ગુજરાતમાં મહિલાને જીવતી સળગાવાઈ, ઉશ્કેરાયેલા વહુના પિયરવાળાએ સાસુને સળગાવી

Woman Burried : નખત્રાણાના વિજપાસરમાં પ્રેમલગ્નના મુદ્દે મહિલાને જીવતી સળગાવાઈ.. યુવતીના પ્રેમલગ્નથી ઉશ્કેરાયેલા પરિવારજનોએ ઘરમાં ઘુસી યુવકની માતાને સળગાવી દીધી... ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડાઇ 
 

ગુજરાતમાં મહિલાને જીવતી સળગાવાઈ, ઉશ્કેરાયેલા વહુના પિયરવાળાએ સાસુને સળગાવી

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : નખત્રાણા તાલુકાના વિજપાસર ગામે પ્રેમલગ્ન બાબતે મહિલાને જીવતી સળગાવાનો કિસ્સો સામે આવ્યું છે. યુવતીના પ્રેમલગ્નથી ઉશ્કેરાયેલા પરિવારજનોએ ઘરમાં ઘુસી યુવકની માતાને સળગાવી દીધી હતી. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવી હતી. નખત્રાણા પોલીસે આ બનાવ બાબતે વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વિજપાસર ગામમાં યુવતીએ પ્રેમલગ્ન કરતાં ઉશ્કેરાયેલાં પરિવારજનોએ યુવકના ઘરમાં ઘૂસી જઈને યુવકની 45 વર્ષની માતા સાથે મારકૂટ કરીને તેના પર પેટ્રોલ અને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બનાવ બન્યો ત્યારે પ્રેમલગ્ન કરનાર બંને યુવક યુવતી નારાજ પરિવારજનોના ડરના કારણે પોલીસની મદદ લેવા પોલીસ સ્ટેશન પર હાજર હતા. 

વિજપાસર ગામના હેમંત પરબતભાઈ ચારણીયાને નાના કાદિયા ગામની રિધ્ધિ આશિષભાઈ ઊર્ફે બાબુલાલ શેખા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો અને બંને લગ્ન કરવા ઈચ્છતાં હતાં. પરંતુ યુવતીના પરિવારજનોને આ સબંધ અમાન્ય હતો. રિધ્ધિએ પરિવારજનોના વિરોધ વચ્ચે ત્રણ મહિના પહેલા હેમંત સાથે ગુપચુપ રીતે સત્તાવાર લગ્ન કરી લીધાં હતા. પરિવારજનોને પ્રેમલગ્નની જાણ થશે તો રિધ્ધિના પરિવારજનો ભારે વિરોધ કરશે તે ડરે હેમંત અને રિધ્ધિ બંને આજે નખત્રાણા પોલીસ મથકે પહોંચ્યાં હતા. તેમણે પોલીસને પ્રેમલગ્ન અંગે વાત કરી તેમના પર ખોટાં કેસ થવાની અને પરિવારજનો દ્વારા અલગ કરી દેવાની વાત વર્ણવી હતી. 

આ દરમિયાન સાંજના સમયે રિધ્ધિની માતા, ભાઈ, બે બહેનો સહિત પંદરેક સ્ત્રી-પુરુષોએ હેમંતના ઘરે જઈ તેની 45 વર્ષની માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ સાથે ધોકાથી મારકૂટ કરી હતી. ગુસ્સે ભરાયેલા રિધ્ધિના પરિવારજનોએ યુવકના માતા રાધાબેનની હત્યા કરવાના હેતુસર તેમના પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં તે બળવા માંડ્યાં હતા. ત્યાર બાદ તમામ આરોપીઓ બધાને સળગાવીને મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતાં. તો રાધાબેન ગંભીર રીતે બળી જતા તેમને વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાઘાબેન એટલી હદે બળી ગયા હતા કે, તેમના મહત્તમ શરીરનો ભાગ બળી ગયો હત. 

સમગ્ર બાબત અંગે નખત્રાણા પોલીસ મથકે યુવકના ભાભી અંજનાબેન સચિન માધડે ફરિયાદ નોંધાવી હતી અને વધુ વિગતો આપી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશને યુવતી રિધ્ધિની દાદી રતનબેન કાનજીભાઈ શેખા, જયશ્રીબેન કાનજીભાઈ શેખા અને જયશ્રીની બહેન, રિધ્ધિની માતા નર્મદાબેન, બહેનો જ્હાન્વી અને જાગૃતિ, ભાઈ હાર્દિક, સામે તેમજ અન્ય સગાં-સંબંધી હેતલબેન રૂપાણી, કરણ રૂપાણી, મંગેશ રૂપાણી, પંકજ રૂપાણી તેમજ અન્ય ત્રણ-ચાર અજાણ્યા સ્ત્રી-પુરુષ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નખત્રાણા પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અર્થે ઈપીકો કલમ 307, ગુનાહિત કાવતરું રચવા માટે 120 બી, લૂંટ ધાડ માટે 395, એકસમાન હેતુથી ગેરકાયદે મંડળી રચી સશસ્ત્ર ધિંગાણું-હુમલો કરવા બાબતે 143, 147, 148, 149ની કલમો તો મારકૂટ કરવા બાબતે 323ની કલમ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે 294ની કલમ તળે અને ગુજરાત પોલીસ એક્ટ 135ની કલમ હેઠળ ધોકા જેવું હથિયાર સાથે રાખવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે. તો નખત્રાણા પોલીસ એ આરોપીઓને ઝડપી લેવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news