વેક્સીન નહિ તો માછીમારી પણ નહિ, નિયમોને કારણે અટવાયા વલસાડના માછીમારો
Trending Photos
- કોરોના બાદ માછીમારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. માછીમારોને માછીમારી કરવા દરિયામાં જવું હોય તો રસીકરણ ખૂબ જ જરૂરી છે
- માછીમારો રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર અનેક વખત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ જથ્થાના અભાવને રસી ઉપલબ્ધ નથી થઈ
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં વસતા માછીમારોને દરિયો ખેડવાનો સમય થઈ ગયો છે. જોકે દરિયામાં જતા વખતે માછીમારોએ રસી લેવી ફરજિયાત કરી દેવાઈ છે. પરંતુ હજુ સુધી તમામ માછીમારોને રસી નહિ મળી હોવાથી માછીમારો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે હવે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પણ રસી મેળવવા ઇચ્છુક માછીમારોના વહારે આવ્યા છે. રસીથી વંચિત વલસાડના માછીમારો માટે રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે તેવી માંગ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને કરી છે.
વલસાડ જિલ્લામાં માછીમારોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે. જોકે કોરોના બાદ માછીમારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. માછીમારોને માછીમારી કરવા દરિયામાં જવું હોય તો રસીકરણ ખૂબ જ જરૂરી છે. સાથે જ જિલ્લામાંથી ઘણા માછીમાર પરિવારના યુવાનો મોટા જહાજોમાં નોકરી કરવા માટે પણ જતા હોય છે. ત્યાં પણ વેક્સીનની 2 રસી લીધી હોય તો જ જહાજો પર કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. જોકે વલસાડના 15 હજાર જેટલા માછીમારો હજુ પણ રસીથી વંચિત છે. આથી તેમને દરિયામાં જવું મુશ્કેલ બની ગયું છે. હવે માછીમારીની સીઝન શરૂ થવાની તૈયારી છે. તેવા સમયે જો તેમનું રસીકરણ નહિ થયું હોય તો તે ધંધો નહિ કરી શકે. આથી રોજીરોટી માટે માછીમારી પર નિર્ભર આ માછીમારોની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. આથી સરકાર તાત્કાલિક આ માછીમારોને બીજી વેક્સીન આપે એ માટે તેઓ તંત્રને રજુઆત કરી રહ્યા છે. તો વલસાડના ધારાસભ્યએ પણ આ બાબતે નાયબ મુખ્યમંત્રીને રજુઆતો કરી છે. જો આ વર્ષે પણ માછીમારોને સમયસર દરિયો ખેડવા ન મળે તો તેમને ખાવાના પણ ફાંફા પડી શકે છે.
મહત્વપૂર્ણ છે કે, અત્યારે રાજ્યમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. જોકે અપૂરતા રસીના જથ્થાને કારણે તમામ લોકો માટે રસીનો જથ્થો ઉપલબ્ધ થઈ રહ્યો નથી. આથી અનેક લોકો રસીથી વંચિત રહ્યા છે. જોકે નોકરી-ધંધા અને કંપનીઓમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ સહિત માછીમારો માટે પણ રસી ફરજિયાત કરી દેવામાં આવી હોવાથી હવે આવા ધંધાર્થીઓ અને કામદારો સાથે માછીમારો પણ રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર અનેક વખત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ પૂરતા રસીના જથ્થાના અભાવને કારણે હજુ સુધી આ માછીમારોને રસી ઉપલબ્ધ નથી થઈ.
વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા ગામોમાં મોટાભાગે માછીમાર વસ્તી વસવાટ કરે છે. આથી આ માછીમારોને અત્યારે દરિયો ખેડવાનો સમય આવી ગયો છે અને રોજીરોટી માટે માછીમારી પર જ નિર્ભર રહેતા આ પરિવારના કમાનાર મોભીને રસી નહિ મળી રહી હોવાથી તેઓ કામ પર પણ જઇ શક્તા નથી. રસી નહિ મળી હોવાથી તેમની રોજગારી પર પણ અસર થઈ રહી છે. આથી રસીથી વંચિત આવા માછીમારો માટે સરકાર દ્વારા તાત્કાલિક રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવે અને તમામ માછીમારોને ઝડપીથી રસી મુકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે