Vadodara: સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં આવ્યા મહત્વના અપડેટ, પૈસા પડાવનારા 2 જ્યોતિષી પકડાયા

જ્યોતિષીઓએ સોની પરિવાર પાસેથી 32 લાખ જેવી માતબાર રકમ પડાવી હતી. 8 જેટલા જ્યોતિષીઓના નામ પોલીસ પાસે હતા. જેમાંથી બેની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને વડોદરા લાવીને કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Vadodara: સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં આવ્યા મહત્વના અપડેટ,  પૈસા પડાવનારા 2 જ્યોતિષી પકડાયા

રવિ અગ્રવાલ, અમદાવાદ: વડોદરામાં સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો, અને છેવટે આખા પરિવારે સામૂહિક આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડ્યું. સોની પરિવારના પુત્ર ભાવિન સોનીએ મૃત્યુ પહેલા કેટલાક જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. ત્યારબાદ તપાસ શરૂ થતા જ પોલીસ પકડથી દૂર રહેવા માટે તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે મોટા અપડેટ એ છે કે પોલીસે બે જ્યોતિષીઓની રાજસ્થાનની ધરપકડ કરી લીધી છે. 

મળતી માહિતી મુજબ જ્યોતિષીઓએ સોની પરિવાર પાસેથી 32 લાખ જેવી માતબાર રકમ પડાવી હતી. 8 જેટલા જ્યોતિષીઓના નામ પોલીસ પાસે હતા. જેમાંથી બેની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને વડોદરા લાવીને કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ 6 જ્યોતિષી પકડ બહાર છે. અત્રે જણાવવાનું કે સોની પરિવારના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. 

પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જ જાતે આ ઝેરી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા હતા

મોત પહેલા ભાવિને પોલીસ સામે લેભાગુ જ્યોતિષીઓને ખુલ્લા પાડ્યા  
સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે. ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને કહ્યું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી. મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. 2018 ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ભાવિને કહ્યું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હાત. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું.
સામૂહિક આપઘાત કેસ : નરેન્દ્રભાઈના મૃતદેહ પાસે ફોન રણકતો રહ્યો, ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ પોતાના જ ગાલ પર લાફા માર્યાં

જ્યોતિષીઓ રાજસ્થાનના રહેવાસી 
ભાવિન સોનીએ મરતા પહેલા તમામ લેભાગુ જ્યોતિષીઓના નામ આપ્યા હતા. પોલીસે તમામ જ્યોતિષીઓને પકડવા દરોડા પાડ્યા હતા. પણ આ તમામ રાજસ્થાન ફરાર થઈ ગયા છે. જો કે, પોલીસને આ તમામ જ્યોતિષીઓને પકડવા માટે જલ્દી જ સફળતા મળશે તેવુ લાગી રહ્યું છે. સમા પોલીસે વડોદરા અને અમદાવાદના હેમંત જોષી(રહે-ગોત્રી કેનાલ,વડોદરા), સ્વરાજ જ્યોતિષી, પ્રહલાદ, દિનેશ, સમીર જોષી, સાહિલ વ્હોરા, વિજય જોષી, અલ્કેશ સહિતના જયોતિષીઓની સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે, પરંતુ તેમનો કોઈ જ પત્તો મળી શકયો ન હતો. હાલ પોલીસે તેમના લોકોના મોબાઈલ લોકેશનની તપાસ કરી, જ્યાં તમામ રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, તમામ જ્યોતિષી રાજસ્થાનના રહેવાસી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news