વડોદરામાં schools unlock : માત્ર બે વિદ્યાર્થીઓ સાથે ખૂલી એક્સપરિમેન્ટ સ્કૂલ 

વડોદરામાં schools unlock : માત્ર બે વિદ્યાર્થીઓ સાથે ખૂલી એક્સપરિમેન્ટ સ્કૂલ 
  • વડોદરામાં બોર્ડ પરીક્ષાના કેન્દ્રોને બાદ કરતા બચેલી 55 સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો શરૂ થયા
  • વડોદરા એક્સપરિમેન્ટ સ્કૂલમાં ધો-12ના ક્લાસમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ ક્લાસમાં જોવા મળ્યા

રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાની બીજી લહેર બાદ આજથી રાજ્યભરની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે. વડોદરામાં આજથી ધો-12ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. પહેલા દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જેમાં વડોદરા એક્સપરિમેન્ટ સ્કૂલમાં ધો-12ના ક્લાસમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ ક્લાસમાં જોવા મળ્યા હતા. જોકે, શાળાના શિક્ષકોએ બંને વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન સાથે ભણાવ્યા હતા. 

સ્કૂલો માટે 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓએ સંમતિ આપી 

બોર્ડની ધોરણ 10-12ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઇ છે. 115 સ્કૂલો પર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ તમામ સ્કૂલો પર ધો-12ના ઓફલાઇન વર્ગો જ્યાં સુધી પરીક્ષા પૂરી નહીં થાય ત્યાં સુધી શરૂ થઇ શકશે નહિ. વડોદરા શહેરમાં 170 જેટલી શાળાઓ ધોરણ 11-12 ધરાવે છે. બોર્ડ પરીક્ષાના કેન્દ્રોને બાદ કરતા બચેલી 55 સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. જોકે, આ સ્કૂલો માટે 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓએ સંમતિ મોકલી છે.

આજે બે વિદ્યાર્થીઓ આવ્યા, સોમવારથી વધુ આવશે 

એક્સપરિમેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ નિમેષભાઇ દરજીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇન અને SOP પ્રમાણે અમે આજથી ધો-12ના વર્ગો શરૂ કર્યાં છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે માત્ર બે વિદ્યાર્થીઓ જ આવ્યા છે, જોકે, સોમવારે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. અમે વાલીઓને બોલાવીને તેમના સંમતિ પત્રકો લઇ રહ્યા છીએ. 

વિદ્યાર્થી ઉદય ચૌહાણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ અમે ફરીથી અભ્યાસ કરવા માટે સ્કૂલમાં આવ્યા છીએ. જેથી અમને ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. ઓનલાઇન અભ્યાસમાં મજા આવતી નથી. સ્કૂલમાં આવીને સર પાસેથી ભણવાની મજા જ અલગ છે. આશા રાખીએ કે, હવે ઓફલાઇન શિક્ષણ ચાલતુ રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news