વૈષ્ણોદેવી જનારા ભક્તો માટે સારા સમાચાર, 25 ડિસમ્બરથી શરૂ થશે કેબલ કાર

કેબલ કારની આ સુવિદા દિવ્યાંગ, દર્દીઓ અને વૃદ્ધો માટે રહેશે, વૈષ્ણોદેવી ભવનથી ભૈરો મંદિર સુધી જવા માટે કેબલ કારની સુવિધા પ્રાપ્ત થશે

વૈષ્ણોદેવી જનારા ભક્તો માટે સારા સમાચાર, 25 ડિસમ્બરથી શરૂ થશે કેબલ કાર

કટરા/નવી દિલ્હીઃ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે અત્યંત સારા સમાચાર છે. હવે તેમને અહીં ટૂંક સમયમાં જ કેબર કારની સુવિધા પ્રાપ્ત થશે. માતા વૈષ્ણોના ભવનથી ભૈરો મંદિર સુધીની આ કેબલ કાર સુવિધાની શરૂઆત 25 ડિસેમ્બરથી થવા જઈ રહી છે. 

અત્યાર સુધી વૈષ્ણો ભવનથી ભૈરો ઘાટી જવા માટે શ્રદ્ધાળુઓને 3.5 કિમી લાંબું સીધું ચડાણ કરવું પડતું હતું. કેબલ કારમાં વ્યક્તિ દીઠ રૂ.100નો ચાર્જ લેવામાં આવશે. આ કેબલ કાર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી શરૂ કરવામાં આવી રહી છે, જેનું તમામ કામ સંપૂર્ણ થઈ ગયું છે. 

શ્રીમતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ આ કેબલ કાર સુવિધાનું ઉદ્ઘાટન કોઈ વીવીઆઈપીની હાથે કરાવા માગે છે. શ્રાઈન બોર્ડના સીઈઓ સિમરનદિપ સિંહે આ મુદ્દે જણાવ્યું કે, બોર્ડ 25 ડિસેમ્બરથી શ્રદ્ધાળુઓને કેબલ કાર સમર્પિત કરવા જઈ રહ્યું છે. તેના માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, આ કેબલ કાર સુવિધા દિવ્યાંગ, દર્દીઓ અને વૃદ્ધો માટે રહેશે. 

વૈષ્ણોદેવી મંદિરથી ભૈરો ઘાટીનું અંતર લગભગ 3.5 કિમી છે, પરંતુ આ માર્ગ સીધું ચઢાણ છે. જેના કારણે વૃદ્ધો, દિવ્યાંગ અને દર્દીઓ ભૈરો મંદિર સુધી જઈ શકતા નથી. હવે, કેબલ કારની સુવિધાને કારણે તેમને સરળતા રહેશે. 

એવી માન્યતા છે કે, માતા વૈષ્ણોના દર્શન આવનારા શ્રદ્ધાળુઓ જ્યાં સુધી ભૈરો મંદિર ન જાય ત્યાં સુધી તેમની આ યાત્રા અધુરી કહેવાય છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા આ કેબલ કાર પ્રોજેક્ટનું કામ 2014માં શરૂ કરાયું હતું. તેના નિર્માણનો કોન્ટ્રાક્ટ સ્વિટ્ઝરલેન્ડની ગર્વેન્તા એજી અને દામોદર રોપ-વેને અપાયો હતો અને તેમાં રૂ.75 કરોડનો ખર્ચ આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news