સોશિયલ મીડિયામાં ફેમસ થવા મેદાનમાં પહોંચી ગયો હતો વેન જોન્સન, તપાસમાં થયા મહત્વના ખુલાસા

Pitch Invading at Narendra Modi Stadium: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ દરમિયાન પિચ ઇનવેડિંગની ઘટના બની હતી. મેદાનમાં ઘૂસેલા યુવક અંગે નવા-નવા ખુલાસા થયા છે. તે આ પહેલા પણ આવી રીતે મેદાનમાં ઘૂસી ચૂક્યો છે.
 

સોશિયલ મીડિયામાં ફેમસ થવા મેદાનમાં પહોંચી ગયો હતો વેન જોન્સન, તપાસમાં થયા મહત્વના ખુલાસા

હિતેન વિઠલાણી, અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન વિરાટ કોહલીનો ફેન પોતાને બતાવનાર વેન જોન્સન માત્ર ગણતરીની સેકન્ડોમાં જ દોડી અને ગ્રાઉન્ડ કુદી ગયો હતો. સુરક્ષા કર્મીઓએ તેને રોકવા જતા તે જીગ જેગ દોડી જઈ વિરાટ કોહલી ને મળવા માટે પહોંચી ગયો હતો. જો કે હાલ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા કેટલાક મહત્વના પુરાવાઓ પણ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા છે. હાલ આરોપી વેન જોન્સન એક દિવસના પોલીસ રિમાન્ડ પર છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને તપાસ સોંપાતા જ આરોપી વેન જોન્સનની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપીએ પ્રથમ વખત નહીં પરંતુ અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં 2020 માં રગબીની સ્ટેટ ઓફ ઓરીજન 3 મેચમાં સન કોર સ્ટેડિયમમાં પ્લેયરના ડ્રેસ કોડમાં આ જ રીતે અનઅધિકૃત રીતે પ્રવેશ કરતા તેને 200 ડોલરનો દંડ કરવામાં આવેલો હતો. જ્યારે ફીફા વુમન્સ વર્લ્ડ કપ 2023 માં પણ ઇંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે રમાઈ રહેલી મેચમાં "STOP PUTLER" TO અને "FREE UK RAINE" લખેલી ટીશર્ટ પહેરી ગ્રાઉન્ડમાં ઘુસી જતા 500 ડોલર જેટલો દંડ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન પણ માત્ર ત્રણથી પાંચ સેકન્ડમાં જ સુરક્ષા બંદોબસ્ત ને ચકમો આપી વેન જોન્સન વિરાટ કોહલી ને મળવા માટે પહોંચી ગયો હતો.

આરોપી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન તે 10 નવેમ્બરના સીડની એરપોર્ટથી દિલ્હી ખાતે પહોંચ્યો અને દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો. આ દરમિયાન 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી તે અલગ અલગ અમદાવાદની હોટલોમાં પોતાના નામથી રોકાતો હતો. એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચે મેચની ટિકિટ અંગે તપાસ કરતા સામે આવ્યું કે bookmyshow નામની એપ્લિકેશનથી વેન જોન્સને ફાઇનલ મેચની ટિકિટ બુક કરાવી પોતાની સાથે જ લઈને આવેલા આ ટીશર્ટ પહેરીને અમદાવાદથી ઇન્ડિયન ટીમનું સપોર્ટ કરતું બ્લુ ટીશર્ટ પહેરી સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો. જોકે પ્રવેશ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ તેની પાસેથી મળી આવેલ નહોતી.

હાલમાં આરોપી વેન જોન્સન એક દિવસના પોલીસ રિમાન્ડમાં છે ત્યારે,ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના બેન્ક એકાઉન્ટની અલગ અલગ વિગતો તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે વેન જોનસન મૂડ ઓસ્ટ્રેલિયાના સિડનીનો રહેવાસી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેના માતા-પિતાથી અલગ રહીને ક્યારેક કડિયા કામ તો ક્યારેક સોલર ફીટીંગ કરવાનું કામ કરીને રોજગારી મેળવતો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ IPC કલમ 332 એટલે કે રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ અને IPC કલમ 447 એટલે કે અનઅધિકૃત પ્રવેશ અંગેની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં આજ મોડેશ ઓપરેન્ડીથી ગ્રાઉન્ડમાં ઘુસીજનાર વેન જોન્સન લોકોનું આકર્ષણ મેળવવા માટે આ પ્રકારના કૃત્ય કરતો રહ્યો છે. પરંતુ આ કૃત્ય પાછળ તેને ફંડિંગ કરનાર કે અન્ય કોઈ સંગઠનનો સપોર્ટ મળતો હતો કે કેમ તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news