લારી ચલાવનાર 35 હજાર પરિવારોની કમાણી પર લાગી બ્રેક, વડોદરામાં અમલી નથી થઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસી

સ્માર્ટ સિટી વડોદરામાં લારી ગલ્લા ધારકો હેરાન પરેશાન થયા છે. કારણ કે કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કર્યું નથી. મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણ માટે શહેરમાં લારી ગલ્લાઓનો સરવે કરાવાયો. જેમાં હાલમાં 12670 લારી, પથારા અને ગલ્લાઓ હોવાનું સામે આવ્યું. જેના થકી 35 હજારથી વધુ પરિવારો રોજગારી મેળવી રહ્યાં છે.

લારી ચલાવનાર 35 હજાર પરિવારોની કમાણી પર લાગી બ્રેક, વડોદરામાં અમલી નથી થઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસી

રવિ અગ્રવાલ/વડોદરા : કેન્દ્ર સરકાર દેશના બેરોજગાર યુવાનોને પકોડા વેચી રોજગાર મેળવવા સલાહ આપે છે. આ સલાહને દેશના કરોડો બેરોજગાર યુવાનો માને પણ છે. આથી તેઓએ પકોડાના વ્યવસાય થકી કમાણી મેળવવાનું સાધન ઉભું કર્યું છે. પરંતુ વડોદરા મનપાને જાણે કેન્દ્ર સરકારની સલાહ મંજુર ન હોય તેમ તેઓ રોજે રોજ પકોડા વેચી રોજગાર મેળવતા લોકોની લારી ગલ્લા ઉઠાવી લે છે. જેના કારણે લોકો ફરીવખત આ યુવાનો બેરોજગાર બની રહ્યા છે. વડોદરા મનપાએ તો કોર્ટના આદેશ મુજબ સ્ટ્રીટ વેન્ડર પોલીસીને અમલમાં પણ નથી મૂકી. જેને લઈ લારીધારકોમાં ભારે રોષ છે. 

સ્માર્ટ સિટી વડોદરામાં લારી ગલ્લા ધારકો હેરાન પરેશાન થયા છે. કારણ કે કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કર્યું નથી. મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણ માટે શહેરમાં લારી ગલ્લાઓનો સરવે કરાવાયો. જેમાં હાલમાં 12670 લારી, પથારા અને ગલ્લાઓ હોવાનું સામે આવ્યું. જેના થકી 35 હજારથી વધુ પરિવારો રોજગારી મેળવી રહ્યાં છે. જેના કારણે મનપા કમિશનરે સ્ટેન્ડીંગ કમિટીમાં પ્રોવિઝનલ ટાઉન વેન્ડીંગ કમિટી તૈયાર કરી મંજુરી આપવા દરખાસ્ત કરી હતી. પરંતુ ભાજપમાં ચાલતા આંતરિક રાજકારણને કારણે ટાઉન વેન્ડીંગ કમિટીની જાહેરાત અભરાઈએ ચઢી ગઈ છે. બીજી બાજુ રોજે રોજ મનપાની દબાણ ટીમ શહેરમાંથી લારી ગલ્લા હટાવી લેતા લોકો બેરાજગાર બની રહ્યા છે. ત્યારે લારી ગલ્લા એસોસિયેશનના પ્રવક્તાએ ભાજપના આંતરિક રાજકારણથી લારીધારકોને અન્યાય થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. 

આ વિશે લારી ગલ્લા એસોસિયેશનના પ્રવક્તા સચીન ઠક્કરે જણાવ્યું કે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી મનપાએ તૈયાર કરી દીધી છે. લારી ગલ્લાઓનો સરવે પણ કરી લીધો છે અને હવે ટાઉન વેન્ડીંગ કમિટીની દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારમાં પણ મોકલી આપી છે. પરંતુ રાજ્ય સરકાર દરખાસ્તને મંજુરી આપવા માટે મોડું કરતી હોવાથી મનાપાના હાથ બંધાઈ ગયા છે. મનપાએ તો લારીધારકોના રજિસ્ટ્રેશનનું કામ પૂર્ણ કરી લીધું છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો પ્લાન પણ તૈયાર કરી દીધો છે. જેમાંનો હોકિંગ ઝોન, હોકિંગ ઝોન અને કાયમ માટે હોકિંગ ઝોન એમ ત્રણ વિકલ્પ તૈયાર કર્યા છે. સાથે જ લારી ધારકોને વોર્ડ અને સ્ટ્રીટ વાઈસ ઓપન હેતુના પ્લોટ અને રોડ સાઈડ પર જગ્યા ફાળવાશે તે નકકી પણ કરી લીધું છે. પરંતુ રાજ્ય સરકારના દરખાસ્તની મંજુરીની રાહ અને ટાઉન વેન્ડીંગ કમિટીના ગઠનમાં થતા વિલંબના કારણે સ્ટ્રીટ વેન્ડર પોલીસના અમલીકરણ પર બ્રેક વાગી છે. 

મહત્વની વાત છે કે, કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલ કરાવવામાં મનપા નિષ્ફળ નીવડી છે. બીજી તરફ ભાજપમાં ચાલતા આતંરિક રાજકારણનો ભોગ હજારો લારીધારકો અને પરિવાર બની રહ્યા છે. ત્યારે જો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ વહેલી તકે થાય તો લોકોની રોજગારીનો પ્રશ્ર હલ થશે. સાથો સાથ મનપાની પણ સારી આવક ઉભી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news