સરિતાને "પોષણ અભિયાન" અને અંકિતાને "બેટી બચાવો, બેટી પઢાવો"ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ

એશિયન રમતોત્સવમાં રાજ્યના વિજેતા ખેલાડીઓને વિજય રૂપાણી દ્વારા પુરસ્કાર એનાયત કરાયાં, સરિતા ગાયકવાડને રૂ. ૧ કરોડ, અંકિતા રૈનાને રૂ. ૫૦ લાખ અને માનવ ઠક્કર તેમજ હરમિત દેસાઈને રૂ. ૩૦-૩૦ લાખના પુરસ્કાર અપાયા

સરિતાને "પોષણ અભિયાન" અને અંકિતાને "બેટી બચાવો, બેટી પઢાવો"ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ખેલ પ્રતિભા સન્માન કાર્યક્રમમાં દોડવીર સરિતા ગાયકવાડને પોષણ અભિયાન માટેની, જ્યારે ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ અભિયાન માટે રાજ્યની એમ્બેસેડર જાહેર કરી હતી. રૂપાણીએ જણાવ્યું કે, આ બંને દીકરીઓ હવે રાજ્યની અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનીને પોષણક્ષમ અને શિક્ષિત બનવાનો સંદેશો પાઠવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ 18મી એશિયન ગેમ્સ-૨૦૧૮માં ૪૦૦ મીટર રિલેમાં સુવર્ણ ચંદ્ર્ક વિજેતા સરિતા ગાયકવાડ, ટેનિસમાં કાંસ્યચંદ્ર્ક વિજેતા અંકિતા રૈના ઉપરાંત ટેબલ ટેનિસ ટીમના કાંસ્ય ચંદ્ર્ક વિજેતા હરમિત દેસાઈ અને માનવ ઠકકરને ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માન કર્યું હતું. જેમાં સરિતા ગાયકવાડને રૂ. ૧ કરોડ, અંકિતા રૈનાને રૂ. ૫૦ લાખ તેમજ હરમિત દેસાઈ અને માનવ ઠકકરને રૂ. ૩૦-૩૦ લાખના પુરસ્કારના ચેક અર્પણ કરાયા હતા. 

 
વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, એશિયન ગેમ્સમાં સફળ વિજેતા ગુજરાતના રમતવીરોએ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. આ ચારેય ખેલાડીઓએ દુનિયાને બતાવી દીધું છે કે, ગુજરાતીઓ પણ દુનિયા સાથે સ્પર્ધા કરીને મેડલ જીતી શકે છે. તેમણે ઉમેર્યુ કે, ખેલમહાકુંભ, શક્તિદૂત યોજના અને નિષ્ણાંત કોચની તાલીમ માટે પ્રોત્સાહન સહિતની રાજ્ય સરકારની યોજનાને કારણે રાજ્યમાં રમતગમત પ્રત્યે નવો જ માહોલ ઉભો થયો છે. ગ્રામ્યકક્ષાએથી જ ઉભરતા ખેલાડીઓને રમતગમત માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, ૧૮ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ-૨૦૧૮માં ૪૦ રમતો માટે ૪૫ દેશોના આશરે ૧૪૦૦૦ જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ભારતીય ટીમમાં ગુજરાતના છ ખેલાડી પસંદગી પામ્યા હતા. 

આજના ખેલ પ્રતિભા પુરસ્કાર વિજેતા ચાર ખેલાડીઓ ઉપરાંત અંશુલ કોઠારી, સ્વિમિંગ અને એલાવેનિલ વાલરીયન શુટિંગમાં પસંદગી થઈ હતી. આ તમામ છ ખેલાડી રાજય સરકારની શક્તિદૂત યોજનાના લાભાર્થી છે. વર્ષ-૨૦૦૭થી અમલમાં આવેલી આ યોજના અંતર્ગત વર્ષ-૨૦૧૮ સુધીમાં કુલ ૭૭૭ ખેલાડીઓને રૂ. ૧૫.૮૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news