વિધાનસભાની પ્રથમ ચરણની ભાજપની 5 બેઠકોનું કોકડું કેમ ગૂંચવાયું, જાણો અંદરની વાત

Gujarat Elections : વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા... સુરત ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી... 
 

વિધાનસભાની પ્રથમ ચરણની ભાજપની 5 બેઠકોનું કોકડું કેમ ગૂંચવાયું, જાણો અંદરની વાત

ગાંધીનગર :ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. ભાજપે કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે, જેમાં 5 બેઠકો પર નામ જાહેર કરવાના હજી બાકી છે. સુરત ચૌર્યાસી, ધોરાજી, ભાવનગર પૂર્વ અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે કહેવાય છે કે, આ પાંચેય બેઠક પર કોકડુ ગૂંચવાયું છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આજે 10 નવેમ્બર થઈ ગઈ. ભાજપે 89 માંથી 84 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. હજી 5 બેઠકોના નામ હજી જાહેર થયા નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપની બીજી યાદી આવતીકાલે આવી શકે છે. પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે. પરંતુ ભાજપે કેમ 5 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખી તે મોટો સવાલ છે. કહેવાય છે કે, આ બેઠકો પર ઉમેદવારોના નામમાં ભારે મૂંઝવણ છે. પાર્ટી હાઈકમાન્ડ નામ પર અંતિમ મહોર મારી શકી નથી. ત્યારે 5 બેઠકો બાકી રાખવાથી અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. 

પ્રથમ તબક્કાની 5 સીટના ભાજપના ઉમેદવાર બાકી    
આ 5 બેઠકો પર હાલ MLA કોણ? 

ક્રમ    સીટનો ક્રમ        બેઠક        જિલ્લો        હાલના ધારાસભ્ય        પાર્ટી
1.     75                  ધોરાજી        રાજકોટ        લલીત વસોયા        કૉંગ્રેસ
2.     81                ખંભાળિયા         દ્વારકા        વિક્રમ માડમ        કૉંગ્રેસ
3.     84                કુતિયાણા        પોરબંદર        કાંધલ જાડેજા         NCP
4.     104            ભાવનગર પૂર્વ    ભાવનગર        વિભાવરીબેન દવે   ભાજપ
5.     168                  ચોર્યાસી        સુરત        ઝંખના પટેલ         ભાજપ

કઈ કઈ બેઠકોની જાહેરાત બાકી 

  • ખંભાળિયા બેઠક વિક્રમ માડમ કોંગેરસના મજબૂત હાલના ધારાસભ્ય, એને હરાવવા માટે મજબૂત નામ ભાજપમાં ચર્ચાય છે. એ નામની શરત આકરી હોવાથી હાઈકમાન્ડ મૂંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે. 
  • ભાવનગર પૂર્વ પર વિભાવરીબેન દવે ધારાસભ્ય છે. સ્થાનિક સ્તરે તેમનો વિરોધ તીવ્ર છે. પરંતુ વિરોધ કરનારા સર્વસહમત નામ આપી શક્તા નથી. આ બેઠક માટે બીજો ઓપ્શન નથી. આ બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. તેથી ભાજપ આ બેઠક પર સ્વચ્છ, બિનરાજકીય અને પ્રતિભાશાળી વ્યક્તિને લાવવા ઈચ્છે છે. જેમાં આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.અમી ઉપાધ્યાય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પદાધિકારી પરેશ ત્રિવેદી સહિતના નામો ચર્ચાઈ ચૂક્યા છે. પરંતુ કોઈના નામ સાથે એકમતી સધાતી નથી. અહી પણ કોકડું ગૂંચવાયું છે. 

આ સિવાયની અન્ય બેઠકોમાં પણ સર્વસહમત અને જીતી શકે તેવા ઉમેદવાર માટે ચર્ચાવિચારણા ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે. આગામી 12 કલાકમાં ફરજિયાતપણે આ બેઠકો પર નામની જાહેરાત કરાય ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 69 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે. 36 ધારાસભ્યોની ભાજપે ટિકિટ કાપી છે. તેમજ 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપીને લડાવવાનો નિર્ણય કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news