વડોદરાના અટલબ્રિજ નિર્માણના કરોડો રૂપિયા પાણીમાં! એક જ વરસાદમાં સેફ્ટી વોલ ધ્વસ્ત, 5 વીજપોલ પડી ગયા

આજે વડોદરામાં ફૂંકાયેલા તોફાની પવનોએ બ્રિજની સેફ્ટી વોલની સેફ્ટી સામે વેધક સવાલો ઉભા કરી દીધા છે. 40 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અટલ બ્રિજની સેફ્ટી વોલ ધરાશાઈ થઈ ગઈ અને બ્લોકના ટુકડા રોડ પર વિખેરાયેલા જોવા મળ્યા.

વડોદરાના અટલબ્રિજ નિર્માણના કરોડો રૂપિયા પાણીમાં! એક જ વરસાદમાં સેફ્ટી વોલ ધ્વસ્ત, 5 વીજપોલ પડી ગયા

હાર્દિક દીક્ષિત/વડોદરા: Zee 24 kalak દ્વારા અટલ બ્રિજ મામલે વધુ એક વખત મોટી ખબર દર્શાવવામાં આવી છે. ભૂતકાળની તિરાડોના દાગ હજી તો ભુસાયા નથી. તેવામાં આજે આજ અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડી છે. નાગરિકોને નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર સત્તાધીશોને ખુલ્લી આંખે પણ દેખાતો નથી. આજે પણ બ્રિજ ની હલકી ગુણવત્તા નો તંત્ર ને સ્વીકાર નથી ત્યારે રાજ્ય નો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એક વખત વડોદરા વાસીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા શહેરમાં આવેલો અને રાજ્ય નો સૌથી લાંબા બ્રિજ ની ખ્યાતિ ધરાવતા અટલ બ્રિજ ને કોઈ ની નજર લાગે એ પેહલા જ કટકી બાજો ની નજર માં આવી ગયો હતો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજ ના નિર્માણ કાર્ય દરમિયાન કોન્ટ્રાકટર ની મેલી મુરાદ પર સત્તાધીશો દ્વારા નજર રાખવામાં ન આવી જેના કારણે આજે આ બ્રિજ નબળી કામગીરીના કારણે સતત વિવાદો માં સપડાઈ રહ્યો છે.

આજે વડોદરામાં ફૂંકાયેલા તોફાની પવનોએ બ્રિજની સેફ્ટી વોલની સેફ્ટી સામે વેધક સવાલો ઉભા કરી દીધા છે. 40 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અટલ બ્રિજની સેફ્ટી વોલ ધરાશાઈ થઈ ગઈ અને બ્લોકના ટુકડા રોડ પર વિખેરાયેલા જોવા મળ્યા. ઝી 24 કલાક એ બ્રિજ ની ગુણવત્તા ચકાસી તો સેફ્ટી વોલના વેખરાએલા બ્લોક હાથ થી ભુક્કો થઈ જાય તેવા હતા. ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં બ્રિજની નબળી કામગીરીની પોલ તો ખુલી જ સાથે નાગરિકોએ પણ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા.

અટલ બ્રિજની સેફ્ટી વોલ ધરાશાઈ થવાનો exclusive અહેવાલ ઝી 24 કલાક એ પ્રસારિત કરતાની સાથે જ ઊંગતું તંત્ર જાગ્યું ને ઘટના સ્થળે દોડી આવ્યું. અહી નવાઇની વાત તો એ છે કે તૂટેલી વોલનું નિરીક્ષણ કરવા પહોંચેલા મ્યુ કમિશ્નર દિલીપ રાણા તેમજ બ્રિજ શાખાના અધિકારીઓએ નિરીક્ષણ તો કર્યું પરંતુ તેમને ભ્રષ્ટાચારની દીવાલ ન દેખાઈ. 

ઝી24કલાક સાથેની વાતચીતમાં મ્યુ કમિશ્નર દિલીપ રાણાએ હાસ્યાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે જે વોલ તૂટી છે એ કોઈ સેફ્ટી વોલ નથી એને બ્રિજ સાથે કોઈ નિસબત નથી. અમે તો બ્રિજની સ્વચ્છતા માટે સ્વચ્છતા વોલ બનાવી હતી. જે આજે તૂટી ગઈ છે. મ્યુનિ કમિશ્નરના આ પ્રકાર નિવેદનથી ત્યાં હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે આખા દેશમાં કોઈ બ્રિજ નીચે સેફ્ટીને બદલે સ્વચ્છતા વોલ બનાવી હોય તેવો કોઈ બ્રિજનો કિસ્સો સામે આવ્યો નથી.

એક તરફ અટલ બ્રિજ સતત વિવાદોમાં આવી રહ્યો છે તેવામાં હવે કોંગ્રેસ પણ વિરોધ કરવાનો કોઈ મોકો છોડવા માંગતી નથી. બ્રિજની સેફ્ટી વોલ તૂટતાંની સાથે જ કોંગ્રેસે મેદાનમાં ઝંપલાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, અટલ બ્રિજ મામલે કોંગ્રેસે શરૂઆતથી જ અવાજ ઉઠાવ્યો છે. પરંતુ બહુમતીથી જીત મેળવનાર પાલિકાના સત્તાધિશો કોઈને ગાંઠતા જ નથી. અટલ બ્રિજનું ફિટનેસ સર્ટિ એક મહિના અગાઉ માંગવામાં આવ્યું હતું. પરંતુ પાલિકા દ્વારા એ સર્ટિ આજદિન સુધી આપવામાં આવ્યું નથી, તો સાથે જ કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં ભર્યા નથી. 

ઉલ્લેખનીય છે કે એક તરફ કોંગ્રેસ ના પ્રવક્તા અટલ બ્રિજ મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ જેને અવાજ ઉઠાવવો જોઈએ તેવા પાલિકા ના વિપક્ષ નેતા અમીબેન રાવત સમગ્ર મામલે મૌન છે. પાલિકાના સત્તાધીશો પણ ભ્રષ્ટાચાર સ્વીકારવા તૈયાર નથી તેમજ યોગ્ય લાગશે તો કોન્ટ્રાકટર ને નોટીસ આપીશું નું રટણ કરી રહ્યા છે ત્યારે વડોદરા પાલિકા માં શાસક વિપક્ષ ની મિલીઝુલી સરકાર ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news