વડોદરા કોર્પોરેશનનું રૂ.3554.51 કરોડનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરાયું

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2019-20નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યુ...રૂપિયા 3554.51 કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યુ છે...બજેટમાં કરવેરાના દરમાં કોઈ જ વધારો કરાયો નથી. 

વડોદરા કોર્પોરેશનનું રૂ.3554.51 કરોડનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરાયું

રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરા મ્યુનિસિલ કમિશન અજય ભાદુએ વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. રૂ.3554.51 કરોડના બજેટમાં કરવેરાના દરમાં કોઈ જ વધારો કરાયો નથી. બજેટમાં મુખ્ય ધ્યાન પ્રાથમિક સુવિધાઓ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. 

વડોદરા કોર્પોરેશનના વર્ષ 2019-20ના ડ્રાફટ બજેટમાં મુખ્ય ધ્યાન પ્રાથમિક સુવિધાઓ પર કેન્દ્રિત કરાયું છે. જેમાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો પર પ્રથમવાર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત બજેટમા ઈઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન આપવા માટે માલિકી અને ભાડુઆતના રહેણાંકના ભારંકનો અડધો ટકો તફાવત રદ કર્યો છે. જેનાથી કોર્પોરેશનની આવક 3 કરોડ જેટલી ઘટશે પરંતુ કોર્પોરેશનમાં 30 હજારથી વધુ ભાડુઆત મિલકતના વેરાના વિવાદના જે કેસો પેન્ડીંગ છે તેનો નિકાલ આવશે. 

બજેટમાં ગુમાસ્તા ધારામાં લાયસન્સની મુદ્દત વધારીને પાંચ વર્ષ કરાઈ છે. સાતમા પગાર પંચના કારણે ચાલુ વર્ષે કુલ મહેસુલી આવકના 52 ટકા ખર્ચ માત્ર મહેકમ પાછળ જ થવાનો છે. જે કોર્પોરેશન માટે સૌથી મોટો પડકાર છે. કોર્પોરેશને ગત વર્ષ કરતા બજેટમાં 200 કરોડનો ઘટાડો કર્યો છે. 

વડોદરામાં લાગુ થશે વોટર મીટર પોલીસી
વડોદરા કોર્પોરેશનના ડ્રાફટ બજેટમાં ટૂંક સમયમાં વોટર મીટર પોલીસી અમલમાં મુકવાની વાત કરાઈ છે. સાથે જ ટ્રાફીકની સમસ્યા દુર કરવા અટલાદરા માંજલપુર રોડ પર રેલવે ઓવર બ્રીજ બનાવાશે તો અલકાપુરીમાં મલ્ટીલેવલ પાર્કિગ બનાવાશે. પાલિકા વાસણા ભાયલી ખાતે નવુ ફાયર સ્ટેશન બનાવશે તેમજ રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા માટે ખંટબા ખાતે 1000 ઢોરોના દેખરેખ માટે પશુધન કેર સેન્ટર પણ બનાવાશે. 

6 નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે
શહેરના લોકોને પુરતી આરોગ્ય સુવિધાઓ મળી રહે એ વાતને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ દરમિયાન 6 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત પાલિકા આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, બાપોદ ટાંકી વિસ્તારોમાં નવીન નેટવર્કની કામગીરી કરાશે. તેમજ 

માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો માસ્ટર પ્લાન બનશે
વડોદરાના બહારના વિસ્તાર સાથે કનેકટીવીટી આપવા માટે માસ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ડેવલપ કરવા માસ્ટર પ્લાન બનાવાશે. વર્ષ 2019-20ના ડ્રાફટ બજેટમાં વડોદરા શહેરના ફરતે વિકસીત થઈ રહેલા વિસ્તારો તેમજ ઈન્ડસ્ટ્રીયલ એરીયાને શહેર સાથે કનેકટીવીટી આપવા માટે માસ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ડેવલપ કરવા માટેનો માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી 1 કરોડના ખર્ચે કરાશે. જેમાં રેલવે અને કોર્પોરેશન વચ્ચે એમઓયુ કરવામાં આવી શકે છે. જેના અંતર્ગત વડોદરાથી બહાર 40 ટ્રેનો દોડાવી શકાય છે અથવા તો બસ પણ દોડાવાનું આયોજન કોર્પોરેશનનું છે. 

સ્માર્ટ સિટી પ્રોજેકટ પાછળ ખર્ચાશે 400 કરોડ
બજેટમાં કોર્પોરેશને ચાલુ વર્ષે સ્માર્ટ સિટી પ્રોજેકટ પાછળ 400 કરોડનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સ્માર્ટ સિટીનો પ્રોજેકટ 2397 કરોડનો છે જેમાં 60 પ્રોજેકટનો સમાવેશ થાય છે. અત્યારસુધી કોર્પોરેશને 18 પ્રોજેકટ પુરા કરી 533 કરોડનો ખર્ચ કર્યો છે. સ્માર્ટ સિટીમાં હાલમાં કંપની પાસે 342.05 કરોડનું ફંડ છે. કોર્પોરેશને સ્માર્ટ સિટી કંપનીમાં ચાલુ વર્ષે 100 કરોડનો ફાળો આપશે. 

આવક વધારવા 100 કરોડના બોન્ડ બહાર પાડશે પાલિકા
કોર્પોરેશન અમૃત યોજના માટે પોતાના ફાળા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડશે, તેમજ 300 કરોડની લોન લેવા માટે સરકાર પાસે મંજુરી માંગશે.  

મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કહ્યું કે વર્ષ 2019-20નું ડ્રાફટ બજેટમાં લોકોની પ્રાથમિક સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું. ચાલુ વર્ષે કોઈ પણ કરવેરાનો વધારો કરાયો નથી. હવે ડ્રાફટ બજેટને કોર્પોરેશનની સામાન્ય સભામા મંજુરી માટે મુકાશે જે સર્વાનુમતે મંજુર થશે તેવુ માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવેરામાં કોઈ વધારો પણ નથી કર્યો કે કોઈ મોટી જાહેરાત પણ નથી કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news