ગાય માતા સાથે Exclusive Interview: તંત્રની કામગીરીને લઇને સવાલ કરતા ગાય માતાએ સાધ્યું મૌન
હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે.
Trending Photos
સપના શર્મા, અમદાવાદ: ક્યારેય નહી જોયો હોય કે ક્યારેય નહીં સાંભળ્યો હોય અને ક્યારેય નહી વાંચ્યો હોય એવો અનોખો ઇન્ટરવ્યું ઝી 24 કલાક તમારી સમક્ષ લઇને આવ્યું છે . શું ક્યારેય તમે ગાય સાથે વાત કરી છે? તો તમારો જવાબ ના હશે. તમે નહી પણ ક્યારેય કોઇએ પણ ગાય સાથે વાત કરી નથી. અને એના વિશે વિચાર પણ નથી કર્યો. એટલે જ અમે ગાય સાથે સીધી વાત કરવાનો વિચાર કર્યો અને ગાયે પણ અમારા સવાલોનો સીધો જવાબ આપ્યો. વાત અજુગતી લાગશે પણ એ સમયની માંગ છે. શું છે આખી કહાની તે વાંચવા માટે તમારે આખો ઇન્ટરવ્યું વાંચવો પડશે.
આ ઇન્ટરવ્યું વિશે વાંચતા પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે અમારે ગાય માતાનો ઇન્ટરવ્યું કેમ લેવો પડ્યો? એવી તો શું મજબૂરી હતી કે એક મૌન પશુને પણ સવાલો કરવા પડ્યા. કારણ કે આજકાલ સૌ કોઇ રખડતા ઢોરના ત્રાસની વાત કરી રહ્યું છે. એ ત્રાસ માટે કોણ જવાબદાર છે એ પણ મોટો પ્રશ્ન છે. કોઇ રખડતી ગાયોને જવાબદાર ગણે છે તો કોઇ તંત્રને તેના માટે જવાબદાર ગણે છે ત્યારે એક વર્ગ છે જે તેના ગાયના માલિકોને પણ જવાબદાર ઠેરવે છે. પરંતુ દરેક આ જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને શહેરમાં રખડતા ઢોરોનો મુદ્દો વધુ જટિલ બનતો જાય છે.
બધા જ જાણે છે કે હિંદુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે. જે ગાય માતામાં ચોત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે તે ગાય માતા આજે લાચાર બનીને જાહેરમાર્ગો પર રઝળતા જોવા મળી રહ્યા છે. આજે ગુજરાતના ગમે તે મોટા શહેરમાં પગ મુકો એટલે રસ્તા પર રખડતી ગાયોનો જમાવડો જોવા મળી જશે. આ રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે રાજ્યના ઘણા શહેરોમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બધાને ખબર જ છે કે મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ગાયે અડફેડે લેતાં તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું.
જ્યારે કોઇ નેતાને કે મોટા વ્યક્તિને રખડતા ઢોર હુમલો કરે ત્યારે આખો દિવસ તે સમાચાર છવાયેલા રહે છે. પરંતુ રાજ્યમાં દરરોજ રખડતા ઢોરની અડફેટે અનેક લોકો આવે છે. પરંતુ તેની નોંધ પણ લેવામાં આવતી છે. રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા ઢોરોને પકડવાના મુદ્દે તંત્ર નિષ્ફળ રહ્યું છે. સતત તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ અને શાસકોને પ્રજાની સમસ્યાની કંઇ પડી નથી.
ગઇકાલે હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ સાથે જ રખડતાં ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને સૂચના પણ આપી છે.
ગુજરાત હાઈકોર્ટે આગળ કહ્યું હતું કે રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. AMC ના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.
પરંતુ આજે સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો નહી. ત્યારે અમારા રિપોર્ટરે ગાયમાતા સાથે સીધો સંવાદ કર્યો કારણ કે હાઇકોર્ટની ફટકાર બાદ પણ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો ન હતો. ત્યારે પ્રશાસને કરેલી કામગીરીનો જવાબ લેવા જેવું રહ્યું નથી. ત્યારે અમે ગાયમાતા પાસે જવાબ માંગવા પહોંચ્યા. ગાયમાતાને સીધો સવાલ કરવામાં આવ્યો કે ગાયમાતા તમે કેમ રસ્તા પર બેસ્યા છો? ત્યારે ગાયે પણ અમારા સવાલનો સીધો જવાબ આપ્યો. ગાયનો જવાબ મૌન હતો. ગાયમાતાનું આ મૌન કહેવાતા ગાયના માલિકો અને તંત્રની સામે ઘણા સવાલો કરી જાય છે.
એકતરફ માલિકો ગાયને ચારો આપવાના બદલે રસ્તા પડેલું પ્લાસ્ટિક અને કચરો ખાવા ગાયને રસ્તે રઝળતી મૂકી દે છે. બીજી તરફ તંત્ર રખડતી ગાયોને પાંજરાપોળમાં પુરવાની વાત કરે છે. ત્યારે આ આંખમિચોલીની સ્થિતિમાં ગાય માતાની સ્થિતિ એવી છે કે જવું તો જવું ક્યાં? રસ્તે રખડતા ઢોર જો તમને અડફેટે લે છો તો તેનો અર્થ એ છે કે એ ઢોર નહી પરંતુ તેનાથી મલાઇ ખાતા માલિકો અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકો તમને અડફેટે લઇ રહ્યા છે. અને એટલે જ આ નઘરોળ તંત્રને જગાડવા માટે અમારા પત્રકારે ગાય સાથે સંવાદ કરી આ નગ્ન વાસ્તવિકતા ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે