શાળાઓના ફરજિયાત સ્વેટરના ફતવા સામે ઝી 24 કલાકની ઝુંબેશ, નિયમોના ચક્કરમાં બાળકો ઠુઠવાયા
Gujarat Weather : જો તમારું બાળક પણ શાળામાં સ્કૂલે યુનિફોર્મના ભાગરૂપે નક્કી કરેલું સ્વેટર પહેરીને જ શાળાએ જાય છે તો સાવધાન... કેમ કે, આ વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે... આજે ZEE 24 કલાક પૂછશે સવાલ- કાતિલ ઠંડીમાં સ્કૂલનું સ્વેટર કેટલું સુરક્ષિત?
Trending Photos
Zee 24 Kalak Reality Check : રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું તેનાથી તમામ વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. ગુજરાતના તમામ વાલીઓની ચિંતાનું કારણ છે રાજ્યની શાળાઓએ યુનિફોર્મના નામે નક્કી કરેલું જર્સી જેવું એ સ્વેટર, જેને પહેરીને સ્કૂલમાં જવું બાળકો માટે મજબૂરી બની ગયું છે. રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી જે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે તેની માતાએ કહ્યું છે કે તેમની દીકરીને નખમાં પણ રોગ નહોતો. પરંતુ કાતિલ ઠંડીના કારણે તેના શરીરનું લોહી જામી ગયું અને તેના કારણે આઠમા ધોરણની વિદ્યાર્થિનીને ચાલુ ક્લામાં હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું છે. તેની માતાનો આરોપ છે કે, મારી દીકરીના મૃત્યુ માટે જસાણી સ્કૂલ જવાબદાર છે. કેમ કે, જસાણી સ્કૂલના સંચાલકોએ નક્કી કરેલું એ સ્વેટર પહેરવું બાળકો માટે મજબૂરી બની ગયું છે. વિદ્યાર્થીઓને આવી કાતિલ ઠંડીમાં રક્ષણ આપવા માટે શાળાએ નક્કી કરેલું સ્વેટર સક્ષમ નથી.
સ્કૂલના શિક્ષકો અને આચાર્ય ભલે જેકેટ પહેરીને શાળામાં આવતા હોય પરંતુ નાનાં બાળકોએ આવી કડકડતી ઠંડીમાં પણ એ પાતળું સ્વેટર પહેરીને જ સ્કૂલે જવું પડે છે. જેને શાળાઓએ સ્કૂલ યુનિફોર્મના નામે નક્કી કરી રાખ્યું છે. જો નાનાં ભૂલકાંઓ જેકેટ પહેરીને જાય કે ડબલ સ્વેટર પહેરીને જાય તો પણ આ સંવેદનહીન શાળાઓ વિદ્યાર્થીઓને સજા કરવાની ચીમકી આપે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાતપણે જર્સી જેવું સ્વેટર પહેરીને શાળાએ જવાનું હોવાથી વાલીઓ પણ મજબૂર છે કે ઠંડીથી પોતાનાં બાળકોનું રક્ષણ તેઓ કેવી રીતે કરે?
શાળાઓના ફતવાથી બાળકો પર મોતનું જોખમ
જો તમારું બાળક પણ શાળામાં સ્કૂલે યુનિફોર્મના ભાગરૂપે નક્કી કરેલું સ્વેટર પહેરીને જ શાળાએ જાય છે તો સાવધાન... કેમ કે, આ વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે. અનેક શાળાઓએ ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવાનો જે ફતવો બહાર પાડ્યો છે તે સ્કૂલનાં બાળકોને ઠંડીમાં ઠરવા માટેનું મોટામાં મોટું કારણ બની ગયું છે. જસાણી સ્કૂલ સહિતની ગુજરાતની અનેક શાળાઓ સ્કૂલનાં બાળકોને સ્કૂલ તરફથી નક્કી કરેલું સ્વેટર પહેરવાનો જ આગ્રહ રાખે છે.
આ પણ વાંચો :
સ્વેટરની જગ્યાએ જેકેટ પહેરવાની છૂટછાટ આપવી જોઈએ - વાલી
રાજકોટમાં અમૃતલાલ વીરચંદ જસાણી સ્કૂલમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, અહી પણ સ્કૂલ દ્વારા આપવામાં આવતું સ્વેટર પહેરવાનો વિદ્યાર્થીઓને આદેશ કરાયો હતો. જો વિદ્યાર્થી બ્લ્યૂ સ્વેટર ન પહેરે તો શિક્ષક ક્લાસરૂમની બહાર કાઢી મૂકે છે. વાલીઓને ફરજીયાત સ્વેટર અંગેની જાણ કરવામાં આવેલી છે. ત્યારે વાલીઓએ પણ કહ્યું કે, સ્વેટરની જગ્યાએ જેકેટ પહેરવાની છૂટછાટ આપવી જોઈએ. મહત્વનું છે કે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ કાતિલ ઠંડી પડી રહેલી હોવાના લીધે અઠવાડિયા પહેલા જ શાળા સંચાલકોને સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી દીધી હતી... જોકે જિલ્લા શિક્ષણ અધિકારીના સૂચનાની કોઈએ અમલવારી કરી ન હતી.
