વડોદરામાં કોમી તોફાન બાદ 22 આરોપીઓની ધરપકડ, તોફાન પૂર્વયોજિત છે કે નહિ તે તપાસ શરૂ
Vadodara communal riots : રાવપુરામાં 8 થી 10 લોકો સામે ગુનો દાખલ થયો છે, તો કારેલીબાગમાં 45 જેટલા લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાયો
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં થયેલ જૂથ અથડામણ અંગે રાવપુરા પોલીસ અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. રેલીબાગ પોલીસ સ્ટેશનમાં જૂથ અથડામણ મામલે 19 આરોપીઓની ધરપકડ કરી છે. તો રાવપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આમ કુલ 22 આરોપીઓની ધરપકડ કરાઈ છે. રાવપુરામાં 8 થી 10 લોકો સામે ગુનો દાખલ થયો છે, તો કારેલીબાગમાં 45 જેટલા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.
એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, રાવપુરામાં મોડી રાત્રે 11.30 કલાકે સામાન્ય અકસ્માતમાં ઝઘડો થયો હતો, વાત જૂથ મારામારી વચ્ચે પહોંચી હતી. જેના બાદ બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી. હાલ અમે આ બનાવ પૂર્વ આયોજિત છે કે નહિ તે અંગે તપાસ કરી રહ્યાં છે. તેમજ અત્યાર સુધી 22 આરોપીઓની ધરપકડ કરાઈ છે, તો બાકીના આરોપીઓને શોધવાની કામગીરી ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બોલાચાલી થઈ હતી. પ્રાથમિક બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેને પગલે બે જૂથ સામસામે આવી ગયા હતા. બે કોમના ટોળા સામસામે આવી જતા ભારે તંગદીલી સર્જાઈ હતી. લગભગ 300 થી 400 લોકોનું ટોળુ રોડ પર આવી ગયુ હતું. તોફાની તત્વોએ વાહન ચાલકોને રોકીને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ છે. તોફાની તત્વોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો. જેમાં કોઠી પોળ વિસ્તારમાં સાંઈબાબાની પ્રતિમાને ખંડિત કરાઈ હતી.
આ અથડામણમાં 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરાઈ હતી. સમગ્ર કિસ્સામાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. તોફાનો બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ કમિશનર સહિતના કાફલાએ વિસ્તાર કોર્ડન કરી મામલો શાંત પાડયો. સમગ્ર વિસ્તારને તાત્કાલિક અસરથી કોર્ડન કરવામાં આવ્યો હતો.
પોલીસે રાત્રે જ સાંઈબાબાની નવી મૂર્તિ સ્થાપના કરાવી
સાંઈબાબાની મૂર્તિ ખંડિત થતા જ લોકો રોષે ભરાયા હતા. જેથી વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ સાંઈબાબાની મૂર્તિનું પુન સ્થાપન કરાયુ હતું. પોલીસની હાજરીમાં સ્થાપના કરાઈ હતી.
વડોદરાના કોમી તોફાનોના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં રસ્તા પર ઉતરી આવેલુ ટોળુ તથા સામસામે પથ્થરમારા કરતા લોકો વીડિયોમાં સ્પષ્ટ કેદ થયા છે. તમામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી છે અને SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બનાવમાં ત્રણ લોકોને ઇજા છે અને તેમની સારવાર જારી છે. બંને વિસ્તારના CCTV પણ તપાસવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે