PMO માં ફરિયાદ થતા જ 10 દિવસથી ગાયબ દેવાયત ખવડ પોલીસ સામે હાજર થયો

Devayat Khavad News : દેવાયત ખવડે કરેલા હુમલાનો મામલો પહોંચ્યો PMOમાં..... લોક સાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ પોલીસ સમક્ષ થયા હાજર.... રાજકોટના DCP ક્રાઈમ સમક્ષ થયા હાજર...

PMO માં ફરિયાદ થતા જ 10 દિવસથી ગાયબ દેવાયત ખવડ પોલીસ સામે હાજર થયો

Devayat Khavad News ગૌરવ દવે/રાજકોટ : જાહેરમાં મારામારી કરીને ભૂર્ગભમાં ઉતરી જનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડનો મામલો હવે પીએમઓ ઓફિસમાં પહોંચ્યો છે. પીએમઓમાં મામલો પહોંચતા જ 10 દિવસથી ગાયબ દેવાયત ખવડ પોલીસ સામે હાજર થયો હતો. મારામારી કરીને ભાગી ગયેલો દેવાયત ખવડ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો હતો. ત્યારેે પોલીસ પૂછપરછ બાદ મીડિયા સમક્ષ માહિતી જાહેર કરશે.

ઈજાગ્રસ્ત મયુરસિંહ રાણાના પરિવારજનોએ PMOમાં ફરિયાદ કરી છે. રાજકોટ પોલીસ દ્વારા દેવાયત ખવડની ધરપકડ ન કરવામાં આવતા PMO સુધી પરિવારે મદદની ગુહાર લગાવી હતી. દેવાયત ખવડના આગોતરા જામીન અરજી પોલીસે સોગંદનામું રજૂ કર્યું છે. પોલીસે સોગંદનામામાં આગોતરા નામંજૂર કરવા માંગ કરી છે. પોલીસના સોગંદનામામાં દેવાયત ખવડના ગુનાહિત ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. 

ક્ષત્રિય સમાજે નારાજગી દર્શાવી હતી 
આ ઘટનાને આઠ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી રાજકોટ પોલીસે દેવાયત ખવડની ધરપકડ ન કરી શકી નથી. જેથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી છે. જેથી આજે ક્ષત્રિય સમાજના 50 થી વધુ આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે મયુરસિંહના પરિવાર સાથે પહોંચી ગયા હતા અને ડીસીપી સુધીર દેસાઈને રજૂઆત કરી હતી કે આગામી 48 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં નહીં આવે તો મયુરસિંહ રાણાના પરિવારજનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો આંદોલન ઉપર ઉતરી જશે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે, બનાવ બનીને સાત-આઠ દિવસ થઈ ગયા, છતાં આજદિન સુધી પોલીસે તેની ધરપકડ કરી નથી. આ પહેલા પણ રાજપૂત સમાજની મહિલાઓએ આવેદનપત્ર આપ્યુ હતું. આજે ત્રીજુ આવેદન આપ્યું. જો પોલીસ દેવાયતની ધરપકડ નહિ કરે તો આ પછી ચોથુ આવેદન ધરણાનુ હશે, અને પાંચમું આવેદન ઉપવાસ આંદોલન હશે. આટલી કલમ લગાવ્યા બાદ પણ ધરપકડ ન થાય એ કેવું. સખત પગલા લેવા જોઈએ. દેવાયત ભાગ્યો હશે તો રસ્તામાં અનેક સીસીટીવી, ટોલનાકા આવ્યા હશે, તે પરથી તપાસ કરી શકાય છે. અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધરપકડ થાય. પોલીસ ચારે દિશામાં તપાસ કરવી જોઈએ. પોલીસે બધુ તપાસ કરયું, માત્ર ધરપકડ ન કરી. 

પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપી હતી 
ક્ષત્રિય સમાજના લોકોને સાંત્વના આપતા ઝો-2ના ડીસીપી સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, દેવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. દેવાયતના આશ્રય સ્થાનો પર તપાસ હાથ ધરાવામાં આવી રહી છે. તેમજ તેની સાથે સંકળાયેલા લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા. તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને મોબાઇલ નંબર પર ટેક્નિકલ સેલની મદદથી નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોને પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે

શું હતો મામલો
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ મળીને એક યુવક પર અગંત અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કલાકાર કલાકારી કરીને ફરાર થઈ ગયો હતો. રાણો રાણાની રીતે...શબ્દ કહીને ફેમસ થનારો રાણો હાલ ક્યાં ખોવાણો છે એ મોટો પ્રશ્ન છે. ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે, ખવડ પોલીસને પૈસા ખવડાવીને ક્યાંક સંતાઈ રહ્યો હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ 8 દિવસથી પોલીસથી નાસતો ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કરતા નવો વિવાદ શરૂ થયો છે. ગત 7 ડીસેમ્બરના રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોક સાહિત્યકાર દેવાયત ખવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતી. રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ દેવાયત ખવડ સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાત દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નથી.

ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ, ઇજાગ્રસ્તના પરિવારનો આક્ષેપ
લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારામારી બાદ પોલીસથી નાસતા ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કર્યો હતો. ત્યારે આ મામલે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા પત્રકાર પરિષદ કરી પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકના પરિવારજન પ્રદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, મોડી રાત સુધી દેવાયત ખવડના ઘરે પોલીસની PCR વાન અને જીપ ઉભી રહેતી હતી. ફૂલ સાઉન્ડ ડાયરાઓ ઘરે કરતો હતો. જેને કારણે સોસાયટીના લોકો પણ ત્રાસી ગયા છે. એટલું જ નહીં દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ‘પોલીસ મારા ખિસ્સામાં છે’ તેવા શબ્દો દેવાયત ખવડ સોસાયટીમાં અવાર નવાર બોલતો હતો. 

લોક સાહિત્યકાર દેવાયત ખવડ જાણીતો ચહેરો છે ડાયરામાં ‘રાણો રાણાની રીતે’ શબ્દથી ખૂબ જ પ્રચલિત છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ કે. એ. વાળા કે જે હાલ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. જેના પુત્રના બર્થ ડેના દિવસે દેવાયત ખવડે શુભેચ્છા આપતો વીડિયો મેસેજ કે. એ. વાળાને મોકલ્યો હતો. પીઆઇ દેવાયત ફરાર હોવાનું જાણતા હોવા છતાં વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો અને જેનો વિવાદ થયો હતો. જે આરોપીની દેવાયત ખવડ સાત દિવસ થી પોલીસ શોધખોળ કરે છે તે પોલીસ વિભાગના જ પીઆઇના સંપર્કમાં છે. છતાં પોલીસ શોધખોળ કરી શકતી નથી. પીઆઇ કે. એ. વાળા સાથે દેવાયત ખવડને ખૂબ જ નિકટ સબંધ છે. અગાઉ પણ દેવાયત ખવડે કરેલી માથાકૂટમાં પીઆઇ સમાધાન કરાવવા વચ્ચે આવ્યા હતા. ત્યારે શું પોલીસ જ દેવાયત ખવડને આગોતરા જામીન લેવા સલાહ આપી રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news