આ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને એટલે જ તમારી ચેનલ ઝી 24 કલાક આજે દિવસભર આ મુદ્દો ઉઠાવશે. અમે એ શિક્ષકોને સવાલ પૂછીશું જેઓ જેકેટ પહેરીને સ્કૂલે આવે છે. ઝી 24 કલાક શિક્ષણમંત્રીને પણ સવાલ પૂછશે કે, કેમ શાળાનાં બાળકોને ફરજિયાત જરસી જેવું સ્વેટર આવી ઠંડીમાં પહેરીને જવું પડે છે? આવી કાતિલ ઠંડીમાં બચવા માટે બાળકો જેકેટ પહેરે કે પોતાના ખર્ચે લાવીને સારું જાડું સ્વેટર પહેરે તો શું તે કોઈ અપરાધની શ્રેણીમાં આવે છે? શા માટે જાડી ચામડીના શાળા સંચાલકો બાળકોને ઠંડીમાં ઠરવા માટે મજબૂર કરી રહ્યા છે.
જો શાળામાં ફરજિયાત પહેરવાનું સ્વેટર ઠંડી રોકવા સક્ષમ નથી તો શાળાઓ કેમ પોતાના ગણવેશના ભાગરૂપે બાળકોને ઠંડીમાં ઠરવા મજબૂર કરી રહી છે? બે પાળીમાં ચાલતી સ્કૂલોમાં બાળકો સવારે મજબૂરીમાં ભણવા જાય છે એટલું જ નહીં પરંતુ સ્કૂલે નક્કી કરેલું સ્વેટર પહેરીને જ તેમને શાળાએ જવું પડે છે. શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને સ્વેટરને બદલે જેકેટ પહેરવાની મંજૂરી નથી આપતી તો કઈ રીતે બાળકો આવી ઠંડી સામે રક્ષણ મેળવી શકશે?
આ પણ વાંચો :
ખૂબ જ પાયાનો સવાલ છે કે, સિનિયર અને જૂનિયર કેજીમાં ભણતાં બાળકો આવી કાતિલ ઠંડીનો સામનો શાળાએ નક્કી કરેલા ચોક્કસ પ્રકારના સ્વેટરથી કેવી રીતે કરી શકે? શા માટે કેજીનાં નાનાં બાળકોને પણ યુનિફોર્મના નામે શાળાએ નક્કી કરેલાં સ્વેટર જ પહેરવાની ફરજ પાડવામાં આવી રહી છે? શું આવી કાતિલ ઠંડીમાં પણ શાળાઓને પોતે નક્કી કરેલાં સ્વેટર વેચીને કમાણી કરવામાં રસ છે? શા માટે બાળકોને જેકેટ અને ઠંડી સામે રક્ષણ આપતાં સ્વેટર પહેરવાની છૂટ આપવામાં નથી આવતી?
શું એ શિક્ષકો અને શાળા સંચાલકોએ ક્યારેય વિચાર્યું છે ખરું કે તેઓ પોતે તો સ્કૂલમાં જાય છે ત્યારે જેકેટ પહેરીને જાય છે પરંતુ તેમનું બાળક કે શાળામાં આવતાં બીજાં બાળકો માત્ર એ સ્વેટર પહેરીને આવે છે, જે શાળાઓએ યુનિફોર્મના ભાગરૂપે નક્કી કર્યું છે. અને જ્યાં કમાવાની લાલચ હોય ત્યાં સ્વેટરની ગુણવત્તા કેટલી મળતી હશે તે પણ એક સવાલ છે. કેમ કે, શાળાઓ ચોક્કસ સ્ટોર પરથી જ સ્વેટર ખરીદવા માટે વાલીઓને ફરજ પાડે છે એનો મતલબ કે તેમાં શાળાઓનું કમિશન હોય છે. અને આ કમિશન આપ્યા પછી સ્વેટર વેચતી દુકાનો કેવી ગુણવત્તા જાળવી રાખતી હશે તે એક સંશોધનનો વિષય છે.
સ્કૂલને તેના નિયમોની ફિકર
અમદાવાદની વિજયનગર સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, યુનિફોર્મના લાલ સ્વેટર સાથે જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે. અન્ય સ્વેટર પહેરીને આવે તો ગેટ પાસે ઉતારવામાં આવે છે. આવામાં વાલીઓએ ઝી 24 કલાકની ટીમની સામે ઠંડીના સમયમાં ફેરફાર કરવાની અપીલ કરી છે. બાળક ઠંડીથી ઠરી રહ્યું છે પરંતુ સ્કૂલને તેના નિયમોની ફિકર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે