વાપી પોલીસે જેને બુટલેગર સમજીને પકડ્યો, તે સુરતનો પોલીસ કર્મચારી નીકળ્યો
Gujarat Police : વલસાડના ડુંગરા પોલીસ દ્વારા એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે... વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો કાર ચાલક સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે
Trending Photos
Vapi News નિલેશ જોશી/વાપી : શ્રાવણ માસ આવતા જ શકુનિઓ અને બંધાણીઓ સક્રિય થઇ જાય છે. જોકે આ તકનો લાભ લઇ બુટલેગરો સક્રિય થઇ જાય છે. દક્ષિણ ગુજરાતમાં તહેવારોમાં વિદેશી દારૂની માંગમાં ધરખમ વધારો થાય છે ત્યારે આ તકનો લાભ લેવા અને ટૂંકા સમયમાં માલામાલ થવા સુરતનો એક પોલીસ કર્મચારી પણ બુટલેગિંગના ધંધામાં દાવ અજમાવવા ગયો હતો. જોકે સુરતના પાંડેસરા પોલીસનો એસએસઆઈને રૂપિયા તો નથી મળ્યા, પણ વલસાડની વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનના લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે અને બદનામીના છાંટા પડયા તે અલગ. તો કોણ છે આ ખાખીને બદનામ કરનાર પોલીસ જમાદાર જુઓ.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. પોલીસના કડક પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ડુંગરા પોલીસ દ્વારા એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વાપીની ડુંગરા પોલીસ દાદરા નગર હવેલીથી આવતા તમામ રસ્તાઓ પર સઘન પેટ્રોલિંગ કરતી હોય છે. એ દરમિયાન સેલવાસથી આવી રહેલી એક GJ-13-AM-9193 નંબરની કારને રોકી તેમાં તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ક્રેટા કારમાંથી 16 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કારમાં 16 પેટી વિદેશી દારૂ, અને કાર સાથે આરોપી બુટલેગરો ધરપકડ કરી હતી. કારમાં પોલીસ લખેલું બોર્ડ પણ હતું. ડુંગરા પોલીસે કોઈ પણ શેહ શરમ વિના 6.26 લાખ ના મુદ્દમાલ સાથે કારમાં સવાર દિગગેશ સિંહ અને રોનક હિરાણીની ધરપકડ કરી હતી.
ડુંગરા પોલીસે કારચાલકની પૂછપરછ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો કાર ચાલક સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતો રોનક હીરાની હોવાનું બહાર આવ્યું છે. તો સાથે તેનો મિત્ર દિગગેશ સિંહ પણ દારૂની હેરાફેરી માટે ઝડપાઇ ગયો છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની હદ પરથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો રોજબરોજ ઝડપાય છે. જેમના વિરુદ્ધ વલસાડ પોલીસે કડક કાર્યવાહી કરેલી છે. ત્યારે આ વખત વિદેશી દારૂની હેરાફેરીમાં મોટી કમાણી હોવાને કારણે આ જમાદાર પણ દારૂ તસ્કરી માં ઝડપાયો છે .અને ફરી એક વાર ખાખી બદનામ થઇ છે. આ વખતે પણ વલસાડ પોલીસે સુરતના બુટલેગર એએસઆઈની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદેશી દારૂની હેરાફેરી અને ધંધામાં મોટી કમાણીને કારણે રીઢા બુટલેગરોની સાથે સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે. અગાઉ પણ વલસાડ જિલ્લા પોલીસના હાથે અનેક પોલીસ કર્મીઓ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચુકયા છે. હાલ પોલીસે ઝડપેલા દારૂની હેરાફેરીમાં સુરતના જમાદાર પણ પોલીસ લોકઅપના મહેમાન બન્યા છે. વલસાડ પોલીસે એસઆઇ રોનક અને તેના મિત્ર દિગગેશના રિમાન્ડ લઈ કારમાં દારૂ ભરાવી આપનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે