટ અમે તમામને ખરીદવા કહીએ છીએ, કેટલાક કિસ્સાઓમાં અમે લોકોને આપતા પણ હોઈએ છીએ. 

6 મહિનામાં એકાદવાર સેલ બદલવાની જરૂર પડે છે, એકવર્ષની વોરંટી પણ આ બેલ્ટની હોય છે. માત્ર જીમમાં જ નહિ, પરંતુ બહાર પણ આ બેલ્ટ પહેરીને હાર્ટ પરના સ્ટ્રેસને નિયંત્રણમાં રાખી શકાય છે. સાયકલીંગ, સ્વિમિંગ કે રનિંગ કરતા સમયે પણ આ બેલ્ટનો ઘરે પણ ઉપયોગ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news