ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા આવા વર્તનથી શહેરમાં તોફાનો ફાટી નીકળશે

BJP MLA Yogesh Patel Angry On Officercs : વડોદરાઃ 5,000 ઘર માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ, હાઉસિંગ બોર્ડે-કોર્પોરેશને નોટિસ આપતા ધારાસભ્ય બગડ્યા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા, કહ્યું-અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, કોઈનું ગાંઠતા નથી

ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા આવા વર્તનથી શહેરમાં તોફાનો ફાટી નીકળશે

Vadodara New : વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને 5000 ઘરના વિજ-પાણી કનેક્શન કાપી નાંખતા મામલો ગરમાયો છે. હાઉસિંગ બોર્ડના મકાન માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ આપતાં વડોદરાના ધારાસભ્ય બરાબરના બગડ્યા હતા. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા હતા. યોગેશ પટેલે જાહેરમાં ગુસ્સો ઠાલવતા કહ્યું કે, અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, ગાંઠતા નથી.

ગતરોજ શહેર (VADODARA) ના તરસાલી બાયપાસ પાસે આવેલા દિવાળીપુરાના 300 થી વધુ જર્જરિત મકાનોના વિજ-પાણી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. જે બાદ પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડે. મેયરને લઇને સ્થળ મુલાકાત માટે સાંજે પહોંચ્યા હતા. આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સવારે સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે સરકારી અધિકારીઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો. 

અધિકારીઓના આવા વર્તનના કારણે શહેરમાં તોફાનો ફાટી નીકળશે
તેમણે કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના મનફાવે તેમ ઘરનાં ડ્રેનેજ, પાણી અને વીજ કનેક્શન કાપી નાંખે છે. અધિકારીઓના આવા વર્તનના કારણે શહેરમાં તોફાનો ફાટી નીકળશે, અરાજકતા ફેલાશે. ચોમાસામાં આટલા બધા ગરીબોના ઘર ખાલી કરાવવાની હિંમત અધિકારીઓમાં ક્યાંથી આવી? જે જર્જરિત મકાનોનું રિનોવેશન થઈ શકતું હોય તેવા મકાનો ખાલી ન કરાવવા જોઈએ. 

અધિકારીઓ આ શહેરમાં સમજે છે શું ? 
તેમણે વધુમાં કહ્યુ હતું કે, અધિકારીઓ આ શહેરમાં સમજે છે શું ? બધા આજે 5 હજાર મકાનો તોડી નાંખે તો લોકો જાય ક્યાં, તેઓ અંધાધૂંધી ફેલાવવા માંગે છે શહેરમાં. આ બધુ કરીને, કયા અધિકારી સુચનાઓ આપે છે કે, શહેરમાં તોફાનો ફાટી નિકળે. મહેરબાની કરીને જે મારી જોડે ચર્ચા થઇ છે. તે રીતનું પાલન કરીને આ લોકોને કનેક્શન જોડી આપે. મનમાની કરી છે, હું ગઇ કાલે હાજર ન્હતો. આ બહુ ખોટી બાબત છે. બધા મકાનો તોડવાની વાત કરીને શહેરમાં અંધાધૂંધી થાય, તોફાનો થાય, ભાજપના વિરોધમાં લોકો થાય તે રીતનું આ ષડયંત્ર છે.

સાંસદે પણ આપ્યો સાથ
દિવાળીપૂરા જર્જરિત મકાનોમા પાલિકા, હાઉસિંગ બોર્ડની કાર્યવાહીનો મામલો વકર્યો છે. સિનિયર ધારાસભ્ય બાદ હવે સાંસદ ડો હેમાંગ જોશી પણ ગરીબોને વ્હારે આવ્યા છે. સાંસદ હેમાંગ જોષીએ પણ કહ્યું કે, હું યોગેશ કાકાની વાતથી હું સહમત છું. યોગેશ કાકાએ સિનિયર ધારાસભ્ય તરીકે ગરીબોની ચિંતા કરી છે. ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સાથે અધિકારીઓની પણ સંપૂર્ણ જવાબદારી છે. અધિકારીઓએ પણ સંવેદના દાખવી નાગરિકોની ચિંતા કરવી પડશે. ચોમાસામાં મકાનો ખાલી કરાવવાએ ચિંતાજનક બાબત છે. સમગ્ર મામલે હું અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરીશ.

તો બીજી તરફ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ યોગેશ પટેલના નિવેદનનું સમર્થન ન કર્યું. એક નિવેદનમાં કેયૂર રોકડિયાએ કહ્યું કે, અધિકારીઓએ અમને વિશ્વાસમાં લીધા હતા, અમારી સાથે સ્થળ પર સયુંકત વિઝિટ પણ કરી હતી. અમારા સયાજીગંજ વિધાનસભામાં હાઉસિંગ બોર્ડ અને પાલિકાએ લોકોએ મકાનના રિનોવેશન માટે સમય આપ્યો છે. હાઉસિંગ બોર્ડે મકાનની એ, બી અને સી એમ ત્રણ કેટેગરી બનાવી છે. એ કેટેગરીમાં અતિ જર્જરીત, બી કેટેગરીમાં ઓછા જર્જરિત અને સી કેટેગરીમાં સારા મકાન છે. એ કેટેગરીના મકાનો રહેવા લાયક ન હોવાથી ઉતારવા જરૂરી, અધિકારીઓની કાર્યવાહી યોગ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news