જો ભાજપ હારશે તો વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની છબી ખરડાશે

છેલ્લા ઘણા સમયથી જસદણની પેટા ચૂંટણીને લઈને રાજ્યમાં માહોલ ગરમાયેલો હતો. પેટાચૂંટણી તો ગઈકાલે પૂરી થઈ ચૂકી છે અને તેનું પરિણામ પણ 23 ડિસેમ્બરે જાહેર થઈ જશે. પરંતુ ચૂંટણીના જીતના પરિણામોમાં જો અને તોના સમીકરણ વચ્ચે શું અસર પડશે તેના પર એક નજર કરીએ.
જો ભાજપ હારશે તો વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની છબી ખરડાશે

જસદણ : છેલ્લા ઘણા સમયથી જસદણની પેટા ચૂંટણીને લઈને રાજ્યમાં માહોલ ગરમાયેલો હતો. પેટાચૂંટણી તો ગઈકાલે પૂરી થઈ ચૂકી છે અને તેનું પરિણામ પણ 23 ડિસેમ્બરે જાહેર થઈ જશે. પરંતુ ચૂંટણીના જીતના પરિણામોમાં જો અને તોના સમીકરણ વચ્ચે શું અસર પડશે તેના પર એક નજર કરીએ.

જો ભાજપ જીતે તો...
જસદણમાં પેટા ચૂંટણી ગઈકાલે પૂરી થઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી કાંટે કી ટક્કર જેવી હતી. બંને પક્ષોએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે આ ચૂંટણીમાં જો ભાજપ જીતશે તો કેવા સમીકરણો સર્જાશે તે જોઈએ. જો જસદણની પેટા ચૂંટણી ભાજપ જીતી ગયું તો કુંવરજી બાવળિયાનું રાજકીય કદ વધશે. સરકારમાં બાવળિયાના માન-પાન વધશે. સાથે જ વિધાનસભામાં ભાજપની એક બેઠક વધીને 100 થશે. આ પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઈજ્જત પણ દાવ પર લાગેલી હતી. તેથી જો ભાજપ જીતશે તો મુખ્યમંત્રીની ઈજ્જત બચી જશે. પ્રદેશ ભાજપના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં પણ વધારો થશે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં પણ આ પરિણામની અસર જોવા મળશે. 

જો કોંગ્રેસ હારે તો...
આ તરફ જો કોંગ્રેસ હારશે તો શું અસર થશે તેની વાત કરીએ તો, 3 રાજ્યોના પરિણામથી ગેલમાં આવી ગયેલી કોંગ્રેસને ગુજરાતમાં આ હારથી મોટો ઝટકો લાગશે. સાથે જ પોતાની પરંપરાગત જસદણની બેઠક ગુમાવવાનો વારો આવશે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પડશે અને કાર્યકરો પર તો આ પરાજયની અસર થશે જ. સાથે અમિત ચાવડા અને પરેશ ધાનાણી જેવા કોંગ્રેસના નેતાઓની છબી પર પણ અસર પડશે.

જો ભાજપ હારે તો...
ભાજપ હારશે તો શું તેની વાત કરીએ તો, કુંવરજીની બાવળિયાની રાજકીય કારકિર્દી પર મોટો પ્રશ્નાર્થ સર્જાશે. આ હાર ભાજપ માટે શરમ જનક બાબત બની રહેશે. વિજય રૂપાણી તથા જીતુ વાઘાણીની છબી પર અસર પડશે. ભાજપના કાર્યકરોના ઉત્સાહમાં ઘટાડો થશે. તો આગાી લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પલડું નબળું બનશે.

જો કોંગ્રેસ જીતે તો...
કોંગ્રેસ જીતશે તો શું તેની વાત કરીએ તો કોંગ્રેસ પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખવામાં સફળ રહેશે. અવસર નાકિયાને લડાવવાના નિર્ણયની પ્રશંસા થશે. પક્ષમાં અમિત ચાવડા, પરેશ ધાનાણીનું માન વધશે. બંનેના રાજકીય કદમાં પણ વધારો થશે. બીજી તરફ આ જીતથી કાર્યકરોનો પણ ઉત્સાહ વધશે અને સૌથી મોટી વાત એ કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું મજબૂત બનશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news