બીજો પુરુષ ગમી જતા પત્નીએ પતિનો કાંટો કાઢી નાંખ્યો
પોલીસને ફરિયાદી પત્ની પર જ શંકા જતા ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં પત્ની ભાંગી પડી હતી અને તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :જસદણના સ્વામિનારાયણ મંદિર પાસેથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. આખરે રાજકોટ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હત્યા રૂપિયાની લેતી-દેતીમાં નહિ, પણ પત્નીના પ્રેમ સંબંધમાં આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
જસદણ શહેરના ખાનપર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર પાસે અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જસદણ પોલીસને જાણ થઈ હતી. જેના બાદ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવક ખાનપર ગામનો વતની હરેશ સોમા કીહલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના કહેવા મુજબ મૃતકની પત્ની રેખાએ પોલીસને જણાવ્યું હતું કે, શિવકુ કાઠી અને રામશી રબારીએ હાથ ઉછીના રૂપિયા માટે તેના પતિની હત્યા કરી છે. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસને ફરિયાદી પર શંકા જતા ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી પત્ની ભાંગી પડી હતી અને તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે મૃતકની પત્ની રેખા હરેશ કીહલા અને તેના પ્રેમી દિનેશ ઉર્ફે મહેશ ચોથા મકવાણાની ધરપકડ કરી હતી.
કેવી રીતે કરી હત્યા...??
પોલીસના કહેવા મુજબ, આરોપી દિનેશ ઉર્ફે મહેશ મકવાણા અને રેખા કીહલા વચ્ચેના પ્રેમ સંબંધની પતિ હરેશ કીહલાને જાણ થઈ ગઈ હતી. 10 ઓગસ્ટની મોડી રાત્રે 3 વાગ્યે હરેશ કીહલા સૂતો હતો, ત્યારે તેની પત્ની રેખાએ હરેશને માથામાં 7 થી 8 લોખંડની કોષના ઘા ઝીંકી દીધા હતા. જેના બાદ તેને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકની લાશને ગોદડામાં બાંધી મોટર સાયકલ પર લઈ જઈ જસદણ ખાનપર રોડ પર ફેંકી આવ્યા હતા. જોકે પોલીસને રૂપિયાની લેતી-દેતીમાં હત્યા કરી દેવામાં આવી હોવાની વાર્તા ઉપજાવી પોલીસને ગુમરાહ કરવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસના કહેવા મુજબ, આરોપી રેખા કિહલાને દિનેશ ઉર્ફે મહેશ મકવાણા સાથે જેલમાં મળવા જતા સમયે ઓળખાણ થઈ હતી. બે વર્ષથી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે પતિને જાણ થઈ જતા તે પત્નીને મારઝૂડ કરતો હતો. આખરે પત્નીએ પતિનો કાંટો કાઢી નાખ્યો હતો. જોકે રૂપિયાની લેતી-દેતીમાં હત્યાને ખપાવવા જતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળીયા ગણતા કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે