શરમમાં મુકાઇ ખાખી: બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી અને તેની પત્નીને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણ (Daman) થી ભરૂચ (Bharuch) સુધી વિદેશી દારૂની ખેપ મારતો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 
શરમમાં મુકાઇ ખાખી: બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી અને તેની પત્નીને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણ (Daman) થી ભરૂચ (Bharuch) સુધી વિદેશી દારૂની ખેપ મારતો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 

આથી વલસાડ (Valsad) જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) આરોપી પોલીસકર્મી અને તેની પત્નીની ધરપકડ પણ કરી સળિયા પાછળ ધકેલી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે ગાંધીના ગુજરાત (Gujarat) માં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે તેમછતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. 

જોકે વિદેશી દારૂની હેરાફેરી અને ધંધામાં મોટી કમાણીને કારણે રીઢા બુટલેગરોની સાથે સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે. અગાઉ પણ વલસાડ (Valsad) જિલ્લા પોલીસના હાથે અનેક પોલીસ કર્મીઓ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચુકયા છે.

જોકે આ વખતે વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ભરુચના પોલીસ અધીક્ષકની કચેરીમાં નોકરી કરતા એક પોલીસકર્મીને તેની પત્નીને સાથે રાખી અને કારમાં વિદેશી દારૂની ખેપ મારતો રંગેહાથ ઝડપી પાડયો છે. 

બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ (Valsad) જિલ્લા એલસીબી પોલીસ (Valsad) ને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમ વલસાડ (Valsad) ના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ દરમિયાન જ પોલીસ (Police) ને મળેલી બાતમી વાળી એક સફેદ કલરની કાર હાઇવે પરથી પસાર થતાં પોલીસે (Police) તેમનો પીછો કર્યો હતો. અને કારચાલકને કાર થોભવવા ઇશારો કર્યો હતો. આથી કારચાલકે કારને થોભાવી દીધી હતી. 

આથી પોલીસે (Police) કારચાલકની પૂછપરછ કરતાં પોતે ભરૂચ પોલીસ અધીક્ષકની કચેરીમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. અને બાળકને સાથે લઈ અને બાજુમાં બેઠેલી મહિલા તેની પત્ની હોવાની ઓળખ આપી હતી. આથી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી પોલીસ (Police) લખેલું બોર્ડ મળી આવ્યું હતું. 

વધુ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની અનેક બોટલો મળી આવી હતી. પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા કારમાંથી અંદાજે 87 હજારની કિંમતના વિદેશી દારૂની 226 બોટલો મળી આવી હતી. આથી પોલીસે કારચાલક આરોપી પોલીસકર્મી દીપકભાઈ રમણભાઈ પરમાર અને તેની પત્ની મમતાબેન દીપકભાઈ પરમારની દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભરૂચ પોલીસ અધીક્ષકની કચેરીમાં રજિસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મી દીપક પરમાર પોતે દારૂની હેરાફેરીમાં મોટી કમાણી હોવાથી પોલીસને શક ન જાય તે માટે પોતાની પત્ની અને બાળકને સાથે રાખી અને દમણથી ભરૂચ સુધી દારૂની ખેપ મારતો હતો. કારમાંથી મળી આવેલો દારૂ દમણના દેવકા બીચ રોડ પર હાર્દિક નામના એક વ્યક્તિએ ભરાવ્યો હતો. અને આ દારૂનો જથ્થો તો ભરૂચના કરજણ તાલુકાના સારીંગ ગામના શૈલેષ ઠાકોર નામના બુટલેગરને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. 

ભરૂચ પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મી આરોપી દીપક પરમાર અને તેની પત્નીની ધરપકડ કરી હતી. જોકે તેમની સાથે તેમનું નાનું બાળક પણ હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઇ હતી. જોકે નજીક તેમનું કોઈ સંબંધી આજુબાજુના વિસ્તારમાં નહિ રહેતો હોવાથી બાળકને આરોપીઓની સાથે રાખવામાં આવ્યું હતું.

આમ આ વખતે પણ વલસાડ એલ.સી.બી પોલીસે કોઇપણ જાતની શેહ શરમ રાખ્યા વિના ભરૂચના એક પોલીસકર્મીને દારૂની હેરાફેરીના ગુનામાં તેની પત્ની સાથે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે દારૂની હેરાફેરીમાં મોટી કમાણીને કારણે અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસના હાથે અનેક પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચૂકયા છે.

ત્યારે ફરી એક વખત એલસીબી પોલીસે ભરૂચના એક પોલીસકર્મીને દારૂની હેરાફેરીના ગુનામાં પત્ની સાથે ધરપકડ કરી. સાથે જ દમણથી દારૂ ભરાવનાર હાર્દિક નામના વ્યક્તિ અને દારૂ મંગાવનાર બુટલેગર શૈલેષ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી તેમને પણ ઝડપવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલામાં 87 હજાર રૂપિયાની કિંમત વિદેશી દારૂ અને કાર મળી અંદાજે 6 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news